1965નું વર્ષ તે મારું એમ .એ.નું અંતિમ વર્ષ હતું. એ માટે પરીક્ષાની તૈયારીઓ ચાલતી હતી. તો બીજી બાજુ ‘ગુજરાત સમાચાર’, ‘ઝગમગ’ અને ‘નવચેતન’માં નિયમિત કૉલમ પ્રગટ થતાં હતાં. એમાં વળી એ સમયગાળામાં ખેલાતી ટેસ્ટમૅચમાં રોજેરોજની સમીક્ષા લખવાનું આવ્યું, આમ ભારે રોમાંચક વર્ષ હતું એ, અને એ વર્ષે લાલબહાદુર શાસ્ત્રીની જીવનગાથાને વર્ણવતું ‘લાલ ગુલાબ’ પુસ્તક પ્રગટ કર્યું. પુસ્તકના બીજા પૃષ્ઠ પર લખ્યું,
જવાહરને પ્રિય ફૂલ કયું ?
લાલ ગુલાબ.
આપણી રાજવાડીનું શ્રેષ્ઠ ફૂલ કયું ? લાલ ગુલાબ.
માતા ભારતીનો સાચો લાલ કોણ ?
અને આ પુસ્તક અર્પણ કર્યું,
શ્રી લાલબહાદુર.
માતાને !
જન્મદાત્રીને,
જન્મભોમને.
સર્જક જયભિખ્ખુ એમ માનતા કે પુસ્તકને કલાદૃષ્ટિએ એવું આકર્ષક બનાવવું જોઈએ કે બાળક એની પસંદગીનું રમકડું જોઈને જેવો હરખ પામે, એવો આનંદ વાચકને આવવો જોઈએ. આથી એમણે જયેન્દ્ર પંચોલી અને દિવ્યકાંત ઓઝા જેવા ચિત્રકારોને બોલાવીને પુસ્તકના એના પ્રત્યેક પ્રકરણ શીર્ષકની સાથે એને લગતું એક ચિત્ર મૂક્યું. વચ્ચે વચ્ચે પ્રસંગાનુરૂપ ચિત્રો મૂક્યાં અને એક રૂપકડું પુસ્તક તૈયાર કર્યું, એ પુસ્તકના પ્રારંભે ‘બે બોલ’ રૂપે છટાદાર શૈલીમાં લખેલું આ લખાણ વાચકને મારા ચિત્ત પર લાલબહાદુર શાસ્ત્રીએ કેવી ભૂરકી છાંટી હતી, તેનો ખ્યાલ આપશે. એમાં લખ્યું,
“જે ચરિત્ર સાંભળવાથી જીવન પવિત્ર બને ને જેના લેખનથી કલમ ધન્ય બને, એવી મહાન ભારત-જ્યોતિનું આ ચરિત્ર છે.”
“માત્ર એ રાજનીતિના મહાન પુરુષ હતા, એમ માનનાર ભૂલ ખાશે.’
હતા.
“માત્ર એ મહાન સેનાનાયક હતા ને દેશના જવાનો માટે પ્રેરણામૂર્તિ એમ કહેવું પણ યોગ્ય થશે નહીં.”
“એ આદર્શ વિદ્યાર્થી હતા કે આદર્શ ગૃહસ્થ હતા, એમ સમજનારા પણ એમના ચરિત્રને અન્યાય કરશે.”
“એ દેશના આજીવન સેવક અને અકિંચન ફકીર હતા, એમ કહેવું પણ પૂરતું થશે નહીં.”
“એ ભારતના ભીષ્મપિતામહની, મહારથી કર્ણની, મહર્ષિ ચાણક્યની કે વીર પરશુરામની પ્રતિમા હતા, એમ કહેનારા પણ પૂરતો ન્યાય કરશે નહીં !’
“એ એક મહામાનવ હતા, આદર્શ ભારતીય હતા, નિષ્કામ યોગી હતા, માનવતાથી મહેકતા ભારતની વાડીના સ્વયંસંપૂર્ણ ગુલાબ હતા એમ કહેવું યોગ્ય થશે.”
ગુલાબ ખીલતું હતું ત્યારે આંખોને અને મનને તૃપ્ત કરતું હતું. ગુલાબ કરમાઈ ગયું, ત્યારે યુગો સુધી ચાલે તેવી અમર સુવાસ મૂકતું ગયું,
એ સમયના ગુજરાતના કેળવણીપ્રધાન ડૉ. ભાનુપ્રસાદ પંડ્યાએ આ પુસ્તકને ઉમળકાભેર આવકારતાં લખ્યું, ‘કુમારપાળ દેસાઈએ સ્વ. શાસ્ત્રીજીના જીવનમાંથી યોગ્ય પ્રસંગોની પસંદગી કરીને આમાં તેનું રસાળ અને સરસ ભાષામાં વર્ણન કરેલું છે. તેમની પ્રમાણભૂતતા અને ૨જૂઆતની ચોકસાઈ વિદ્યાર્થીઓને પણ આકર્ષશે. આ પુસ્તકથી કુમારપાળ સાહિત્યના ક્ષેત્રમાં રીતસર પ્રવેશ કરે છે. તેમના પિતા શ્રી જયભિખ્ખુની માફક તેમની લેખનયાત્રા શુભ, ફળદાયી અને ઊર્ધ્વમુખી નીવડે એવી મારી શુભેચ્છા છે.’
અને બન્યું પણ એવું કે ‘લાલ ગુલાબ’ પુસ્તક પ્રગટ થતાંની સાથે એની ચાલીસ હજાર પ્રત ખપી ગઈ. ગુજરાતમાં એક પુસ્તક આટલી મોટી સંખ્યામાં વેચાયું હોય, તેવી કોઈ ભાગ્યે જ ઘટના બની હશે. ગુજરાતભરમાં ચાલતી શિષ્ટ વાંચનની પરીક્ષામાં એ પાઠ્યપુસ્તક તરીકે પસંદ થયું. ગુજરાત સરકારની ઉચ્ચ ગુણવત્તાવાળા બાળસાહિત્યની સ્પર્ધામાં ‘લાલ ગુલાબ’ને પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો.
આમ આ પુસ્તક ચોતરફ લોકચાહના પામતું રહ્યું. એવામાં 1966ની 11મી જાન્યુઆરીએ રશિયાના તાસ્કંદ શહેરમાં હૃદયરોગના હુમલાથી ભારતના વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીનું એક અને બત્રીસ મિનિટે અવસાન થયું. આ દિવસે વળી એક નવો પાઠ શીખવા મળ્યો. એ જમાનો ટેલિપ્રિન્ટરનો હતો અને એકાએક ટેલિપ્રિન્ટરમાંથી અવાજ આવતાં ‘ગુજરાત સમાચાર’નો સ્થાનિક સમાચાર વિભાગ સંભાળનાર દોડી ગયા. એમણે
જાણ્યું કે લાલબહાદુર શાસ્ત્રીના અવસાનના સમાચાર છે, એટલે તરત જ લાલબહાદુર શાસ્ત્રી અને અયુબખાન વચ્ચે તાસ્કંદમાં થયેલી સફળ મંત્રણાના સમાચારનું મુખ્ય હેડિંગ બદલીને આજુબાજુ બૉર્ડર મૂકીને લાલબહાદુર શાસ્ત્રીના અવસાનના સમાચાર લખ્યા.
કટોકટીનો એ સમય હતો. સમયસર અખબાર પ્રકાશિત ન થાય, તો ફેરિયા, ટૅક્સી, મોટર કે રેલવે દ્વારા ગોઠવેલી એના વિતરણની વ્યવસ્થા ખોરવાઈ જાય. આથી ખૂબ ઝડપથી ટાઇપો ગોઠવીને પહેલું પાનું બાંધીને આ સમાચાર મૂકવામાં આવ્યા અને પછી અખબાર પ્રકાશન માટે ગયું.
એ સમયે એમને વિશે લખવાનું કહ્યું, ત્યારે અનુભવ થયો કે પત્રકારની કેવી કસોટી થતી હોય છે ! પોતે એક બાજુ પરિચિત વ્યક્તિના અવસાનનો આઘાત અનુભવતા હોય છે અને બીજી બાજુ એમનાં સ્મરણો યાદ કરીને લખવું પડે છે. એટલે કે કલમની શાહીની સાથે સાથે આંખનાં આંસુથી સર્જન થતું હોય છે અને એ પછી બન્યું પણ એવું જ કે ગુજરાતનાં અખબારો અને સામયિકોમાં લાલબહાદુર શાસ્ત્રી વિશે ઘણા ચરિત્રલેખો લખવાનો આગ્રહ થયો. તે લખ્યા ને પ્રગટ પણ થયા. પણ સાથેસાથ એમ થયું કે ‘લાલ ગુલાબ’ એ તો માત્ર એમના જીવનની પૂર્વાર્ધ ગાથા છે. એમના ઉત્તરાર્ધની કેટલીય ભવ્ય કામયાબીઓની વાત તો બાકી છે.
પાકિસ્તાન સામેના યુદ્ધ સમયે આખાય દેશને એક દોરે એમણે બાંધી રાખ્યો અને એવો વિજય અપાવ્યો કે સહુ કહેવા લાગ્યા કે, ‘અબ લાહોર તક ચલેગી, યે તેગ હિન્દુસ્તાન કી.’ વળી ભારતીય જવાનોએ અપ્રતિમ શૌર્ય દાખવીને હાજીપીર ઘાટી, પંચ અને છાઁબ વિસ્તારોમાં ચોકીઓ કબજે કરી. ભારતનાં નાનાં જેટ વિમાનોએ અમેરિકા પાસેથી પાકિસ્તાને મેળવેલાં મોટાં વિમાનોને ભૂમિ પર પછાડ્યાં. જનાબ ઝુલ્ફિકાર અલી ભુટ્ટોએ કહ્યું કે, ‘કાશ્મીર માટે અમે એક હજાર વર્ષ સુધી લડીશું,’ ત્યારે લાલબહાદુરે જવાબ આપ્યો, ‘એક હજાર વર્ષ તો શું, કિંતુ શાશ્વત કાળ સુધી લડશો, તો પણ કાશ્મીર તમને મળવાનું નહીં.’
એ સમયે ભારતીય દળો લાહોરના સીમાડે આવીને અટક્યાં અને ચારે કોર એક જ નાદ ગુંજતો હતો, “જો ભારત સે ટકરાયેંગા, વો મિટ્ટી મેં મિલ જાયેગા.’
લાહોર–સિયાલકોટમાં ભયંકર ટૅન્કયુદ્ધ ખેલાયું અને એમાં પણ સિયાલકોટમાં અઢી મિનિટમાં ભારતે ચૌદ ટૂંકો તોડવાની અદ્ભુત સિદ્ધિ મેળવી. તકસાધુ ચીને પણ ભારતની સરહદે તોફાન શરૂ કર્યું, પરંતુ એમના પેંતરા નિષ્ફળ બનાવ્યા. એ સમયે ભારતના વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રી અને સંરક્ષણપ્રધાન યશવંતરાવ ચૌહાણ – બંને ધોતિયું પહેરતા હતા. પાકિસ્તાનના પ્રમુખ અયુબખાને શેખી મારી હતી કે આ ધોતીવાળાઓને સહેલાઈથી હરાવી દઈશું. એને બદલે સત્તર દિવસનો સંગ્રામ ખેલીને અયુબખાનને ધોળે દિવસે તારા દેખાડ્યા. 49 દિવસ ચાલેલી લડાઈમાં ભારત કરતાં પાકિસ્તાનની ચારગણી વધુ ખુવારી થઈ. એ પછી 1995ની 23મી સપ્ટેમ્બરે પાકિસ્તાને યુદ્ધવિરામના કરાર કર્યા.
1965ની 21મી ઑક્ટોબરે શાસ્ત્રીજીએ અઠવાડિયામાં એક ટંકનું ભોજન છોડવા અપીલ કરી અને આખા દેશે એમની એ અપીલને હર્ષભેર સ્વીકારી લીધી. એમણે ‘જય જવાન, જય કિસાન’નું સૂત્ર આપ્યું અને દેશ આખો થનગની રહ્યો. આવી તો ઘણી ઘણી ઘટનાઓ ‘લાલ ગુલાબ’ પ્રસિદ્ધ થયા પછી જોવામાં અને સાંભળવામાં આવી. આને પરિણામે લાલબહાદુર શાસ્ત્રીના જીવનનાં તમામ પાસાંઓને આલેખતું 30 પૃષ્ઠનું ‘મહામાનવ શાસ્ત્રી’ પુસ્તક તૈયાર કર્યું. આરંભે ‘બે બોલ’માં લખ્યું
સંસારમાં સાવ સાદો ને સામાન્ય માણસ પોતાના પુરુષાર્થથી, પોતાના ગુણોથી અને પોતાનાં કાર્યોથી મહામાનવ બને છે. એવા એક મહામાનવની આ જીવનગાથા છે.
અમેરિકાના જ્યોર્જ વૉશિંગ્ટન એવા મહામાનવ હતા. એમણે યુદ્ધ અને શાંતિ – બંનેમાં કુશળતાથી કારભાર ચલાવ્યો. આપણા માનીતા સ્વ. શાસ્ત્રીજીએ એવું જ આચરી બતાવ્યું, યુદ્ધમાં અગ્રિમ ને શાંતિમાં પહેલા સાબિત થયા.
ઇંગ્લૅન્ડના વિન્સ્ટન ચર્ચિલ એમની મક્કમતાથી મહામાનવ બન્યા હતા. વિશ્વયુદ્ધમાં ઇંગ્લૅન્ડને તેમણે વિજય અપાવ્યો. એવી જ રીતે શાસ્ત્રીજીએ ભયંકર પળોમાં મક્કમતા બતાવી પાકિસ્તાન સાથેના યુદ્ધમાં આપણને વિજય અપાવ્યો ને ચીન સામે મક્કમ વલણ અપનાવી દેશની શાન બઢાવી.
અબ્રાહમ લિંકન પણ એક એવા જ મહામાનવ હતા. સામાન્ય માનવીમાંથી પુરુષાર્થને બળે અમેરિકાના પ્રમુખ બન્યા હતા. લાલબહાદુર પણ પુરુષાર્થને બળે આગળ વધ્યા ને દેશના વડાપ્રધાન બન્યા.
તુર્કસ્તાનમાં તારણહાર અતાતુર્ક કમાલ પાશા તબેલામાં જન્મ્યા હતા, માસિક છ રૂપિયાની આમદનીથી જીવનનો આરંભ કર્યો હતો.
એમણે આગળ વધી તુર્કસ્તાનની સૂરત પલટી નાખી. સ્વ. લાલબહાદુર પણ એક ગરીબ ઘરમાં જન્મ્યા, ઊછર્યા ને આગળ વધી ભારતની રોનક પલટી નાખી.
ગાંધીજી એક મહામાનવ હતા અને સિદ્ધાંતનિષ્ઠ પુરુષ હતા. ગાંધીજીના અનુયાયી લાલબહાદુરમાં એવી જ નમ્રતા ને સિદ્ધાંતનિષ્ઠા હતી.
શિવાજી કદમાં નાના હતા, પણ કામમાં જબ્બર હતા. યુદ્ધમાં એક્કા, પેંતરા રચવામાં પક્કા ને મંત્રણાઓમાં કુશળ હતા. શિવાજીની જેમ શ્રી શાસ્ત્રી કદમાં નાના હતા અને કાર્યશક્તિમાં અજોડ હતા. શત્રુને ભરી પીવો, મિત્રનો કદી સાથ ન છોડવો ને દેશને સદાકાળ નજર સામે રાખવો, એ એમની તમન્ના હતી અને એ પુસ્તકના પ્રકાશન-સમારોહ અંગે ગુજરાતના જાણીતા બાળસાહિત્યકાર સ્વ. ધીરજલાલ ગજ્જરે નોંધ્યું,
‘મહામાનવ શાસ્ત્રી’ પુસ્તકનો પ્રકાશન-સમારોહ 1966ની 21મી એપ્રિલે અમદાવાદના એચ. કે. કૉલેજ હૉલમાં યોજવામાં આવ્યો. ગુજરાતની પુસ્તકપ્રકાશનક્ષેત્રે પ્રસિદ્ધ એવી સંસ્થા ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયે વિખ્યાત સાહિત્યકાર ધૂમકેતુના અવસાન પછી એમની અપૂર્ણ રહેલી નવલકથા ‘ધ્રુવદેવી’ તેમજ નવોદિત લેખક કુમારપાળના પુસ્તક ‘મહામાનવ શાસ્ત્રી’નો પ્રકાશન-સમારોહ ગોઠવ્યો. આ સંયોગ કેવો વિરલ કહેવાય ! એક મહાન સાહિત્યકારના અક્ષરદેહનું અંતિમ સ્વરૂપ અને એક નવોદિત સાહિત્યકારના અક્ષરદેહનો પ્રારંભ ! આ સમારંભના પ્રમુખ ભારતના તત્ત્વચિંતક પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજી હતા. એમણે આ નવોદિત લેખક પર અંતરના આશીર્વાદ વરસાવ્યા. જ્યારે સમારંભના અતિથિવિશેષ તત્કાલીન મુખ્ય પ્રધાન શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ હતા. આ સમારંભમાં પ્રા. ફીરોઝ દાવર, શ્રી પ્રભુદાસ પટવારી, ડૉ, ધીરુભાઈ ઠાકરે પ્રવચનો કર્યાં, આ ફીરોઝ દાવર તો કુમારપાળના આ કાર્ય પર ખુશ થઈ ગયા અને હસતાં હસતાં માર્મિક ટકોર પણ કરી કે ‘કુમારપાળનું આ એક જ પુસ્તક બતાવી જાય છે કે તેઓ એમના પિતાનો વારસો જાળવશે ! આ સમારંભ પછી ચાર દિવસ બાદ શ્રી કુમારપાળ દેસાઈનાં લગ્ન થયાં.’
ખેર ! ‘મહામાનવ શાસ્ત્રી’ના સર્જન પછી પણ ‘ઉકાળા અને ત્રણ ખાખરા’ મને સતત પરેશાન કરતા રહ્યા, ‘મહામાનવ શાસ્ત્રી’ પુસ્તકમાં એમને અંજલિ આપતાં આવો હૃદયોદ્ગાર પ્રગટ કર્યો, ‘જનતામાંથી જાગેલો જનતાના હૃદયસમો માનવી ચાલ્યો ગયો. શાસ્ત્રીજીનું યુદ્ધનું ખમીર ને એમની શાંતિની ચાહના જગત માટે પ્રેરણારૂપ બની.’
ઓગણીસ મહિના અંગાર ઉપર ચાલી આ ગંગાનો પુત્ર વોલ્ગા શું મેળવવા ગયો હતો. ? ચિરનિદ્રા, ચિરશાંતિ ?
ચિરનિદ્રા પોતે મેળવી, ચિરશાંતિ જગતને બક્ષી. હું વોલ્ગા નદી, તારું શાંતિપત્ર અત્યંત કીમતી છે. તને પણ યાદ રહેશે કે ગંગાના પુત્રો કંજૂસ નથી, શાંતિ માટે મોંમાગી કિંમત આપી શકે છે !
એમના અવસાન બાદ એક અર્થમાં કહીએ તો એમને વિશેનાં પુસ્તકોનો ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં ધોધ વહેવા લાગ્યો. એ ધોધમાં સ્મરણોના સથવારે હું સ્નાન કરવા લાગ્યો. લાલબહાદુર શાસ્ત્રીનાં પત્ની લલિતાદેવીને નિરાંતે મળ્યો અને એ જ સાદાઈનો અનુભવ થયો. હવે તો લાલબહાદુર શાસ્ત્રી વિશે એટલાં બધાં સ્મરણો અને સામગ્રી છે કે એક વિસ્તૃત જીવનચરિત્ર લખી શકું, પણ એમ લાગે છે કે એ સ્મરણોના સાગરને શબ્દોમાં સમેટવો હવે મારે માટે શક્ય નથી. માત્ર એ સ્મરણોના સાગરનાં આનંદભર્યાં મોજાંઓની મનોમન મોજ માણતો રહું.