ચિત્તમાં સંગ્રહાયેલી ગુરુની મધુર સ્મૃતિઓનું પુનઃસ્મરણ કેવો આનંદવિહાર કરાવે છે ! કોઈ પણ સ્થળે અને કોઈ પણ સમયે અતીતની યાદગાર સ્મૃતિ ચિત્તમાં જાગે, ત્યારે એ આનંદભર્યું દૃશ્ય મનઃચક્ષુ સમક્ષ પ્રત્યક્ષ થઈ જાય છે. આશ્ચર્ય લાગે, પણ જીવનની એક મધુર સ્મૃતિ તાળીઓ સાથે સંકળાયેલી છે. વાત તો એવી હતી કે અમદાવાદની એચ. કે. આર્ટ્સ કૉલેજના શેઠ ચીમનલાલ સભાગૃહમાં કૉલેજનો વાર્ષિક પારિતોષિક વિતરણનો સમારંભ હતો. એ સમયે યુ.જી.સી. આયોજિત નિબંધસ્પર્ધામાં રવીન્દ્ર મેડલ કે પછી ફાધર ડિસોઝાનો સમાજશાસ્ત્રવિષયક ચંદ્રક એવા ચારેક ચંદ્રકો મને પ્રાપ્ત થયા. વખતોવખત નામ જાહેર થયું અને ચારેક વાર મંચ પર જવું પડ્યું. એ સમયે સભાગૃહની આગળની બેઠક પર મારા ગુજરાતી વિષયના અધ્યાપક નગીનદાસ પારેખ બેઠા હતા. આ ચારેય વખત હું ઊભો થઈને મંચ તરફ ગયો, ત્યારે એમને સતત તાળીઓ પાડતા જોયા હતા. મારે મન એ ચંદ્રકો કરતાં ગુરુના આ આનંદની અભિવ્યક્તિનું વિશેષ મહત્ત્વ હતું. એનું કારણ એ હતું કે મારા અધ્યાપક નગીનદાસ પારેખ એક આગવી પ્રતિભા ધરાવતા અધ્યાપક અને વિદ્વાન હતા.
એચ. કે. કૉલેજમાં અભ્યાસ કરતો, ત્યારે એમના વર્ગમાં ગણ્યા-ગાંઠ્યા વિદ્યાર્થીઓ હોય. એ સમયે પહેલી બેન્ચ પર બરાબર અધ્યાપક શ્રી નગીનદાસ પારેખની સામે બેસવાનો લ્હાવો ક્યારેય ચૂકતો નહીં. એ દિવસોનું સ્મરણ આજેય તાજું છે કે વહેલી સવારે ખાદીનાં સાદાં સફેદ કપડાં, એકવડું શરીર, હાથમાં ખાદીની થેલી અને કોઈ પણ ઋતુ હોય તોપણ માથે છત્રી ધારણ કરી એકધારી મક્કમ ઝડપે શ્રી નગીનદાસ પારેખ એચ. કે. આર્ટ્સ કૉલેજના પ્રાંગણમાં પ્રવેશતા હોય.
સવારે સાડા પાંચ વાગે ઊઠે. રોજ એકધારી નિયમિતતાથી કૉલેજ આવે. એ પછી બપોરે થોડો આરામ લઈ વળી પાછા કામ પર બેસી જાય. ઘરમાં કે કૉલેજમાં બેસવાનું ટટ્ટાર. ખુરશી પણ હાથા વિનાની હોય.
એ સમયે કૉલેજનો કૉમનરૂમ રિસેસના સમયમાં ઘોંઘાટનો દરિયો બની જતો. એક વિશાળ ખંડમાં પચાસ જેટલા અધ્યાપકો હોય. વિદ્યાર્થીઓ પણ રિસેસમાં અધ્યાપકોને મળવા ખંડમાં ધસી આવ્યા હોય. ખૂણામાં સ્ટવ પર ચા બનાવાતી હોય અને એનો ધમધમતો અવાજ ખંડના વાતાવરણમાં એક ઉષ્મા ફેલાવતો હોય. પટાવાળાઓ ફરતા હોય, વચ્ચે વચ્ચે પ્યાલા અને રકાબીઓનો ખડખડાટ કાનને અથડાતો હોય.
આવા કોલાહલ વચ્ચે નગીનભાઈ પોતાના ટેબલ પાસે બેઠાં બેઠાં કામ કરતા હોય. કશુંક વાંચતા હોય, ક્યારેક કોઈક નોંધ કરતા હોય. આજુબાજુ આટલો બધો ઘોંઘાટ હોવા છતાં એનાથી લેશમાત્ર ચલિત થયા વિના જાણે કોઈ સ્થિતપ્રજ્ઞ બેઠા હોય તેમ તેઓ એમનું કામ કરે જતા. ક્યારેક સ્ટાફરૂમમાં અવાજ વધી જતો, તો ‘શાંત રહેશો’ એવા નગીનભાઈના બે શબ્દોથી સર્વત્ર શાંતિ છવાઈ જતી.
આમ જોઈએ તો એમની મોટી આંખો, અણિયાળું નાક, માથે ગાંધી ટોપી અને પાતળો દેહ એ એમની દૃઢતાનાં સૂચક હતાં. પહેલી વાર મળીએ, ત્યારે શુષ્ક અને કડક લાગે અને એમનો શાંત અને સ્વસ્થ ચહેરો જોઈને એવું પણ થાય કે સાહેબ, કેટલા બધા અતડા છે, પરંતુ એ વિદ્યાર્થી હોય, અધ્યાપક હોય, આચાર્ય હોય, કોઈનીય સામે કશા ઠાલા-ઉપચાર કરતા નહીં. એમના હૃદયમાં ઉમળકો હોય તોપણ એ ઊભરાને પ્રગટ કરતા નહીં, પણ સહેજ નજીક જાવ એટલે એ તમને પોતાના કરી લે.
એમણે મને અભ્યાસાભિમુખ તો કર્યો, પણ જેમ જેમ પરિચય વધતો ગયો તેમ તેમ જીવનાભિમુખ પણ કર્યો. જેમ તેમની નજીક જાવ, તેમ તેમ તેમની સાત્ત્વિક લાગણીઓ સુઘડ વ્યવહાર અને ચીવટભરી નિષ્ઠા વશ કરી લેતી. એમની પાસે અભ્યાસ કરીએ, ત્યારે વર્ગમાં કે એમના નિવાસસ્થાને સાદાઈ, દૃઢતા અને વિદ્વત્તા – એ ત્રણેયનું એવું સાન્નિધ્ય અનુભવાતું કે આપણી જીવનદૃષ્ટિમાં આપોઆપ ઉમેરણ થતું રહેતું.
એમને ઘેર પણ જાવ, ત્યારે એ તમને એ વિષય પર નિરાંતે શીખવે, પરંતુ એ અભ્યાસક્રમમાં જેટલું શીખવતા એનાથી વધારે એમની જીવનપદ્ધતિમાંથી શીખવા મળતું. શરૂઆતમાં તો એમ થતું કે સાહેબને મળી કઈ રીતે શકાય ? વાત કઈ રીતે કરવી ? એ જાકારો આપશે તો ? પરંતુ એક વાર એમને મળ્યા પછી ‘માંહી પડ્યા તે મહાસુખ માણે’ એવો અનુભવ થતો.
એમની અધ્યાપનશૈલી પણ પ્રભાવિત કરતી રહી. અધ્યાપક તરીકે તેઓ પહેલાં પોતે જે વિષય શીખવવાનો હોય તેને બરાબર સમજી લે. જરૂર લાગે તો જુનિયર હોય એવા અન્ય વિષયના અધ્યાપકને પણ સામે ચાલીને પૂછવા જાય. મમ્મટનું ‘કાવ્યપ્રકાશ’ શીખવે. પાસે નોંધ રાખે અને વિદ્યાર્થીઓને સરળતાથી શીખવતા જાય. અઘરા ખંડો એવી સહેલાઈથી સમજાવે કે વિદ્યાર્થીને માટે એ વિષય સુગમ બની જતો. જરૂર પડે દૃષ્ટાંત આપે. એમણે આ બધું શીખવતાં શીખવતાં જ સંસ્કૃત કાવ્યશાસ્ત્રના ગ્રંથોનો અનુવાદ કર્યો. મમ્મટથી માંડીને અભિનવગુપ્ત સુધીના મીમાંસકોનો પહેલાં પોતે અભ્યાસ કર્યો પછી વિદ્યાર્થીઓને એનો અભ્યાસ કરાવ્યો. એમાંથી તો ગુજરાતને ‘અભિનવનો રસવિચાર’ જેવો તાત્ત્વિક સમીક્ષાનો ગ્રંથ મળ્યો. એ ઉપરાંત પણ એમણે ‘ધ્વન્યાલોક’ ‘કાવ્યપ્રકાશ’ના અનુવાદો અને એનું વિવરણ આપ્યાં.
આટલી ગહન વિદ્વત્તા હોવા છતાં નમ્રતા પણ ભારોભાર. ક્યારેક એમ કહેતા પણ સાંભળવા મળે કે ‘સંસ્કૃત મને આવડતું નથી.’ આમ પ્રભાવ પાડવા માટે એમણે ક્યારેય પોતાની વિદ્વત્તાનો ઉપયોગ કર્યો નહીં.
એમના જીવનમાં ગાંધીયુગના શિક્ષણની ભાવનાઓ મૂર્તિમંત થઈ હતી. નગીનભાઈની સાદાઈ એમની જીવનસાધનામાંથી ઊગી આવી હતી. જીવનના આરંભે ક્યારેક સાત રૂપિયામાં મહિનો પસાર કરવો પડે, છતાં ચહેરા પર કોઈ ચિંતા કે અભાવની રેખા જોવા ન મળે. ટેબલ પર એકેએક વસ્તુ વ્યવસ્થિત પડી હોય. ટાંકણી એની જગ્યાએ, શાહીનું ટપકું લૂછવાનો ગાભો કે શાહીચૂસ પણ એના સ્થાને, કોઈને પણ પુસ્તક આપે કે તરત જ નોંધ કરી લે. ઘરમાં પ્રવેશે તે પહેલાં બૂટ બરાબર લૂછે. બહારની ધૂળ ઘરમાં ન પેસે એની ચીવટ. પુસ્તકો અને લખાણ પણ એટલાં જ વ્યવસ્થિત રાખે.
જીવનની આવી ચીવટ એમના અનુવાદકાર્યમાં પણ જોવા મળે. ટેબલ પર ચાલીસેક શબ્દકોશ પડ્યા હોય. એકે શબ્દ તેમની નજર ચૂકવીને અનુવાદમાં દાખલ થઈ શકે નહીં.
સાહેબને ગુજરાતી ભાષા માટે અગાધ પ્રેમ. પોતાના વિચારોને અંગ્રેજીમાં કહેવાનું પસંદ ન કરે અને સૌથી વધુ તો એ ખોટી જોડણી સહેજે ચલાવી લે નહીં. આજે તો આપણાં અખબાર, સામયિકો કે ટી.વી.માં પણ જોડણીની કોઈ દરકાર કરવામાં આવતી નથી અને ક્યાંક તો એવી દલીલ ક૨વામાં આવે છે કે હ્સ્વ લખીએ કે દીર્ઘ લખીએ તેથી શો ફેર પડે છે ? આ દુઃખદ પરિસ્થિતિ છે અને આવે સમયે શ્રી નગીનદાસ પારેખની ચીવટના એક-બે પ્રસંગ કહું.
અમદાવાદમાં ભદ્ર વિસ્તાર પાસે આવેલા વીજળીઘરના વિશાળ મકાન પર મોટા અક્ષરે પહેલાં ‘વિજળીઘર’ એમ લખેલું હતું. નગીનદાસભાઈ સતત આ સંસ્થાને ટકોર કરતા રહે, કાગળ લખતા રહે. કહે છે કે એમના પત્રોથી કંટાળીને કંપનીએ આ સુધારો કર્યો !
કોઈ એમને પુસ્તક આપે અને તેઓ જો એ પુસ્તક વાંચે, તો પુસ્તકમાં રહેલા દોષો નોંધતા જાય. પછી લેખકને બોલાવે, એને એમણે શોધેલી ભૂલો બતાવે. એમણે સુધારેલું પુસ્તક એને આપી દે અને તેની પાસેથી નવું પુસ્તક લઈને પોતાની પાસે રાખે.
એક વાર પાઠ્યપુસ્તક મંડળે પ્રસિદ્ધ કરેલા ચોથા ધોરણના ઇતિહાસના પુસ્તકમાંથી એમણે ઢગલાબંધ ભૂલો બતાવી. સરકારને સ્પષ્ટપણે કહ્યું કે ચોથા ધોરણનાં બાળકોને આવું ભૂલભરેલું પુસ્તક ભણવા માટે આપી શકાય નહીં. હકીકતનો સ્વીકાર કરવાને બદલે આ જ પુસ્તક ચાલુ રાખવાની પાઠ્યપુસ્તક મંડળે હઠ પકડી. પરિણામે એકસો હકીકત અને જોડણીના દોષોનું શુદ્ધિપત્રક ઇતિહાસના પુસ્તક સાથે જોડીને ‘નવો ઇતિહાસ’ રચ્યો ! શ્રી નગીનભાઈ કહેતા કે ચોથા ધોરણનાં બાળકો માટેના પાઠ્યપુસ્તકમાં એકસો હકીકત-દોષોનું શુદ્ધિપત્રક જોડવું પડ્યું એથી વધુ એ પુસ્તકની અપાત્રતા માટે બીજો પુરાવો શો હોય !
ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠ લેખક શ્રી જયંતી દલાલ પોતાનું નામ હ્રસ્વ ઇથી લખવાનો આગ્રહ સેવતા. એમના પ્રેસમાં શ્રી નગીનદાસ પારેખે અનુવાદ કરેલો ‘રવીન્દ્ર નિબંધમાલા’નો પ્રથમ ખંડ છપાયો. પુસ્તક પૂરું થયા બાદ મુદ્રકના નામ તરીકે ‘જયન્તિ દલાલ’ નામ કંપોઝ થઈને આવ્યું. નગીનભાઈ જોડણીની આવી ભૂલ કઈ રીતે ચલાવે ? એમણે તરત જ વાંધો લીધો. જયંતી દલાલ પોતાની વાતમાં મક્કમ રહ્યા. નગીનભાઈની દૃઢતા તો એથીય વિશેષ. એમણે તો સ્પષ્ટપણે કહ્યું કે મારા પુસ્તકમાં ખોટી જોડણી હું ચાલવા દઈશ નહીં. સામે જયંતી દલાલે કહ્યું કે તેઓ આગળનાં પાનાં તો છાપશે જ. જો એમ ન થાય તો આખા પુસ્તકનું છપાઈ – બિલ અકાદમી ચૂકવે નહીં. નગીનભાઈએ કહ્યું હું તો સાચી જોડણીવાળું પુસ્તક જ ઇચ્છું છું. એમાં કશો ફેરફાર નહીં. આખરે જયંતી દલાલે જયંતી જોડણી સ્વીકારી અને એ રીતે પુસ્તક પ્રગટ થયું.
આવા ગુરુ પાસેથી જીવનદૃષ્ટિ મળી અને વિરલ સાહિત્યસૃષ્ટિ પ્રાપ્ત થઈ. એક અર્થમાં કહીએ તો જેમ પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજીના જીવનમાં સત્યની આરાધના જોવા મળી, તો નગીનદાસ પારેખના જીવન અને વ્યવહા૨માં સત્યની પ્રતિષ્ઠા જોવા મળી. સત્ય અને તે પણ પૂર્ણ સત્ય. પોતાને જે લાગ્યું તે સ્પષ્ટપણે કહેવું. પછી તે જાણીતા લેખકની કૃતિ હોય, પોતાની પડોશમાં રહેતા નિકટના સ્વજન ઉમાશંકર જોશીની રચના હોય કે અન્ય કોઈની. એમના સત્યની પાછળ ક્યારેય કોઈ રાગ-દ્વેષ જોવા મળતો નહીં. એમનું સત્ય એ આકાશ જેવું વિશાળ હતું. એમાં પૂર્વગ્રહ કે પ્રાપ્તિની ઝંખનાનું નાનુંસરખું વાદળ પણ જોવા ન મળે.
સાહેબે કેટલાંય વર્ષો સ્વતંત્રતાની ચળવળ વખતે જુદી જુદી જેલમાં ગાળ્યાં હતાં, છતાં સ્વાતંત્ર્યસેનાનીનું પેન્શન લીધું નહીં. એમણે જીવનની એકેએક પળનો હિસાબ આપ્યો. ડાયરી એવી રીતે લખતા કે જાણે રોજના સમયનો હિસાબ આપવાનો ન હોય ! એક બાજુ ગૂજરાત વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું અને બીજી બાજુ શાંતિ નિકેતનમાં અભ્યાસ કર્યો. એક બાજુ કડક સત્યોપાસના અને બીજી બાજુ હૃદયને રસતરબોળ કરે તેવો ભીતરનો ભાવ.
ગુજરાતને એમની પાસેથી ઘણું મળ્યું. ગુજરાતને રવીન્દ્રનાથ ટાગોરનો પરિચય નગીનભાઈએ કરાવ્યો. ગુરુદેવ રવીન્દ્રનાથને પ્રત્યક્ષ જોવા-સાંભળવાની એમને તક મળી. એમાંય ક્ષિતિમોહન સેન જેવા કવિવર ટાગોરના અંતરંગ સાથી પાસે રવીન્દ્રસાહિત્યનો અભ્યાસ કર્યો, સાથોસાથ બંગાળી સાહિત્ય પણ પુષ્કળ વાંચ્યું. ગુજરાતને રવીન્દ્રનાથ ટાગોર અને શરદબાબુની કૃતિઓથી એમણે ન્યાલ કરી દીધું. કવિવર રવીન્દ્રનાથ ટાગોરનાં કાવ્યો, વાર્તાઓ, નવલકથાઓ અને નાટકોના તો અનુવાદ કર્યા, પણ એથીય વિશેષ રવીન્દ્રનાથના નિબંધોના અનુવાદ કર્યા પરિણામે ગુજરાતને રવીન્દ્રપ્રતિભાનો પૂરો ખ્યાલ આપ્યો.
રવીન્દ્રનાથના વ્યાકરણ, રાજકારણ, અર્થકારણ, સમાજ અને ધર્મ વિશેના વિચારો દર્શાવતા નિબંધો પણ આપ્યા. બંગાળી લેખક ચારુચંદ્ર ચક્રવર્તી કે જેમણે ‘જરાસંધ’ નામે લખેલી વિખ્યાત નવલકથા ‘લોહકપાટ’નો ‘ઊજળા પડછાયા, કાળી ભોંય’ નામે અનુવાદ કર્યો.
અંગ્રેજી વિવેચનના ગ્રંથોનો શાસ્ત્રીય અનુવાદ આપ્યો, તો બીજી બાજુ એમણે ‘ન હન્યતે’ જેવી નવલકથાનો રસપૂર્ણ અનુવાદ આપ્યો. પંદર વર્ષની અનુવાદ સાધના પછી એમની પાસેથી ગુજરાતને બાઇબલનો સંપૂર્ણ અનુવાદ મળ્યો.
નગીનદાસ પારેખે ગુજરાતને દોઢસો જેટલાં પુસ્તકો આપ્યાં, છતાં તેઓ કહેતા કે, ‘હું તો મુખ્યતયા શિક્ષક છું અને માટે જ સદાનો વિદ્યાર્થી છું.’ અને આવા શિક્ષક પાસેથી મળેલી જીવનદૃષ્ટિનો વિચાર કરીએ, ત્યારે એમ લાગે કે હજી આટલે વર્ષે પણ એમના વિદ્યાર્થી તરીકેની યોગ્યતા સાબિત કરી શક્યા નથી. જીવનનાં જે મૂલ્યોની જાળવણી માટે સાહેબે જે રીતે જીવન પસાર કર્યું, તે મૂલ્યો હજી આજે પણ દૂરની દીવાદાંડી બની રહ્યાં છે.
એચ. કે. આર્ટ્સ કૉલેજમાં યશવંત શુક્લ અને મધુસૂદન પારેખ જેવા અધ્યાપકો મળ્યા. ચિત્તમાં એમનાં અનેક સ્મરણો છે. ગુજરાત યુનિવર્સિટીના ભાષા-સાહિત્યભવનમાં અનુસ્નાતક અભ્યાસ કરતો હતો, ત્યારે કવિશ્રી ઉમાશંકર જોશી પાસે અભ્યાસ કરવાની તક મળી. એ પછી તેઓ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હોવા છતાં ભાષાસાહિત્યભવનમાં વર્ગો લેવા આવતા હતા. વર્ગ એ સ્વર્ગ છે એવી એમની ઉક્તિનો અનુભવ એમના વર્ગોમાં થતો હતો. હજી પણ મને સ્મરણ છે કે તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના જ્ઞાનસત્રમાં જવાના હતા અને એમને જાણ થઈ કે ‘જયભિખ્ખુ’નું અવસાન થયું છે, ત્યારે તરત ઘેર દોડી આવ્યા. આશ્વાસન આપતાં કહ્યું કે, ‘કુમાર, હવે કુમારપાળ થજે.’ એક વાર ઉમાશંકર જોશી સાથે સણોસરાથી અમદાવાદ ટ્રેનમાં પાછો આવતો હતો. એલિસબ્રિજ સ્ટેશને અમારે ઊતરવાનું હતું, ત્યારે એમની શાલ લઈને હું વાળવા લાગ્યો. એમણે હસતાં હસતાં મારા હાથમાંથી શાલ લેતાં કહ્યું, ‘તને વાળવા નહીં દઉં, તું લઈ જાય તો ?’
ડૉ. પ્રબોધ પંડિત અનુસ્નાતક કક્ષાએ ભાષાશાસ્ત્ર શીખવતા હતા. એક વાર એમને એક પ્રશ્ન પૂછ્યો. તરત ઊભા થઈને કબાટમાંથી એક પુસ્તક કાઢીને એનું એક પ્રકરણ વાંચી જવાનું કહ્યું. દિલ્હીમાં પરિસંવાદમાં પ્રમુખ તરીકે સહુનો આદર પામતા એમને નિહાળેલા. ગુજરાત યુનિવર્સિટીમાંથી દિલ્હી યુનિવર્સિટીમાં ડીન તરીકે ગયા, ત્યારે એમની સાથે પત્રવ્યવહાર ચાલુ હતો. એક વાર એમણે મને એમની સાથે મોટરમાં દિલ્હીમાં ફેરવ્યો હતો અને ગુજરાતી થાળીનું ભોજન કરાવ્યું હતું. બહારથી ગંભીર લાગતા પ્રબોધભાઈ અત્યંત પ્રેમાળ હતા.
શિક્ષક તરીકે ચિત્તમાં સૌથી ચિરંજીવ છાપ પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીની છે. મહાયોગી આનંદઘનજી વિશે મહાનિબંધ લખતી વખતે એમને કશુંક પૂછવા જાઉં, તો તરત જ એમની પ્રજ્ઞામાંથી જ્ઞાનધારા વહેવા માંડે. તેઓ સમજાવે કે શ્રીમદ્ ભગવદ્ગીતાના અમુક અધ્યાયના અમુક શ્લોકમાં આ વાત કહી છે. તરત જ કહે કે આચાર્ય ઉમાસ્વાતિજીરચિત ‘તત્ત્વાર્થસૂત્ર’માં આનું આ પ્રમાણે નિરૂપણ મળે છે. મને પારાવાર આશ્ચર્ય થાય. એમની પ્રજ્ઞામાં આ બધાં પુસ્તકો અધ્યાય અને પંક્તિ સહિત કેવાં જળવાયેલાં છે ! વળી એને વિશેનું એમનું ચિંતન સાંભળું, ત્યારે તો કોઈ નવીન વિચારસૃષ્ટિનો અનુભવ થાય. સત્યના ગજથી દરેક વસ્તુને માપીને એનું વિવરણ કરતા અને પોતાને જે સાચું લાગતું, તેને નિર્ભયતાથી અભિવ્યક્ત કરતા. જ્ઞાન સાથે સત્ય કેટલું પ્રગાઢ રીતે જોડાયેલું છે અને તેના પ્રગટીકરણ માટે કેવો અભય જોઈએ, તે પંડિત સુખલાલજી, પંડિત બેચરદાસ દોશી અને પં. દલસુખભાઈ માલવણિયાના જીવનમાંથી જોવા મળ્યું. પોતાના વિચારોમાં કોઈ સમાધાન નહીં. ક્યારેક જીવલેણ હુમલાનો ભય હોય, તોય એની પરવા કર્યા વિના નિર્ભયતાથી પોતાનો અભિપ્રાય કે પોતાનું ચિંતન પ્રગટ કરતા. વિદ્યાની વ્યાપકતા સાથે વીરતાની આવશ્યકતા હોય છે.