જીવનના અસબાબમાં એટલું બધું વૈવિધ્ય છે કે ચિત્ત પર અનેક વ્યક્તિઓ, પ્રસંગો, ઘટનાઓ ત૨વર્યા કરે છે અને આથી આરંભે ગુરુવંદના કરીને હવે થોડી બીજી વાતો કરીએ.
ઇંગ્લૅન્ડની કૉન્ફરન્સ દરમિયાન ડૉ. વિલ ટટલ સાથે પ્રવચન આપવાની તક સાંપડી. એક નવા વિચાર સાથે વૈશ્વિક દૃષ્ટિકોણ લઈને ઘૂમતા પ્રતિભાશાળી માનવીની એ મુલાકાત તરીકે સ્મરણીય બની રહી.
આમ તો ડૉ. વિલ ટટલે સાન ફ્રાન્સિસ્કો સ્ટેટ યુનિવર્સિટીમાંથી માનવવિદ્યામાં એમણે અનુસ્નાતકની પદવી મેળવી છે અને પછી બર્કલેની યુનિવર્સિટી ઑફ કૅલિફૉર્નિયામાંથી ‘શિક્ષણનું તત્ત્વજ્ઞાન’ એ વિષયમાં ડૉક્ટરેટની પદવી હાંસલ કરી. પિયાનોવાદક તરીકેનો વ્યવસાય ધરાવતા વિલ ટટલ શિક્ષક પણ છે અને સાથોસાથ સુંદ૨ તરજોની રચના કરે છે.
એમની વેધક આંખો સતત કોઈ અગોચરને ગોચર કરવા માટે મથતી હોય તેવું લાગે. એમની સ્થિર કીકી કોઈ ઊંડાણને સ્પર્શવા પ્રયત્ન કરતી જણાય. તેથી જ માનવીય અંતઃપ્રેરણા વિશે અભ્યાસ, સંશોધન અને પ્રયોગ કરી ડૉ. વિલ ટટલ આધ્યાત્મિક હિલિંગ પણ કરી શકે છે. છેક કોરિયા જઈને ઝેન બૌદ્ધિસ્ટ સાધુને જે તાલીમ આપવામાં આવે છે, તે તાલીમ એમણે પ્રાપ્ત કરી છે અને યોગ અને ધ્યાન-પદ્ધતિ પર આગવું પ્રભુત્વ મેળવ્યું.
આટલું બધું કર્યા પછી શું ? એની વેધક નજ૨ વિચારે ચડી અને એણે જોયું કે મનુષ્યજાત મંગળની ધરતી પર પાણીની શોધ કરે છે, પરંતુ કેવું ભોજન કરવું, એ સહેજે જાણતી નથી. ભોજન એને માટે અનિવાર્ય છે, પરંતુ એણે એ ભોજન પ્રત્યે ઘોર ઉપેક્ષાવૃત્તિ અને અજ્ઞાન સેવ્યાં છે. વિશ્વસમગ્રની સંવેદના અનુભવતા આ માનવીએ છેલ્લાં પંદર વર્ષથી ખ્રિસ્તી દેવળોમાં જઈને બે કાર્ય કર્યાં. એક તો પિયાનો દ્વારા સહુના ભીતરમાં રહેલી કરુણા પ્રદીપ્ત કરવાનું અને ત્યારબાદ વક્તવ્ય દ્વારા માનવ-કરુણાયુક્ત ભોજનની વાત કરવાનું. આ અલગારી આદમીએ એક એવું આંદોલન સર્જ્યું કે જ્યાં અસંખ્ય લોકો સમજી-વિચારીને આપોઆપ શાકાહાર અપનાવવા લાગ્યા. પોતાના ભોજન અંગે કશી ઝાઝી માથાકૂટ નહીં કરનાર હવે એ વિશે વિચાર અને ચિકિત્સા કરવાની સાથે આ પ્રક્રિયાને સમાદર આપવા લાગ્યા છે.
એ સાચું છે કે આજનો માનવી એના દાંતથી એની કબર ખોદી રહ્યો છે. માણસ એની ભોજનશૈલીને કારણે અનેક રોગોથી જીવનભર પીડાય છે. ઠંડાં પીણાં, ફાસ્ટફૂડ અને ચરબીયુક્ત ખોરાકથી એણે પોતે જ સામે ચાલીને પોતાના જીવનને રોગિષ્ઠ અને નિર્બળ બનાવવાની કોશિશ કરી છે. એ ડાયાબિટીસના દર્દની ફરિયાદ દુ:ખ સાથે કરે છે, પરંતુ એના મૂળ કારણરૂપ પોતાની ભોજનની રીત અને વાનગી વિશે સમજ ધરાવતો નથી. મનુષ્યજાતિએ એને માટે સૌથી મહત્ત્વની બાબતની જ સૌથી વધુ ઉપેક્ષા કરી. પ્રત્યેક વ્યક્તિ પોતાની અન્ય સઘળી ટેવો, આદતો અને માન્યતાઓ બદલવા માટે તૈયાર હોય છે, પરંતુ એ વર્ષોજૂની પોતાના ભોજનની બાળપણથી પડેલી રીત, આદત કે ટેવ છોડવા સહેજે તૈયાર થતો નથી.
એ હકીકત છે કે કોઈ પણ સંસ્કૃતિનો સર્વનાશ કરવો હોય, તો તમે એની પ્રજાના ખોરાકની શૈલી બદલી નાખો. ભારતીય સંસ્કૃતિનો નાશ આજે પાશ્ચાત્ય ભોજનશૈલી કરી રહી છે. તીખી, ચરબીયુક્ત અને દેશવાસીના શરીરને પ્રતિકૂળ એવી વાનગીઓનો બેરોકટોક પ્રચાર થાય છે. કોઈ હોટલ એક રોટલો કે ત્રણ રોટલી સાથે બીજો એક રોટલો કે બીજી ત્રણ રોટલી ફ્રી આપતી નથી. જ્યારે પિઝા કે એવી અન્ય વાનગીઓનો લોભામણો પ્રચાર કરવામાં આવે છે અને તેને પરિણામે ધીરે ધીરે રોટલો, ખીચડી, કઢી ધીમે ધીમે દેશનિકાલ પામી રહ્યાં છે અને પ્રચ્છન્ન રીતે શરીરના બંધારણને, આસપાસની પ્રકૃતિને પ્રતિકૂળ એવો ખોરાક મોટી આકર્ષક વિજ્ઞાપનો દ્વારા દેશવાસીઓના દિલોદિમાગ પર પ્રભુત્વ મેળવી રહ્યો છે. આ ભોજનની શરીર પર થતી આડઅસરથી પશ્ચિમ પરિચિત છે, પરંતુ એ પોતાની ભોજનની આદત છોડી શકતું નથી અને તેથી એણે પારકા છોકરાને જતિ કરવાનો ઇરાદો રાખ્યો છે.
ડૉ. વિલ ટટલે એક વાતચીતમાં એમ પણ કહ્યું કે આપણે ગમે તેટલા સભ્ય અને સંસ્કૃત બન્યા હોઈએ, પરંતુ આપણા ભોજનની બાબતમાં આપણે સહેજે ગંભીરતાથી વિચાર કરતા નથી. એમના કહેવા પ્રમાણે ભોજન એ દરેક વ્યક્તિની અનિવાર્ય જરૂરિયાત છે એટલી જ વાત પૂરતી નથી, પરંતુ એ ભોજનમાં પ્રત્યેક માનવીય સંસ્કૃતિની આંતરચેતનાનું પ્રતિબિંબ ઝિલાયું હોય છે. વળી એ જેમ સંસ્કૃતિનું પ્રતીક છે, એ જ રીતે વ્યક્તિની ભીતરી પ્રકૃતિનું પણ પ્રતીક છે. પરિણામે ભોજન માત્ર જીવનધારક કે જીવનપોષક નથી, બલ્કે એ આપણા જીવનમાં રહેલા પ્રેમ, ઔદાર્ય, ઉલ્લાસ, આનંદ અને આપણી ઉપભોગવૃત્તિનું પ્રતિબિંબ છે.
કેટલીક વ્યક્તિઓએ એમના ભોજન સાથે અહંકાર, પ્રભુત્વ, ક્રૂરતા, મૃત્યુ અને હત્યા જેવા ભાવો જોડી દીધા છે. આપણો ખોરાક એ માનવીય ભાવોની કે દુર્ભાવોની પારાશીશી બની ગયો છે. માણસ પારણામાં જન્મે છે, ત્યારથી મૃત્યુ પામે છે, ત્યાં સુધી એની પાસે પોતાના ખોરાકની પસંદગી ક૨વાનો અબાધિત અધિકાર ધરાવે છે, પરંતુ વ્યક્તિ ખોરાકની પસંદગીના અધિકારને ભોગવવાને બદલે એના ચીલાચાલુ માર્ગે જીવનયાપન કરે છે. હકીકતમાં ભોજન એ એક નિર્ણાયક બાબત છે. વ્યક્તિ પૃથ્વી પરના જીવોનો રક્ષક, પોષક અને પ્રેમી બની શકે છે અને એ જ ભોજન દ્વારા ઘાતકી અને મૃત્યુ લાવનારો જલ્લાદ બની શકે છે.
ગહન આધ્યાત્મિક ખેડાણ કરનારા અને યૌગિક હીલિંગ અને આંતરપ્રેરણાની જાગૃતિ જેવી બાબતો પર ગહન ચિંતન અને પ્રયોગ કરનારા ડૉ. વિલ ટટલે પોતાની વાતને સુપેરે દર્શાવતાં કહ્યું કે પ્રત્યેક વ્યક્તિમાં એની મૂળ પ્રકૃતિ શોધવાની અને એના અસ્તિત્વ સાથે પ્રમાણભૂત આધ્યાત્મિક સંવાદ સાધવાની ઇચ્છા હોય છે. આવી ઇચ્છા ઊંડે ઊંડે સહુના હૃદયમાં વસેલી હોય છે, પરંતુ મૂળ પ્રકૃતિ અને આધ્યાત્મિક અનુસંધાન સાધવા માટે વ્યક્તિએ એના ભોજનની શૈલી, અભિગમ અને માન્યતાઓ વિશે ગંભીરતાથી વિચારવું જોઈએ. એના દ્વારા જ આપણે આપણી આંતરિક ચેતના અને આપણી સભ્યતાના હૃદય સુધી પહોંચી શકીએ, પણ બને છે એવું કે વ્યક્તિ પોતાના જીવનની નાની, નગણ્ય અને બાહ્ય બાબતો અંગે ખૂબ વિચારતો હોય છે, કિંતુ ભોજન જેવી મહત્ત્વની બાબત વિશે એટલો ગંભીર હોતો નથી. આપણને બીજા પ્રશ્નો અને સમસ્યાઓ વધુ વિકટ, કટોકટીપૂર્ણ અને ધ્યાનાકર્ષક લાગે છે, જ્યારે આપણા ખોરાક વિશે વિચારવાની બાબતને હાસ્યાસ્પદ માનીએ છીએ. માનવીની આવી ઉપેક્ષાએ એના જીવનની શાંતિથી માંડીને વિશ્વની શાંતિ સુધી ખતરો પેદા કર્યો છે.
માણસ સ્વજીવન અને અન્ય જીવોના જીવન જેવી મહત્ત્વની બાબતો પ્રત્યે ઘોર ઉપેક્ષા, નિષ્ઠુર ક્રૂરતા અને કેવી આઘાતજનક અસંવેદનશીલતા ધરાવે છે એની વાત કહેતાં ‘ધ વર્લ્ડ પીસ ડાયટ’ નામનું વિશ્વભરમાં વિચાર અને આચારનું એક આંદોલન જગાડનારા પુસ્તકના સર્જક વિલ ટટલે કહ્યું કે ‘વ્યક્તિની ભોજનની પસંદગી એણે કલ્પના કરી ન હોય તેટલાં દૂરગામી પરિણામો લાવનારી હોય છે. વ્યક્તિ જ્યારે ‘ફૂડ ઍનિમલ્સ ’નો વિચાર કરે છે, ત્યારે એ વિચાર સાથે જ પ્રાણીઓથી પોતાની જાતને અળગી કરી દે છે. ધર્મ, શિક્ષણ, વિજ્ઞાન, કુટુંબ અને એવી જુદી જુદી સાંસ્કૃતિક સંસ્થાઓએ એને માંસાહારની જે કથાઓ કહી છે, તેમાં શ્રદ્ધા રોપીને એ સઘળું આરોગતો હોય છે. ઈશ્વરે માનવીના ઉપભોગ અર્થે જ પ્રાણીઓનું સર્જન કર્યું અને જો આપણે એનો આહાર કરીએ નહીં, તો ચોવીસ કલાકમાં પ્રોટીનના અભાવે આપણું મૃત્યુ થાય એવી વાતો વારંવાર શીખવવામાં આવી છે. બીજી બાજુ આ પ્રાણીઓને સંવેદના અને આત્મા છે એ વાતનું સપ્રયોજન વિસ્મરણ કરાવવામાં આવે છે.’
ડૉ. વિલ ટટલના કહેવા પ્રમાણે યુદ્ધમાં જે રીતે આપણે દુશ્મનને જોઈએ છીએ અને દુશ્મન એટલે જાણે ‘હત્યા કરવા માટે જન્મેલું સાવ સામાન્ય જંતુ’ એમ માનીએ છીએ, એ જ રીતે આપણે પ્રાણીઓને ‘દુશ્મન રૂપે’ જોઈએ છીએ અને ઠંડે કલેજે એમની હત્યા કરીએ છીએ. ભોજનને માટે વાપરવામાં આવતાં પ્રાણીઓ પ્રત્યેના ઘાતકી વ્યવહારની વાતો સાંભળવી આપણને કોઠે પડી ગઈ છે. શિક્ષણ દ્વારા આપણા જીવનમાં આવી વાતો અને આવા વિચારોનો પુરસ્કાર કરવામાં આવે છે.
યુનિવર્સિટી ઑફ કૅલિફૉર્નિયાની ડૉક્ટરેટની પદવી ધરાવનારા ડૉ. વિલ ટટલ તો કહે છે કે આ જગત પર કાર્બન કરતાંય વધુ મોટો ખતરો ‘ઍનિમલ ફાર્મિંગ’નો છે અને આને કારણે શુદ્ધ જળ મળવું દુર્લભ બન્યું છે, એટલું જ નહીં, પણ પ્રાણીનાં વધેલાં અંગો નદીમાં નાખી દેવાને કારણે છેલ્લા દાયકામાં પાંત્રીસ હજાર માઈલ જેટલો અમેરિકાની નદીનો પ્રવાહ દૂષિત થઈ ગયો છે. પ્રાણીઓને મારવાનું અને પ્રાણીઓને ખાવાની વાર્તામાંથી મનુષ્યજાતિને જેટલી જલદી મુક્ત કરવામાં આવશે એટલો મનુષ્યજાતિનો ઉગારો થશે. માણસ ભયથી અને પ્રતિકારથી ડરતો હોય છે, પ્રાણીઓ ન તો માણસમાં ભય જગાવી શકે છે કે ન તો એનો પ્રબળ પ્રતિકાર કરી શકે છે અને એથી જ માણસ નિરાંતે એની હત્યા કરી શકે છે.
આપણે જે ખોરાક લઈએ છીએ એનો આપણી આસપાસના સાંસ્કૃતિક અને કુદરતી વિશ્વ સાથે પ્રગાઢ સબંધ છે. આ સંદર્ભમાં વિલ ટટલે સફરજનનું માર્મિક ઉદાહરણ આપ્યું.
વ્યક્તિ જ્યારે સફરજન ખાય છે, ત્યારે એ ઘટના માત્ર સફરજન ખાવા પૂરતી મર્યાદિત હોતી નથી. સફરજન ખાવાની ક્રિયામાં વધુ ઊંડાણ અને ગંભીરતા હોય છે. એ સફરજન આપણાથી કોઈ તદ્દન ભિન્ન ચીજ કે ફળ હોય, તે રીતે આરોગતા નથી, પરંતુ એ સફરજન આપણું પોતાનું હોય એ રીતે ખાઈએ છીએ. એ આપણા શરીરમાં પ્રવેશે છે, શરીરમાં ઓગળી જાય છે. એ શરીરમાં વૃદ્ધિ કરે છે અને એવા સફરજનના ઉમેરાવાળું શરીર આપણે બની જઈએ છીએ.
વળી સફરજન ખાઈએ છીએ, ત્યારે માત્ર સફરજનને જ ખાઈએ છીએ એવું નથી, પરંતુ એ પૂર્વે એ સફરજનના સર્જન માટે જે વરસાદ પડ્યો હશે, સફરજનના એ વૃક્ષે ગરમી સહન કરી હશે અને જે ઠંડી અનુભવી હશે, એમાંથી આખું વૃક્ષ તૈયાર થયું હશે, આપણે જ્યારે એને આરોગીએ છીએ, ત્યારે એ સફરજનના વૃક્ષને જે વરસાદ, ઠંડી અને પવન મળ્યો હશે, જે બધું પેલા સફરજનમાં સમાવિષ્ટ હોય છે એટલે એ સફરજન આરોગતી વખતે એની સાથે પેલો વરસાદ, ઠંડી અને પવન એ બધાને આપણે સફરજનના રૂપમાં આરોગીએ છીએ.
પોતાની વિચારધારાને વધુ સ્પષ્ટ કરતાં કહ્યું કે એક સફરજન એ આખું વિશ્વ છે અને એમાં આપણા બધા ગ્રહો અને તારાઓ, સૂર્ય અને ચંદ્ર, દરિયા અને નદી, જંગલ અને ખેતરો ઉપરાંત પૃથ્વી પરનાં સઘળાં પ્રાણીઓ સમાવિષ્ટ થાય છે. જીવનની અનંત બાબતોનું એમાં પ્રગટીકરણ થાય છે. એવું સફ૨જન આપણને વૃક્ષ પાસેથી ભેટ રૂપે મળે છે. અનંત વિશ્વ સફરજનના સ્વરૂપમાં પોતાનો ઉત્સવ ઊજવે છે. એનું એક બીજ ધરતીમાં રોપાય અને વળી આખું નવું વૃક્ષ બને અને ફરી માનવી, પક્ષી કે પ્રાણીઓ એને ખાય અને એ રીતે એની વિસ્તૃત વહેંચણી કરે છે.
આ આખીય કથાની ગહેરાઈમાં જતાં પિયાનોવાદક વિલ ટટલનાં પત્ની અને સ્વીટ્ઝર્લૅન્ડના સ્વપ્નશીલ ચિત્રકાર, પ્રાણીપ્રેમી અને ઉચ્ચકક્ષાના કેળવણીવિદ્ મેડેલિન ટટલે કહ્યું કે આ રીતે સફરજન ખાઈને વ્યક્તિ પોતે કોઈના પ્રેમને પાત્ર હોવાનો અને કોઈની પાસેથી પૌષ્ટિકતા મેળવવાનો અહેસાસ કરે છે. વ્યક્તિ અત્યંત સાત્ત્વિક ભાવના સાથે આવું ફળ ખાતો હોય છે અને તેથી ભોજન દ્વારા એના જીવન સાથે જ નહીં, પણ મૃત્યુ સાથે સેતુ સધાય છે. વ્યક્તિની અંતિમ ક્રિયા પછી ઘણા ધર્મોમાં પૂરી ગંભીરતાથી ભોજન આરોગવાની વાત કરી છે. આમ સફરજન ખાવું એ એક પવિત્ર ઉજાણી છે. આવી મહત્ત્વની બાબતની આપણે સદંતર ઉપેક્ષા કરતા હોઈએ છીએ. કોઈની સાથે વાતો કરતાં, રસ્તામાં દોડતાં કે પછી ટેલિવિઝન જોતાં કે અન્ય કોઈ પ્રવૃત્તિ કરતાં કરતાં સફરજન ખાતા હોઈએ છીએ.
કુશળ પિયાનોવાદક અને વિચારક વિલ ટટલે આ જ વાતને વિશેષ આગળ વધારતાં કહ્યું કે જરા સૂક્ષ્મ સંવેદનાથી વિચારો તો ખ્યાલ આવશે કે જ્યારે આપણે સફરજન ખાઈએ છીએ, ત્યારે વાસ્તવિક અર્થમાં તો સફરજન સફરજનને ખાતું હોય છે. ભોજન કરતી વખતે તમે ભોજન કરો છો અને સફરજનનું ભોજન કરો છો એ બાબત ભિન્ન હોતી નથી. બધી બાબતો પર આધારિત છે અને એથી જ ભોજન એ જીવનમાંથી મૃત્યુ અને મૃત્યુમાંથી જીવનનો પ્રવાહ દર્શાવે છે. આમ ભોજન કરતી વખતે જે મારું નથી, તે મારું બની જાય છે. મારું છે અને મારું નથી તે એ બન્ને એકરૂપ બને છે.
વળી રાંધણકલા એ એવી કલા છે કે જેમાં આપણી પાંચેય ઇન્દ્રિયો સાધ્ય બનતી હોય છે. બૌદ્ધ ધર્મ મુજબ તો આમાં આપણી છઠ્ઠી માનસિક પ્રવૃત્તિ પણ એમાં જોડાતી હોય છે. પરિણામે રાંધણકલા અને ભોજનકલા એ આધ્યાત્મિક અને આત્મીયતાનું પ્રતીક બની જાય છે. જુદા જુદા ધર્મના તહેવારો જુઓ એટલે ખ્યાલ આવશે કે દરેક ધર્મની ધાર્મિક અને સામાજિક જીવનપદ્ધતિમાં ભોજનને પવિત્ર ગણીને મહત્ત્વ આપવામાં આવ્યું છે. વળી ભોજનના કાર્યનો પણ મહિમા દર્શાવ્યો છે. ભારતીય શાસ્ત્રોએ તો એના પર ઊંડી ગવેષણા કરી છે.
આમ ડૉ. વિલ ટટલ માંસાહારનો વિરોધ કરીને ભોજનમાં સંવેદનશીલતા પાછી લાવવા માગે છે અને વિલ ટટલ તથા એના પ્રાણીપ્રેમી, પ્રકૃતિપ્રેમી અને કલાપ્રેમી પત્ની મેડેલિન દુનિયાભરમાં ઘૂમી વળીને ‘વિશ્વશાંતિનો પાયો તમારું ભોજન છે’ એ સિદ્ધ કરવા પ્રયાસ કરે છે. આ છે ‘મારા અસબાબ’માંથી મળતી એક વિચારપ્રેરક મુલાકાત.