‘ગુરુ આજ તમ આવ્યે રે, મારે અજવાળું’ (મારો અસબાબ-12)

પ્રેમ અને પરિશ્રમ

ચિત્તમાં જ્યારે ગુરુપ્રતિમાનું નકશીકામ કરું છું, ત્યારે જીવનમાં માર્ગદર્શક, રાહબર અને અંતે મિત્રસમા બની રહેલા પદ્મભૂષણ ડૉ. ધીરુભાઈ ઠાકરનું સ્મરણ થાય છે.

ડૉ. ધીરુભાઈ ઠાકર પાસે અભ્યાસ ક૨વાની તક મળી, તે પૂર્વે એમની સાથે ગાઢ પારિવારિક સંબંધ હતો અને મારા પિતા ‘જયભિખ્ખુ’ અને ધીરુભાઈ ઠાકર વચ્ચે અતૂટ મૈત્રી હતી. ધીરુભાઈ એ સમયે એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી શારદા સોસાયટીમાં રહેતા હતા અને અવારનવાર સાંજે અમદાવાદના ગાંધી રોડ પર આવેલા શારદા મુદ્રણાલયમાં જયભિખ્ખુના ડાયરામાં આવતા હતા. આ ડાયરામાં ‘ધૂમકેતુ’, મનુભાઈ જોધાણી, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયના ગોવિંદભાઈ અને શંભુભાઈ વગેરે ભેગા મળીને મંડળી જમાવતા. નજીકની જાણીતી ‘ચંદ્રવિલાસ હોટલ’માં અડધી ચા અને અડધા ઉકાળાવાળી ચા મંગાવતા. પછી વાતોનો રંગ જામે. એમાં ક્યારેક કનુ દેસાઈ આવ્યા હોય અને ક્યારેક ગુણવંતરાય આચાર્ય હોય. આ બધા ધીરુભાઈ ઠાકરને એક વિદ્વાન અને સંશોધક તરીકે ખૂબ આદર આપતા. એ સમયે જે કોઈ જુદા જુદા કાર્યક્રમોનું આયોજન થતું તેમાં ધીરુભાઈનું વક્તવ્ય હોય જ. ધીરુભાઈ અને ‘જયભિખ્ખુ’ વચ્ચે એવી અતૂટ મૈત્રી હતી કે મારા પિતાશ્રીને ક્યારેક કોઈ મિત્રથી માઠું લાગ્યું હશે, પરંતુ ધીરુભાઈ સાથેના સંબંધમાં જીવનભર સહેજે ઓટ જોવા મળી નહીં. ખુશી અને દુ:ખના પ્રસંગોમાં બંને એકબીજાની સાથે રહેતા.

ગુજરાત કૉલેજમાં અધ્યાપનકાર્ય કરતા ધીરુભાઈએ મોડાસા કૉલેજ સંકુલમાં આચાર્ય તરીકેની કામગીરી સ્વીકારી એ સમયે પછાત વિસ્તારમાં આવેલા મોડાસામાં કશી વિશેષ સુવિધા નહોતી. રેલવેસ્ટેશન પણ નહીં. માત્ર એસ.ટી. બસ આવતી, તે ગામમાં આવેલા એસ.ટી. સ્ટૅન્ડ પર ઊભી રહેતી અને ત્યાંથી ચાલીને ગામબહાર આવેલી કૉલેજ જવું પડતું. ગુજરાત કૉલેજની અધ્યાપક તરીકેની નોકરી છોડીને મોડાસામાં જવું કે નહીં એ વિશે આ બંને મિત્રોએ લાંબી અને ગંભીર વિચારણા કરી. સરકારી નોકરી ધીરુભાઈને ગોઠતી નહોતી, આથી જવાનું નક્કી કર્યું અને એ સમયે શરૂઆતમાં ‘જયભિખ્ખુ’ પણ એમની સાથે મોડાસા ગયા.

એ પછી તો એવો ઘરોબો બંધાઈ ગયો હતો કે ધીરુભાઈ ઠાકર અને એમનાં પત્ની ધનગૌરીકાકી અમારા પરિવારનાં સભ્ય બની ગયાં. દેસાઈ પરિવારનો મેળાવડો હોય, ત્યારે ધીરુભાઈને સહુ કોઈ નિમંત્રણ આપતા અને તેઓ પણ અમારા પરિવારના સભ્ય હોય તે રીતે સહુની સાથે હળીમળી જતા. એમને ‘જયભિખ્ખુ’ના મોટા ભાઈ રિતલાલ દેસાઈ સાથે પણ એવી જ મૈત્રી હતી.

1969ની 24મી ડિસેમ્બરે જયભિખ્ખુનું એકાએક અવસાન થયું. તે સમયે પોતાના મિત્રની વિદાયથી ધીરુભાઈએ ઊંડો આઘાત અનુભવ્યો હતો. એમની આંખમાંથી આંસુ સરી રહ્યાં હતાં. તે દૃશ્ય હજી આજે પણ મારી આંખ સમક્ષ તાદૃશ છે. પોતાના પરમ મિત્ર જયભિખ્ખુના અવસાન પછી એક વાર ધીરુભાઈએ કહ્યું, ‘હું રોજ રાત્રે મારા મિત્ર સાથે વાતચીત કરું છું અને જીવનની એ વિતાવેલી ક્ષણોને પુનઃ યાદ કરું છું.’ ધીરુભાઈનાં પુત્રી હિનાબહેને પણ કહ્યું કે એ વખતે ધીરુભાઈ મધરાતે જાગીને રડતા કે કોઈની સાથે વાત કરતા હોય, તેમ બોલતા. વ્યક્તિના અસ્તિત્વ પછી પણ મૈત્રીભાવ અવિચ્છિન્નપણે જળવાયેલો હોય છે તેનો અનુભવ થયો.

મૅટ્રિકમાં ઉત્તીર્ણ થઈને મેં ગુજરાત કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. શ્રી અનંતરાય રાવળ અને શ્રી ધીરુભાઈ ઠાકર જેવા અધ્યાપકો હોવાથી ગુજરાતી વિષય રાખ્યો. આ સમયે પ્રથમ વર્ષ આર્ટ્સમાં હું વર્ગપ્રતિનિધિની ચૂંટણીમાં ઊભો હતો. ઘણા સારા મતોથી હું ચૂંટણીમાં જીત્યો, ત્યારે સાંજે એના સમાચાર ધીરુભાઈએ શારદા મુદ્રણાલયના ડાયરામાં જયભિખ્ખુને આપ્યા હતા.

ગુજરાતી વિષયમાં એમ.એ. થયા પછી મહાનિબંધ લખવાનો વિચાર કર્યો. આને માટે કયો વિષય રાખવો તેનો વિચાર કરતો હતો. એક વાર સર્જક ‘ધૂમકેતુ’એ જયભિખ્ખુને વાતવાતમાં કહ્યું હતું કે મીરાં અમારી પાસે (હિંદુ સમાજ પાસે) હતી તો તે જગતની કવયિત્રી બની અને એવી જ કક્ષાના યોગી આનંદઘન તમારી પાસે હતા, તો તે માત્ર તમારી સંપ્રદાય પૂરતા જ સીમિત રહી ગયા. આ સાંભળીને મારા મનમાં ‘યોગી આનંદઘન’ વિશે મહાનિબંધ લખવાનો વિચાર જાગ્યો. એ સમયે ધીરુભાઈએ આનંદઘન વિશે ‘રસ અને રુચિ’ ગ્રંથમાં એક લેખ લખ્યો હતો. મેં આ વિષયની વાત કરી અને એમણે એનો સ્વીકાર કર્યો.

એ પછી તો જુદા જુદા જ્ઞાનભંડારમાં યોગી આનંદઘનનાં સ્તવનો અને પદોની હસ્તપ્રતો જોવા લાગ્યો. એનાં સ્તવનોની ત્રણસો જેટલી હસ્તપ્રતો જોઈ અને તે સ્તવનો પર જ મહાનિબંધ લખ્યો. આ સમયે મારું લખાણ લઈને મહિનાના એકાદ રવિવારે ધીરુભાઈ પાસે મોડાસા જતો અને મેં જે કાંઈ લખ્યું હોય તે બતાવતો. એ જોઈ જતા અને જરૂરી માર્ગદર્શન આપતા. જો મહાનિબંધના માર્ગદર્શક વિદ્યાર્થીના કાર્યમાં આવો ઊંડો રસ લેતા હોય તો એ વિદ્યાર્થીની વિદ્યાયાત્રા કેટલી સરળ બની રહે એનો અનુભવ શ્રી ધીરુભાઈ ઠાકર પાસેથી મને થયો.

નવનિર્માણના આંદોલન સમયે મોડાસા વિદ્યાસંકુલમાં બનેલી કેટલીક ઘટનાઓથી ધીરુભાઈ ઘણા વ્યથિત હતા. બીમાર પડ્યા. તરત અમદાવાદ મારે ત્યાં આવ્યા. અમે ચિકિત્સા માટે અમદાવાદના પ્રસિદ્ધ વૈદ્યરાજ ગોવિંદપ્રસાદ વૈદ્ય પાસે ગયા. આ સમયે ધીરુભાઈના હૃદયને લાગેલા આઘાતને જોઈને શ્રી ગોવિંદપ્રસાદ વૈદ્યે કહેલું વાક્ય આજેય સ્મરણમાં છે. શ્રી ગોવિંદપ્રસાદ વૈદ્યે એમ કહ્યું કે આપણે કોઈ સર્જન કરીને પછી એના પર આપણે જાતે જ એક પથ્થર મારવો, જેથી આપણી એના પ્રત્યે આસક્તિ કે મમત્વ ન રહે.

ધીરુભાઈએ એમની દીર્ઘદૃષ્ટિ અને વ્યવસ્થાપનશક્તિને પરિણામે મોડાસા વિદ્યાસંકુલને એક યુનિવર્સિટી જેવું વિશાળ બનાવી દીધું. ધીરુભાઈને મોડાસા વિદ્યાસંકુલ માટે જેવી મમતા હતી, એવી જ મમતા એમના વિદ્યાર્થીઓ પ્રત્યે હતી. વિદ્યાર્થીની એકેએક વાતની કાળજી રાખે. એ સતત પ્રગતિ કરતો રહે તે માટે માર્ગદર્શન આપ્યા કરે.

ધીરુભાઈની નિઃસ્પૃહતા પણ ઘણા પ્રસંગમાં જોવા મળી, સાહિત્યિક સંસ્થાઓમાં પદ મેળવવાની કે પારિતોષિક એનાયત કરવાની વિચારણા ચાલે અને એમના નામનું સૂચન થાય, તો એ ચર્ચા સમયે તેઓ તરત ઊભા થઈ બહાર ચાલ્યા જાય. એ પોતાને વિશે કોઈ વાત ન કરે. કોઈ જૂથમાં ન ભળે. આવા શરમાળ સ્વભાવને કારણે એમને ઘણે મોડે મોડેથી મહત્ત્વનાં સાહિત્યિક સન્માનો મળ્યાં, પરંતુ એમને ક્યાં કોઈ આવા સન્માનની ખેવના રહી ! એમને તો ચિંતા જગતનિયંતાએ સોંપેલા કામની જવાબદારી પૂરી કરવાની છે.

1985માં ગુજરાતી વિશ્વકોશનું કાર્ય એમણે હાથ પર લીધું ત્યારે એમણે મને કહ્યું કે તારે દિવસના બે કલાક આપવા પડશે. ગુરુની આજ્ઞા કઈ રીતે ઉથાપી શકાય ? એમની સાથે ગુજરાતી વિશ્વકોશનું કામ શરૂ કર્યું. અહીં એમની પાસેથી કાર્યનિષ્ઠાનો મહિમા શીખવા મળ્યો. શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈને મળીને અમદાવાદ એજ્યુકેશન સોસાયટીની હૉસ્ટેલની ‘મેસ’નું મકાન મેળવ્યું. પહેલાં મોટા ચૂલાઓ માટીથી પૂરી દીધા. ભોજનની પંગત માટેની બેંચો હટાવી અને ધીરે ધીરે જરૂરી સગવડ ઊભી કરી.

આ દરમિયાન એમના પર હૃદયરોગનો હુમલો થયો. પેટનાં એક-બે ઑપરેશન પણ થયાં. એક વાર ધીરુભાઈને હાર્ટ-ઍટેક આવ્યો, એ સમયે તરત જ ડૉક્ટર-હાઉસમાં એમને મળવા ગયો હતો. એમણે મને એકલાને બોલાવી વિશ્વકોશમાં આવતી કાલે કયાં કયાં કામો કરવાનાં છે તેની નોંધ આપી. એમના શ્વાસમાં વિશ્વકોશ છે તેમ કહું તો ચાલે. સંસ્થાની વ્યવસ્થા અંગેનો કોઈ પ્રશ્ન ચર્ચવાનો હોય, તો તેઓ બિનશૈક્ષણિક કર્મચારીઓની સભા બોલાવે. આ સમયે ગંભીર બનીને કે ગુસ્સે થઈને વાત ન કરે. ધીરે ધીરે હસતાં હસતાં પોતાની વાત કહેતા જાય અને અંતે સહુને એમની જવાબદારીની સમજ ગાંઠે બંધાવી દે. વિશ્વકોશની મિટિંગમાં પણ એ હળવાશભર્યું વાતાવરણ સર્જીને પોતાનાં એક પછી એક આયોજનોની વાત કરતા હોય.

પોતાના વિચારમાં સદાય મક્કમ. ગુજરાત સરકારે વિશ્વકોશને પ્રકાશન અર્થે બે કરોડ રૂપિયાની સહાય આપવાનું નક્કી કર્યું. વળી એકસાથે આટલી ૨કમ બે વર્ષમાં ખર્ચવી તેવો નિયમ મૂક્યો. આ સમયે ધીરુભાઈએ સ્પષ્ટ આગ્રહ રાખ્યો કે વિશ્વકોશના ગ્રંથો જેમ છપાતા જાય તેમ આ સરકારી સહાય મળવી જોઈએ. માત્ર બે જ વર્ષમાં બધી રકમ ખર્ચી નાખવાની વાતનો સ્વીકાર કર્યો હોત તો સંસ્થાને સતત જે લાભ મળ્યો તે ન મળ્યો હોત. આમ પોતાની વાત મક્કમ રહીને સ્પષ્ટપણે કહેતા હતા.

એમના નેવુંમા વર્ષમાં પ્રવેશ નિમિત્તે અમે મિત્રોએ એક ગ્રંથ તૈયાર કરવાનો વિચાર કર્યો. આ પૂર્વે મોડાસા કૉલેજમાંથી નિવૃત્ત થયા ત્યારે ‘શબ્દશ્રી’ નામનો ગ્રંથ પ્રવીણ દરજી અને મેં સંપાદિત કરીને પ્રગટ કર્યો હતો. એમને વાત કરી અને કશોય પ્રત્યુત્તર મળે તે પહેલાં અમે તો કાર્યનો પ્રારંભ કરી દીધો. વચ્ચે વચ્ચે બોલાવીને મને કહે કે આ લેખોમાં તો મારી પ્રશંસા આવશે. આવું મને ન ગમે.

એક સમયે વિશ્વકોશના પચીસ ગ્રંથો પૂર્ણ કરવાનો આશય હતો. એ લગભગ પૂર્ણતાને આરે આવ્યો, ત્યારે કહે કે હવે ચરિત્રકોશ કરવો છે. બાળવિશ્વકોશ કરવો છે, ગુજરાતની માહિતી આપતું કેન્દ્ર ધમધમતું કરવું છે. સંશોધન-સહાયક સામગ્રી એકત્રિત કરવી અને તેનું વિતરણ કરવું, પરિભાષાનો કોશ તૈયાર કરવો, માહિતી કેન્દ્રની રચના કરવી. વળી જુદા જુદા વિષયના ગ્રંથો પ્રકાશિત કરવા – એમ એક પછી એક યોજનાઓ એમના મનમાં સતત આવતી જાય અને એને આકાર આપવા માટે જીવ રેડી દેતા.

ગુજરાતી વિશ્વકોશનાં પચીસ હજાર પૃષ્ઠમાં તેવીસ હજાર અધિકરણો પ્રગટ થયાં છે અને પ્રત્યેક ગ્રંથમાં પાંચ લાખ શબ્દો હોય. આ બધાં જ શબ્દો અને લખાણો ધીરુભાઈની આંખ હેઠળથી પસાર થયાં. દરેક વિષયના અધ્યાપકો સાથે ચર્ચા કરે. અધિકરણ કઈ રીતે લખવું તેની વાત કરે અને કામનું યોગ્ય સંકલન થતું રહે એની સતત ચિંતા રાખતા હોય. વળી, એમના વિનોદી સ્વભાવને કારણે સહુના સ્નેહભાજન બની રહે. આટલી બધી પ્રવૃત્તિઓ વચ્ચે પણ એમનું લેખનકાર્ય સતત ચાલતું રહે છે. એક પછી એક પુસ્તકો પ્રકાશિત થતાં હોય છે. ગુજરાતી સાહિત્યના ઇતિહાસની વિકાસરેખાની છેલ્લામાં છેલ્લી વિગતો સાથે સંવર્ધિત આવૃત્તિ પ્રગટ કરી, તો ‘દીવાદાંડી’ નામે માર્મિક પ્રસંગોનો સંગ્રહ તૈયાર કર્યો, એની સાથોસાથ નેવું વર્ષે પણ કોઈ વક્તવ્ય આપવાનું હોય તો એ પહેલાં આખું લખી નાખે છે પછી કમ્પ્યૂટર પર કમ્પોઝ કરાવીને એની દસેક કૉપી કઢાવે. એમાં જે કંઈ વક્તવ્ય આપતા હોય તે વ્યવસ્થિત અને મુદ્દાસરનું હોવું જોઈએ એવો એમનો આગ્રહ રહે. ગુરુની એ રીત મેં પણ અપનાવી. એમની વિદ્યાનિષ્ઠા, ઇતિહાસનિષ્ઠા અને વિશ્વકોશનિષ્ઠાની સાથોસાથ નાટ્યનિષ્ઠા પણ એટલી જ પ્રબળ છે. વિશ્વકોશભવનના નિર્માણ સમયે સભાગૃહની કોઈ કલ્પના ન હતી, પરંતુ એમના રંગભૂમિના પ્રેમને પરિણામે અદ્યતન સુવિધા ધરાવતું સભાગૃહ તૈયાર થયું.

ધીરુભાઈ પાસે કાર્યના આયોજનની પદ્ધતિ શીખવા મળી. એમની પાસે કામ કરવું એટલે સતત ખડે પગે રહેવું પડે. એ એકેય કામ ભૂલે નહીં અને જે કામ ગઈ કાલે સોંપેલું હોય એ આજે થયું કે નહીં, એ પૂછવાનું, તેનો હિસાબ લેવાનું કદી ચૂકે નહીં ! એમની આવી ચીવટને પરિણામે જ ટૂંકા ગાળામાં ‘ગુજરાતી વિશ્વકોશ’નો પ્રકલ્પ પૂરો થઈ શક્યો.

કાર્યસિદ્ધિ માટેની સમર્પણવૃત્તિનો પાઠ એમની પાસેથી શીખવા મળશે ! એમનાં પત્ની ધનગૌરીબહેન પથારીવશ હતાં, ત્યારે સવારથી સાંજ સુધી અને સાંજથી સવાર સુધી બે નર્સ સંભાળ લેવા આવતી હતી. કોઈ દિવસ નર્સ ન આવી હોય તોપણ ધનગૌરીબહેન ધીરુભાઈને વિશ્વકોશમાં પોતાની ચિંતા કર્યા વગર કામ કરવા જવાનો આગ્રહ રાખતાં. ઘરના દરવાજે તાળું વાસીને ધીરુભાઈ આ યજ્ઞકાર્ય માટે આવતા હતા.

ક્યારેક વિદેશ ગયા હોય, તો ત્યાંથી પણ વખતોવખત ફોન કરીને વિશ્વકોશ અંગેની કામગીરી યોજનાબદ્ધ રીતે બરાબર ચાલતી રહે તે જોવાનું તેઓ ચૂકતા નહીં. આમ, જીવનની પળેપળ વિશ્વકોશના કાર્યનો નામ-જપ ચાલતો જ હોય. કોઈ અધ્યાપક કે કર્મચારીથી કામમાં વિલંબ થાય તો એને ઠપકો આપવાની એમની રીત પણ અનોખી. એની સાથે હસતાં હસતાં એવી રીતે વાત કરે કે પેલી વ્યક્તિને પોતાને કામમાં વિલંબ થયા બદલ ક્ષોભ થાય અને તે પછી એ પોતાનું કાર્ય ઝડપથી પૂર્ણ કરીને પુનઃ એમની આગળ હાજર થઈ જાય.

એમની નિઃસ્પૃહી વૃત્તિનો વારંવાર અનુભવ થતો રહ્યો. આવું ભગીરથ કાર્ય કરવા છતાં સહેજે અહમ્ નહીં, બલકે એમ કહે કે, ‘વિશ્વકોશના કાર્યથી મારા આયુષ્યમાં ઉમેરો થાય છે અને વિશ્વકોશમાં આવું છું, ત્યારે યૌવનનો થનગનાટ અનુભવું છું.’

એમના અવસાન સમયે એમને વિશ્વ ગુજરાતી સમાજનો ‘ગુજરાત પ્રતિભા ઍવૉર્ડ’ મળ્યો અને અવસાન બાદ એમને ‘પદ્મભૂષણ’નો ખિતાબ મળ્યો. કદાચ એમની હયાતીમાં એમને આ ઍવૉર્ડ મળ્યો હોત, અને તે અંગે કોઈ સમારંભ રાખ્યો હોત, અને તેમના વિશે પ્રશસ્તિ થતી હોત, તો એ હસતાં હસતાં કહેતા હોત કે ‘હું મૃત્યુ પામ્યો હોઉં તેવું મને લાગે છે !’ અને પછી કાવ્યશાસ્ત્રવિનોદ કરવાની એમની ટેવ મુજબ આ દૃષ્ટાંત રજૂ કરતઃ ‘એક મૂર્તિકાર સુંદર મૂર્તિઓ સર્જતો હતો. એણે પોતાના જેવી જ અનેક મૂર્તિઓ સર્જી હતી. યમરાજ જ્યારે તેને લેવા આવ્યા ત્યારે એમને પણ ખ્યાલ ન આવ્યો કે આ બધી મૂર્તિકારની મૂર્તિઓ વચ્ચે એનો ઘડનાર મૂર્તિકાર કયો છે ?’ યમરાજે સહેતુક મૂર્તિકલાની પ્રશંસા કરવા માંડી એટલે તત્કાળ જ પેલો મૂર્તિકાર બોલી ઊઠ્યો, ‘આ મૂર્તિઓ તો મેં બનાવી છે.’ અને યમરાજે તુરત જ અસલી મૂર્તિકારને ઉપાડી લીધો. આ દૃષ્ટાંત કહીને તેઓ કહે કે મારે આવી ભૂલ કરવી નથી.

એમની નિઃસ્પૃહતા પણ કેવી ! વિશ્વકોશનાં વિવિધ સંકુલો સાથે દાતાનું નામ જોડવામાં આવે છે. ધીરુભાઈએ વિશ્વકોશના લલિતકલા કેન્દ્ર માટે સારી એવી રકમનું દાન આપ્યું, મેં પૂછ્યું, ‘આનું નામ ડૉ. ધીરુભાઈ ઠાકર લલિતકલા કેન્દ્ર રાખીશું ?’ત્યારે એમણે મને કહ્યું, ‘ના, આનું નામ તો ‘વિશ્વકોશ લલિતકલા કેન્દ્ર’ જ રાખવું.’

એક એક ગ્રંથનો વિમોચન-સમારંભ થતો જાય અને એમનામાં નવા ઉત્સાહનો સંચાર થતો જોવા મળે. ક્યારેક એમ કહેતા કે ‘વૃદ્ધ દેહમાં આ ગ્રંથવિમોચનના અવસરથી નવી ચેતનાનો સંચાર થાય છે અને આગળ વધવાનો નવો ઉત્સાહ જાગે છે.’ ક્યારેક હસતાં હસતાં કહે પણ ખરા કે ‘કામનું આયોજન હજી ઘણાં વર્ષો જીવવાનું છે એ રીતે કરવું અને કામનો અમલ આવતી કાલે જીવતા નયે રહીએ તે રીતે કરવો.’

એમની જીવનરીતિ એ હતી કે પહેલાં જીવનનું ધ્યેય નક્કી કરવું, એ લક્ષ્યને માટે સમર્પણ ભાવ કેળવવો, વર્તમાનમાં જીવવું અને ભૂતકાળનો ઉપયોગ શક્ય હોય તો ભવિષ્યને ઘડવા માટે કરવો અને કોઈ પણ કાર્યમાં સફળ થવા માટે પ્રેમ અને પરિશ્રમ એ બે બાબતને મહત્ત્વની બાબત લેખતા હતા.

આવા પ્રેમને કારણે જ 1942માં આઝાદીના આંદોલનમાં વિદ્યાર્થીઓ પર ગોળીબાર થતો રોકવા માટે પ્રાણની પણ પરવા કરી નહોતી. 1942ની 9મી ઑગસ્ટે અમદાવાદની ગુજરાત કૉલેજના ‘ઇન્કિલાબ ઝિંદાબાદ’નો નારો પોકારતા વિદ્યાર્થીઓ પર ‘ફાયર’નો હુકમ આપતા ડી.વાય.એસ.પી. લા બુદી શાયરને કૉલેજના યુવાન અધ્યાપક શ્રી ધીરુભાઈ ઠાકરે હાથ ફેલાવી અટકાવતાં કહ્યું, ‘સ્ટૉપ પ્લીઝ… સ્ટૉપ પ્લીઝ.’

આ સાંભળીને કાંકરો વાગવાથી અકળાયેલા ડી.વાય.એસ.પી.એ ધીરુભાઈના માથામાં બૅટનથી બે પ્રહાર કર્યા. એ નીચે પડી ગયા અને એમના માથામાંથી લોહી વહેવા લાગ્યું. દરમિયાનમાં પોલીસે ગોળીબાર કર્યો અને તેમાં કૉલેજના ઇન્ટર સાયન્સના વિદ્યાર્થી વિનોદ કિનારીવાળા હાથમાં ધ્વજ સાથે શહીદ થયા. બીજા અનેકને ગોળીઓ વાગી. વાતાવરણમાં ઉત્તેજના હતી. એ દિવસે સારવાર દરમિયાન યુવાન અધ્યાપક ધીરુભાઈ ઠાકરનો કોઈ કોટ ઉપાડી ગયું અને એમાં એ જ દિવસે થયેલા પગારના 130 રૂપિયા હતા તે પણ ગયા. ભારે ઉત્તેજના વચ્ચે આ યુવાન અધ્યાપકના અવસાન થયાના સમાચાર પણ પ્રસર્યા હતા અને શોકસભા ભરી દેવાઈ હતી એમ પણ પાછળથી જાણવા મળ્યું ! અંગ્રેજ પોલીસને ‘સ્ટૉપ પ્લીઝ’ કહેનાર ધીરુભાઈ ઠાકરે ગુજરાતી વિશ્વકોશની રચના દરમિયાન ત્રણેક વાર હૃદયરોગના હુમલાને અને બે વાર આંતરડાના ગંભીર ઑપરેશનને પડકાર ફેંક્યો અને કહ્યું કે ‘સ્ટૉપ પ્લીઝ !’

નાટકમાં પણ એમની એટલી જ લગની અને એથી જ એમના અવસાન પૂર્વે એકાદ મહિના અગાઉ એમણે નાટ્યકોશની મિટિંગ રાખી હતી અને ત્રણેક કલાક સુધી એની ચર્ચાવિચારણા કરી હતી. 90 વર્ષ પછીની એમની અત્યંત ગંભીર બીમારીનાં છેલ્લાં ચાર વર્ષનો વિચાર કરીએ તો તેમણે 2009માં પાબ્લો નેરુદાના ‘Memories’નો અનુવાદ શરૂ કર્યો, જે ‘સત્યની મુખોમુખ’ (2010) નામે તૈયાર થયો. એ અનુવાદ કરતી વેળા તેઓ કહેતા કે, ‘આ અનુવાદ પૂરો થશે ત્યાં સુધી તો હું જીવવાનો.’ હજી પાબ્લો નેરુદાનો અનુવાદ પૂરો થવામાં હતો, ત્યાં તો ઘણાં વર્ષોથી એમના મનમાં સાહિત્યના કેટલાક વાદ-વિવાદોની ચર્ચા કરતું પુસ્તક આપવાની જે ભાવના ઘોળાતી હતી, તે પુસ્તક તૈયાર કરવાનું શરૂ કરી દીધું અને હજી 2011માં ‘કેટલાક સાહિત્યિક વિવાદો’ એ પુસ્તક પ્રગટ થાય, ત્યાં તો ‘ગાંધીજી અને પાંચ સાક્ષરો’ નામના પુસ્તકનું લેખન કરવા લાગ્યા અને તે 2012માં પ્રસિદ્ધ થયું. આવાં પુસ્તકો તૈયાર કરતી વેળાએ મહત્ત્વનો એકેય સંદર્ભગ્રંથ જોવાનું તેઓ ચૂકે નહીં. કનૈયાલાલ મુનશીનું અંગ્રેજી પુસ્તક ‘ગુજરાત ઍન્ડ ઇટ્સ લિટરેચર’ મળતું નહોતું તો શ્રી દીપક મહેતા દ્વારા ફાર્બસ સભામાંથી તે મંગાવવા માટે વારંવાર ફોન કર્યા. એ સાથે 2012માં એમનું ‘પ્રસંગ-માધુરી’ નામનું પુસ્તક પણ પ્રગટ થયું.

2013ની બીજી ડિસેમ્બરે વિશ્વકોશના જન્મદિવસે વિશ્વકોશ-ભવનમાં આવ્યા, એમના વક્તવ્યને અંતે કહ્યું, ‘વિશ્વકોશની પ્રવૃત્તિ એ કંઈ એક પેઢીનું કામ નથી. એની મશાલ પેઢી-દર-પેઢી ફરતી રહેવી જોઈએ. કોઈ અગ્નિહોત્રીનો સતત હોમ-હવન ચાલતો રહે એવી રીતે આપણા જ્ઞાનયજ્ઞકોશનો યજ્ઞ પણ ચાલતો રહેવો જોઈએ.’

આપણે ત્યાં જેમ કાવ્યપુરુષની કલ્પના થઈ છે તેમ વિશ્વકોશપુરુષની પણ આપણે કલ્પના કરી શકીએ. એ વિશ્વકોશપુરુષના મુખેથી વારંવાર સાંભળેલી કવિ ન્હાનાલાલની બે પ્રિય પંક્તિઓ આજેય ગુંજે છે :

‘આશા છે, ઉત્સાહ છે, ઉમંગ છે અને ઉદ્યમ છે

તો શું છે અધૂરું આ અવનિમાં ?’

ખેર ! પુત્ર પિતાની વાત કહે તો કેટલું બધું કહેવાનું હોય. શિષ્ય ગુરુના મહિમાનું વર્ણન કરે ત્યારે એ કદી થાકતો નથી. ધીરુભાઈ એ મારે માટે પિતા સમાન સ્નેહ આપનારા અને જીવનઘડતર કરનારા ગુરુ હતા.

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑