એક જ દે ચિનગારી (મારો અસબાબ-8)

કેવી છદ્મવેશી અને છેતરામણી હોય છે સફળતા ! જીવનસાગરમાં આવતું એક મોજું ક્યારેક ઊંચા આકાશને આંબે છે, તો ક્યારેક એ પછી ઘૂઘવતા સાગરમાં ક્યાંક ખોવાઈ જાય છે. સફળતા અનંત શક્યતા લઈને આવે છે, પણ એની સાથે સ્વપ્નનો અનુબંધ ન સધાય, તો એ સઘળી શક્યતાઓ આથમી જાય છે. 1965ના સમયગાળામાં ગુજરાતી સાહિત્યમાં બાળસાહિત્યની બોલબાલા હતી. ‘રમકડું’, ‘ઝગમગ’, ‘બાળસંદેશ’ જેવાં બાળસામયિકોથી ગુજરાત તરબતર હતું. આથી 1965માં લાલબહાદુર શાસ્ત્રીના જીવનચરિત્રના પુસ્તકમાં ઘણી સફળતા મળી એટલે સામાન્ય રીતે ચિત્ત આવાં ચરિત્રોના લેખન તરફ દોડી જાય.

એક વાર જે રાહ પર ચાલતાં ફાવટ આવી ગઈ, પછી એ જ રાહ પર ફરી ચાલીને પુનરાવર્તન કરવાનું મન થાય. કોઈ સર્જકને ગ્રામજીવન કે શહેરીજીવનના કથાનકમાં સફળતા સાંપડે એટલે પછી એ જ એમના લેખનવિષયનો એકમાર્ગી ૨સ્તો બની જાય. આથી ક્યારેક તો એવું બને કે સર્જકની પ્રથમ કૃતિ ઉત્તમ હોય અને પછી પુનરાવર્તનને કારણે એમાં મૌલિકતા કે નાવીન્ય ન હોય.

વળી એ સમયે અખબારોમાં નિયમિતપણે લખાણો પ્રગટ થતાં હતાં, પરંતુ મનમાં એવી પાકી ગાંઠ વાળેલી કે પત્રકારત્વ અને સાહિત્ય એ ભલે જોડિયા ભાઈઓ ગણાતા હોય, પણ બંનેનાં સ્વરૂપ, આલેખન, વાચક અને શિસ્ત તદ્દન ભિન્ન છે. પરિણામે અખબા૨માં લખાતાં લખાણો પુસ્તક રૂપે પ્રગટ કરતાં પહેલાં સો ગળણે ગાળવા એમ માનતો હતો. એ સમયે સામયિકમાં છપાયેલા લેખોને એકઠા કરીને પુસ્તક-પ્રકાશકને એનાં કટિંગ્સ મોકલી આપવામાં આવતાં, કેટલાક પ્રકાશકો એમાંની ક્ષતિઓને યથાતથ રાખીને પ્રગટ પણ કરતા હતા. બાલસાહિત્યનાં પુસ્તકોના પ્રકાશનની જાહોજલાલીનો એ જમાનો હતો, પણ વિચાર કર્યો કે આ ધોધના પ્રવાહમાં વહેવું નથી, બલ્કે વરસાદની વાર જોવી છે.

કોઈ જાણીતી વ્યક્તિ કે કોઈ કાલ્પનિક વાર્તા તરફ ધસી જવાને બદલે મૌલિક વિચાર સૂઝે એની રાહ જોવાનું મુનાસિબ માન્યું. કોઈ વિચાર મનમાં ઊગે, દૃઢ થાય, સાંપ્રત લાગે ને બાળકોને યોગ્ય હોય, તે પછી જ લેખન કરવું એવો દૃઢ નિશ્ચય કર્યો. પરિણામે લાંબા સમય સુધી કશું લખાતું નહીં. માત્ર ‘એક જ દે ચિનગારી’ની માફક કોઈ વિચારબીજની રાહ જોતો. જેવો કોઈ મૌલિક વિચાર કે પરિસ્થિતિ પ્રેરિત ભાવ જાગે કે તરત એ વિષયને અનુરૂપ કથાઓની ખોજ કરવાનું શરૂ કરી દેતો. પછી એ સામગ્રીની પ્રમાણભૂતતાની યોગ્ય ચકાસણી કરતો, એ અંગેનાં પુસ્તકો ઉથલાવતો, જરૂરી મુલાકાત લેતો અને સઘળી સામગ્રી તૈયાર થયા પછી લખવાના શ્રીગણેશ કરતો હતો. ચિત્રકાર પાસે વાર્તાનું શીર્ષક સજાવીને મૂકતો અને જાણીતા ચિત્રકાર પાસે મુખપૃષ્ઠ કરાવતો. કારણ એટલું જ કે મારા પિતા ‘જયભિખ્ખુ’ કહેતા હતા કે બાળકો માટેનાં પુસ્તકો તો ૨મકડાં જેટલાં આકર્ષક હોવાં જોઈએ.

બાળપણમાં મુઘલ યુગના અકબર બાદશાહ અને બીરબલની ચાતુર્યની ઘણી કથાઓ વાંચી હતી. આમાં કેટલીક કથાઓ કાલ્પનિક પણ હતી, પણ એનો હેતુ અંતે બાળકોને બીરબલની આબાદ ચતુરાઈ દર્શાવવાનો હતો. એક દિવસ મનમાં એવો વિચાર જાગ્યો કે ચતુરાઈનો ઇજારો માત્ર બીરબલનો જ છે ? શું આવું ચાતુર્ય ધરાવનાર કોઈ વ્યક્તિ ગુજરાતમાં થઈ નથી ? મનમાં ગાંઠ વાળી કે ગુજરાતનાં બાળકોને બુદ્ધિ-ચાતુર્ય ધરાવતા ગુજરાતીની ચતુરાઈની કથાઓ આપવી અને એ કથાઓની પશ્ચાદ્ભૂમિમાં એ સમયના ગુજરાતનું વાતાવરણ ઉપસાવવું. આ માટે ઇતિહાસ તરફ મીટ માંડી.

ગુજરાતના સુવર્ણયુગ સમા સોલંકી યુગમાંથી દામોદર મહેતાનું પાત્ર મળી આવ્યું. આ પાત્રની ચતુરાઈ વિશે દંતકથાઓ, રાસાઓ અને પ્રબંધોમાં માત્ર આછા-પાતળા ઉલ્લેખો જ મળતા, પરંતુ ઇતિહાસમાં વધુ શોધ- સંશોધન કરતાં ગુજરાતના સુવર્ણયુગ સમા સોલંકીયુગના ઇતિહાસમાં દામોદર મહેતાના ચાતુર્યની કેટલીક રસપ્રદ ઘટનાઓ પ્રાપ્ત થઈ.

મુઘલ બાદશાહ અકબરના દરબારમાં વિખ્યાત નવરત્નોમાં જેમ એક બીરબલ હતો, એ જ રીતે ગુજરાતના રાજા ભીમદેવના દરબારમાં મંત્રી દામોદર મહેતા હતો. જે પાત્ર આજે પણ ‘ડાહ્યોડમરો’ જેવી કહેવતમાં જીવંત છે. બસ, પછી તો મનમાં એ ડાહ્યાડમરાના વ્યક્તિત્વની રેખાઓ દોરાવા માંડી અને આ ‘ડાહ્યોડમરો’ એટલે આદર્શ ગુજરાતી, મોજીલો, પરોપકારી અને દેશાભિમાની. એ સમયે રાજા ભીમદેવ અને વિમલ મંત્રી જેવા યોદ્ધાઓએ રણમેદાનમાં શસ્ત્રોથી શૌર્ય બતાવીને વિજય મેળવ્યા હતા, તો દામોદર મહેતાએ નિઃશસ્ત્ર રહીને પોતાના બુદ્ધિ-ચાતુર્યથી વિરોધીઓને પરાજિત કર્યા હતા અને મા ગુર્જરીની સેવા કરી હતી.

આ પાત્ર વિશેનું શોધ-સંશોધન કરીને એ સમયના ગુજરાતની પશ્ચાદ્ભૂમિમાં એને જીવંત કરવાનો પ્રયાસ કર્યો. પાટણ, ઊંઝા, સિદ્ધપુર જેવાં એ સમયનાં સમૃદ્ધ નગરોના વાતાવરણમાં ડાહ્યા-ડમરાની ચતુરાઈભરી કથાઓ આલેખી. ગુજરાતના લગભગ ભુલાઈ ગયેલા આ મહાન નરરત્નની કથા આપીને બાળકોને વિનોદ અને ચતુરાઈની સાથોસાથ ગુજરાતના ગૌરવની ઝાંખી કરાવી.

‘મહામાનવ શાસ્ત્રી’ પુસ્તક લખાયા પછી પૂરા એક વર્ષ બાદ ‘ડાહ્યોડમરો’ પુસ્તક પ્રગટ થયું. આમાં સોલંકીયુગની કેટલીક પ્રચલિત કથાઓનો પણ ઉપયોગ કર્યો. ગુજરાતીઓ વીર અને વિચક્ષણ હોય છે, તેવા વિચારને દર્શાવવાની સાથોસાથ આ મહાન નરરત્ન દામોદર મહેતાની કથા વિનોદી બુદ્ધિચાતુર્ય સાથે ગુજરાતનાં બાળકોને એ પાત્રની ઝાંખી કરાવતું રહ્યું.

1968માં એક મિત્રના લગ્નપ્રસંગે કચ્છના પ્રવાસે જવાનું થયું. એ સમયે ચિત્તમાં તો સોનગઢમાં શ્રી દુલેરાય કારાણી પાસેથી સાંભળેલી કચ્છના નરબંકાઓની કથા ઘૂમતી હતી. કચ્છના પ્રવાસમાં આ પ્રજાનું આગવું ખમીર જોયું. કચ્છી નરબંકાઓની કથાઓ સાંભળી અને એને પરિણામે ચિત્તમાં એક નવો ઝબકાર થયો. આપણા ઇતિહાસમાં તો અમીચંદ કે કાક જેવાં પાત્રોના દેશદ્રોહની વાતને વારંવાર દોહરાવવામાં આવી છે ને તેથી બાળકો અને અભ્યાસીઓને એમ જ લાગે કે આપણા દેશનો ઇતિહાસ જાણે દેશદ્રોહીઓથી ભરેલો છે !

વળી સામાન્ય રીતે એવો ખ્યાલ પ્રવર્તે છે કે કોઈ રાજ્ય વ્યક્તિને જાકારો આપે એટલે એ કાં તો બહારવટિયો થાય અથવા તો રાજદ્રોહી બને. ખડતલ અને ખમીરવંતા શૂરવીરો ધરાવતા કચ્છના ઇતિહાસમાંથી એવી કથાઓ સાંભળવા મળી કે રાજાએ જેનું ઘોર અપમાન કર્યું હોય, એવા માનવીઓએ માત્ર પોતાના વહાલા વતન(વો અસાજો વતન)ના અખૂટ પ્રેમને કારણે દુશ્મનોના વિશાળ લશ્કરોની સામે પોતાની માતૃભૂમિના રક્ષણ કાજે એકલા લડીને શહાદત વહોરી લીધી છે. અંગત માન-અપમાન કરતાં માતૃભૂમિની રક્ષા ઘણી મહાન છે એવા પ્રસંગોનું આમાં આલેખન કર્યું. આવી વીરગાથાઓ મેળવીને ‘કેડે કટારી, ખભે ઢાલ’ નામના બાળસાહિત્યના પુસ્તકનું સર્જન કર્યું. માતૃભૂમિની મુક્તિ અને માનવતાનું ગૌરવ કરવા માટે કશાય લોભ, સ્વાર્થ કે લાલસા વિના સામાન્ય માનવીઓએ આપેલાં બલિદાનોની કથાઓ મેળવી. મનમાં થયું કે આવાં બિલદાનો જ જનહૃદય પર અને જનસંસ્કૃતિ પર અમીટ છાપ પાડી જાય છે. દેશની સાચી મૂડી જ એ છે.

એ સમયે ગુજરાત રાજ્યના મહેસૂલ અને કાયદાખાતાના પ્રધાન શ્રી પ્રેમજીભાઈ ઠક્કરે ગ્રંથના પ્રારંભે ‘અંગુલીનિર્દેશ’માં કહ્યું, ‘કચ્છ પ્રદેશ પુરાણ પ્રાચીન પ્રદેશ છે, ત્યાંનો ઇતિહાસ ખમીરવંતો છે, સૌરાષ્ટ્રની ધરતી જેટલું જ ભાતીગળ લોકસાહિત્ય છે. ભૌગોલિક રીતે વર્ષો સુધી વિખૂટો પડેલો આ પ્રદેશ એકલા-અટૂલા પ્રદેશ તરીકે વર્ષો સુધી રહ્યો છે, છતાં રાંકના રતનની જેમ પોતાની શૌર્ય-ગાથાઓને એ જાળવી શક્યો છે. કચ્છના લોકો પાસે પેઢી-દરપેઢી એ બધી વાતોનો સભર ખજાનો સચવાયેલો છે. આજેય કોઈ સંશોધક આ કામ માથે લે, તો કચ્છના ઇતિહાસમાંથી એને ઘણું મળી રહેશે.’

જ્યારે આ પુસ્તકના પ્રારંભે એની પ્રસ્તાવનામાં મનોભાવ પ્રગટ કરતા મેં લખ્યું, ‘સૌરાષ્ટ્રની ધરતીની વીરતાની વાતો સરળ, રોચક અને જનસમૂહને સ્પર્શે તેવી શૈલીમાં અનેક લેખકોને હાથે લખાયેલી છે, પણ સામાન્ય રીતે આજ સુધી બહુધા ઉપેક્ષા પામેલા કચ્છના ઇતિહાસની વીરતાની વાતો આવી શૈલીમાં લખાયેલી નથી. આવી કથાઓ બાળકો, અને પ્રૌઢોને કચ્છી સંસ્કૃતિના ખમીર અને વીરતાનો યત્કિંચિત્ ખ્યાલ આપશે.

‘વળી કચ્છ દેશની વીરગાથાઓ ગાવાનો અહીં એકમાત્ર ઉદ્દેશ નથી, પરંતુ એ દ્વારા આ મહાન વિશાળ દેશના અંગભૂત નાના પ્રદેશોમાં આતિથ્ય અને આત્મસમર્પણનું જે ભારતીય ખમીર ઊછળે છે, તેનું નિદર્શન કરાવવાનો મુખ્ય આશય છે. આ ગાથાઓ દેશ તરફ ભક્તિ, સિદ્ધાંત માટે સ્નેહ અને નેકટેક કાજે જાનફેસાનીની ભાવનાઓ જગાડશે, તો હું મારી કલમને ધન્ય માનીશ.’

બન્યું એવું કે ‘ડાહ્યોડમરો’ પુસ્તકને ગુજરાત સ૨કા૨ની બાળસાહિત્યની સ્પર્ધામાં પારિતોષિક મળ્યું, તો ‘કેડે કટારી, ખભે ઢાલ’ને ગુજરાત સરકારની બાળસાહિત્યની પંદરમી રાષ્ટ્રીય સ્પર્ધામાં પારિતોષિક પ્રાપ્ત થયું. ‘ડાહ્યોડમરો’ પુસ્તકની રચના પછી બે વર્ષે ‘કેડે કટારી, ખભે ઢાલ’ પુસ્તક પ્રગટ થયું. માત્ર વિષાદ એટલો હતો કે 1969ની 24મી ડિસેમ્બરે જીવનમાં સતત પ્રેરણાસ્રોત બની રહેલા પિતા ‘જયભિખ્ખુ’નું અવસાન થયું હતું અને તેથી આ પારિતોષિક પ્રાપ્ત થયાનો આનંદ ઝાંખો-પાંખો જ રહ્યો.

સમય વહેતો ગયો. ઈ. સ. 1971માં કોમી રમખાણો થયાં અને એમાંથી ‘બિરાદરી’ નામના પુસ્તકનું સર્જન કરવાનો વિચાર આવ્યો. માન્યતા એવી બંધાઈ ગયેલી કે બિરાદરી એટલે માત્ર હિંદુ-મુસલમાનનું ઐકય, પણ આ પુસ્તકમાં શીખ અને સિંધી પ્રજાએ દાખવેલી પરધર્મ પ્રત્યેની બિરાદરીને પણ વણી લેવામાં આવી. એમાં ગુરુનાનક જેવા ધર્મસ્થાપકની કથા આલેખી છે, તો બીજી બાજુ સિંધી કોમના ચેટીચાંદ ઉત્સવની પાછળ રહેલી સિંધી, હિંદુ અને મુસ્લિમ ધર્મના ઐક્યની કથા લખી. હિંદુઓ એમને ‘ઉડરોલાલ’ નામથી પૂજતા હતા, તો મુસલમાનો એમને ‘જિંદ પીર’ નામથી નમવા લાગ્યા. ઉદયચંદ્રને લોકો ‘લાલસાંઈ’ના નામથી ઓળખતા. આજે ચૈત્ર સુદિ એકમના દિવસે સિંધમાં આવેલા લાલસાંઈના મંદિરે જઈને હિંદુ અને મુસલમાન સહુ એકસાથે એમની ઉપાસના કરે છે. આ પવિત્ર દિવસને ‘ચેટી ચાંદ’ના નામે પાળવામાં આવે છે. સિંધી કોમ તો આ દિવસે મોટો ઉત્સવ ઊજવે છે. આમ હિંદુના દેવ અને મુસલમાનના પીર રાજપુત્ર ઉદયચંદ્ર સહુને એકતાનો વા૨સો આપી ગયા.

ગુરુનાનક જેવા ધર્મસ્થાપકનો પ્રસંગ આલેખતાં નોંધ્યું કે એમના હિંદુ અને મુસલમાન શિષ્યો પોતાના ગુરુની અંતિમવિધિ પોતાના ધર્મ પ્રમાણે કરવા માગતા હતા, ત્યારે એક ઘોડેસવારે કહ્યું કે, ‘સત્ય, દયા અને એક સંપના સિદ્ધાંતોનું પાન કરાવનાર ગુરુના ઉપદેશોનો વિચાર કરો અને એમનું કફન ઉપાડીને એમનાં અંતિમ દર્શન કરી લો.’

બંને કોમના લોકોએ કફન ઉપાડીને જોયું તો નીચે માત્ર ગુલાબના ફૂલોનો ગંજ જોવા મળ્યો અને તેથી લોકો ગાવા લાગ્યા,

‘ગુરુ નાનક શાહ ફકીર,

હિંદુકા ગુરુ, મુસલમાનકા પીર.’

જયસિંહ સિદ્ધરાજ અને રણથંભોર રાજવીના અન્ય ધર્મ પ્રત્યેનું ઔદાર્ય અને સમર્પણ મળે છે, તો ભારતના રામકિશનની જોડી કથામાં ભારતના ઇતિહાસમાં પાક મુસલમાન અશ્ફાક ઉલ્લા ખાં અને ચુસ્ત આર્યસમાજી રામપ્રસાદ ‘બિસ્મિલ’એ કાકોરી સ્ટેશન પર અંગ્રેજ સરકારનો ખજાનો લૂંટ્યો હતો અને એ બંને પર અદાલતમાં કેસ થયો અને બંનેને 1927ની 29મી ડિસેમ્બરે જુદાં જુદાં સ્થળે જેલમાં ફાંસી મળી, પરંતુ હિંદુ અને મુસલમાનને એક સાથે બલિદાન આપ્યું હોય એવી ઘટનાની ખોજ કરતાં અમદાવાદમાં વસંત-રજતની અહિંસક શહાદતની કથા મળી.

1947ની 1લી જુલાઈએ અમદાવાદની ધરતી પર કોમી રમખાણો થતાં હતાં, ત્યારે વસંતરાવ અને રજબ અલી બંનેએ જમાલપુરના હુલ્લડથી ઘેરાયેલા વિસ્તારમાં ખુન્નસે ભરાયેલા ટોળાને શાંત કરવા જતાં પોતાના પ્રાણ આપ્યા અને એ રીતે એકસાથે બે ભિન્ન કોમના યુવાનોની અમદાવાદની ધરતી પર વીરતાભરી અહિંસક શહાદત ઇતિહાસમાં અજોડ બની રહી.

એવામાં અમદાવાદના પ્રસિદ્ધ ભદ્રના કિલ્લામાં આવેલી કબરમાંથી એક ઘટના મળી. આવી એ હતી શેખ અબુબકરની. એ સમયે હિંદુ કારખાનેદાર પાસેથી ઊપજનો પાંચમો ભાગ ખાસ ક૨ તરીકે વસૂલ કરવામાં આવતો હતો. એની સામે અમદાવાદના મજૂર પ્રવૃત્તિના આગેવાન શેખ અબુબકરે અવાજ ઉઠાવ્યો અને સૂબા અમીદ ખાનને અન્યાય દૂર કરવા કહ્યું. હિંદુ કામદારો સાથે મળીને શેખ અબુબકરે સૂબા અમીદ ખાનને હંફાવ્યો, ત્યારે આ સૂબાએ દોસ્તીનો હાથ લાંબો કરીને અબુબકરને મિજલસમાં બોલાવ્યો અને ત્યાં મીઠાઈમાં ઝેર આપીને એના પ્રાણ લીધા. ઈ. સ. 1962ની આખરનો એ સમય હતો, જ્યારે મજૂર પ્રવૃત્તિના એક મુસ્લિમ આગેવાને હિંદુ કામદારો માટે જાનફેસાની કરીને ઇતિહાસ સર્જ્યો. મેગ્સેસે પારિતોષિક પ્રાપ્ત કરનારા ‘સેવા’ સંસ્થાનાં ઇલાબહેન ભટ્ટને જ્યારે આ કથા કહી, ત્યારે તેઓ પ્રસન્ન થઈ ગયાં હતાં. તો વળી જ્યાં મુખ્યત્વે મુસલમાન વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા, એવી અમદાવાદની એક શાળાએ પોતાના તેજસ્વી વિદ્યાર્થીઓને ભેટ રૂપે ‘બિરાદરી’ પુસ્તક આપ્યું. 16મી નવશિક્ષિતો માટેની સાહિત્યસ્પર્ધામાં આને પારિતોષિક મળ્યું. આમ બાળસાહિત્યનું પુસ્તક બે-ત્રણ વર્ષે લખાતું, પણ ખરી મજા તો મનમાં સતત ચાલતા વિચાર-મંથનથી આવતી. પછી ચિત્તમાં કોઈ વિચારની ચિનગારીનો કોઈ ઝબકારો થતાં એ વિશે શોધ-સંશોધનો કરતો અને એને વિશેની કથાઓને મેળવીને એની પ્રમાણભૂતતા ચકાસતો, એની પશ્ચાદ્ભૂમિ વિશે વિચારતો અને પછી આ બધા રંગો ભેગા થાય, ત્યારબાદ કલમ-પીંછીથી જુદા જુદા રંગો દ્વારા એ સૃષ્ટિને આલેખતો હતો.

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑