જિંદગીમાં ક્યાં ઓછા ચમત્કાર સર્જાતા હોય છે ! એ ચમત્કાર આપણી સમક્ષ નવીન વિશ્વનો રોમાંચ લઈને આવે છે. કોઈ નવીન એવા એક રોમાંચક ચમત્કારનો અનુભવ 1999ના ડિસેમ્બર મહિનામાં દક્ષિણ આફ્રિકામાં કેપટાઉન શહેરમાં યોજાયેલી ‘પાર્લમેન્ટ ઑફ વર્લ્ડ રિલિજિયન્સ’ સમયે થયો. જગતના ધર્મોનો જાણે અહીં મેળો જામ્યો હોય તેમ લાગે. જ્યાં જ્યાં નજર પડે, ત્યાં વિશ્વના કોઈ ને કોઈ ધર્મની સ્મૃતિ ઉજાગર થાય. પ્રત્યેક ધર્મના સંતો અને ઉપદેશકો પોતાના બૅનર અને અનુયાયીઓ સાથે કૂચ કરતા હતા, પણ આ બધામાં મારું ધ્યાન ખેંચાયું વિયેટનામની બૌદ્ધ ભિક્ષુણી સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈ પર.
એનું કારણ એ કે તેઓ એક પાલખીમાં બેસીને જતાં હતાં અને અનેક દેશોમાંથી આવેલા બે હજારથી પણ વધુ અનુયાયીઓ એમનું અનુસરણ કરતા હતા. આખું દૃશ્ય જ એટલું રળિયામણું હતું કે આપોઆપ એ વિશે ઉત્સુકતા જાગે. ઉત્સાહ અને જીવંતતા ઊછળતી લાગે. આજે વિશ્વના ધર્મો પોતાનાં આચાર-વિચાર અને આચરણમાં થોડું પરિવર્તન લાવી રહ્યા છે. એ હકીકત છે કે જેને પોતાનું અસ્તિત્વ ટકાવવું હોય એણે ગતિશીલતા અને પરિવર્તન અપનાવવાં પડે. એનું પ્રતિબિંબ સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈમાં જોવા મળ્યું. એણે બૌદ્ધ ધર્મને એક અદ્યતન રૂપ આપ્યું અને એમાં નવો વિચાર, નવી ચેતના અને નવા અધ્યાત્મનો પ્રચાર કર્યો.
સામાન્ય રીતે નવજાગરણનો સંદેશ આપનારા યોગી પુરુષ હોય, પરંતુ અહીં એક યૌવનથી તરવરતો તેજસ્વી ચહેરો ધરાવતી આકર્ષક પોષાક સાથે નવજાગરણનો સંદેશ આપતી યુવતી જોવા મળી. આ વિશ્વ ધર્મ પરિષદમાં સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈને મળવાની સુવર્ણ તક મળી. જેને પરિણામે એના સમગ્ર વ્યક્તિત્વ અને વિચારધારાને જાણી શક્યો અને વિશેષ તો વર્તમાન યુગની ધર્મચેતના અને યોગદૃષ્ટિને જગાવનારી એક નવીન પદ્ધતિનો અનુભવ થયો.
આ તબક્કે મને સ્મરણ થયું 1893ની વિશ્વ ધર્મ પરિષદનું; જ્યારે સ્વામી વિવેકાનંદ, વીરચંદ ગાંધી અને બીજા અનેક સાધુ-સંતો અને યોગીઓએ પૂર્વની યોગપ્રણાલી અને આધ્યાત્મિકતાનો ભવ્ય વારસો પશ્ચિમને બતાવ્યો હતો અને એ યોગ અને આધ્યાત્મિકતાથી પશ્ચિમનું જગત પ્રભાવિત થયું હતું. સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈને મળતાં ચિત્તમાં એ પુરાણી ઘટનાઓનું ફરી સ્મરણ જાગી ઊઠ્યું અને એના અનુયાયીઓને આપેલી જીવનદૃષ્ટિ અને યોગપદ્ધતિ જાણવાની ઉત્સુકતા જાગી.
એનો જન્મ વિયેટનામના ઔલેક શહેરમાં ધનાઢ્ય કુટુંબમાં થયો હતો. બાળપણથી જ સાહજિક રીતે વિવિધ ધર્મભાવનાઓનો પરિચય થયો. એમના પરિવારમાં ધર્મોનું સહઅસ્તિત્વ હતું. એનો પરિવાર કૅથલિક ખ્રિસ્તી ધર્મ પાળતો હતો, પરંતુ એનાં દાદીમા બૌદ્ધ ધર્મનાં ઊંડાં અભ્યાસી હોવાથી એને નાની વયે જ બૌદ્ધ ધર્મનું તત્ત્વજ્ઞાન અને ઉપદેશોનું રહસ્ય જાણવા મળ્યું અને વિશેષ તો બૌદ્ધ ધર્મની ધ્યાનપદ્ધતિ શીખવા મળી. એનું મૂળ નામ હુ ડાંગ તિન્હ હતું અને બાળપણથી જ એનામાં ઉમદા ગુણો અને ઊંચી વિચારશીલતા પ્રગટ થતાં હતાં. એની ઉંમરનાં બીજાં છોકરા-છોકરીઓ જુદી જુદી રમત ખેલતાં હોય, ત્યારે ચિંગ હાઈ તત્ત્વજ્ઞાનના ગ્રંથોનું વાંચન કરતી અને એકાંતમાં મંથન કરતી જોવા મળતી.
અઢાર વર્ષની ઉંમરે વિશેષ અભ્યાસ માટે એ વિયેટનામથી ઇંગ્લૅન્ડ, ત્યાંથી ફ્રાંસ અને છેલ્લે જર્મની ગઈ. અહીં અભ્યાસ દરમિયાન રેડક્રૉસ સંસ્થામાં માનવસેવાનાં અનેકવિધ કાર્યો કર્યાં. આ સમયે એક જર્મન વૈજ્ઞાનિકનો પરિચય થયો અને ચિંગ હાઈએ એની સાથે લગ્ન કર્યાં. આ વિદ્વાન અને વિચારશીલ વૈજ્ઞાનિકે બે વિષયમાં તો ડૉક્ટરેટની ડિગ્રી મેળવી હતી. એના જીવનમાં ચિંગ હાઈની વિચારધારાનો પ્રતિઘોષ જાગ્યો. ચિંગ હાઈના મેળાપને પરિણામે એણે માંસાહાર ત્યજીને શાકાહાર અપનાવ્યો. ભિન્ન ભિન્ન યાત્રા-સ્થળોનો પ્રવાસ ખેડ્યો અને યુદ્ધને કારણે નિરાશ્રિત બનેલા લોકોના કલ્યાણકાર્યમાં ચિંગ હાઈને મજબૂત સાથ આપ્યો.
ચિંગ હાઈ એના લગ્નજીવનથી પૂર્ણતયા પ્રસન્ન હતી, પરંતુ એના અંતરનો અવાજ એને અહર્નિશ બેચેન રાખતો હતો. ઘર-ગૃહસ્થીથી માંડીને સેવાકાર્યોમાં એને આનંદ આવતો હતો, પરંતુ સાથોસાથ એના ચિત્તમાં સતત એ પ્રશ્ન ઘૂમરાતો કે એનું જીવનધ્યેય તો આનાથી ઘણું ઊર્ધ્વ છે અને એને માટે ઊંડી આત્મખોજ અને ધ્યાનસાધના જરૂરી છે.
પોતાના જર્મન પતિને ચિંગ હાઈએ અંતરમંથનની વાત કરી. એનો પતિ ચિંગ હાઈની અભીપ્સાઓથી પૂર્ણપણે પરિચિત હતો. જીવનકર્તવ્ય વિશેની એની વ્યાપક અને વૈશ્વિક વિચારધારાથી પ્રભાવિત હતો. વિશ્વમાં શાંત અને સ્વસ્થ માનવ સર્જવાનાં એનાં સ્વપ્નાં જાણતો હતો અને ચોપાસ થતી પ્રાણીઓની ક્રૂર હત્યા જોઈને ચિંગ હાઈની આંખોમાંથી વરસતી આંસુની ધારા એણે નજરોનજર દીઠી હતી.
જીવનની અગ્નિપરીક્ષા કરતી આ વિચિત્ર પરિસ્થિતિના ઉકેલની ખોજ માટે બંનેએ પરસ્પર ચર્ચા કરી. એકબીજાના હૃદયના સાચા સ્નેહની એમને સમજ હતી, પરંતુ એથીય વિશેષ ઊર્ધ્વ જીવનધ્યેયનો બંનેને ખ્યાલ હતો. એમણે ભારે મથામણ અનુભવી. એક બાજુ પરસ્પર માટેની લાગણી અને બીજી બાજુ આધ્યાત્મિકતાનો આર્દ્ર પોકાર ! આ પરિસ્થિતિ અંગે બંનેએ દીર્ઘ વિચારણા કરી. તીવ્ર આંતરમંથનો અનુભવ્યાં અને અંતે પ્રેમસહિત વિખૂટા પડવાનું નક્કી કર્યું.
ચિંગ હાઈના જીવનનો આદર્શ તો પરમ જ્ઞાનની શોધ અને પ્રાપ્તિ હતો અને તેને માટે બ્રહ્મચર્યપાલન આવશ્યક લાગ્યું. આથી એની વાતનો પતિએ સાનંદ સ્વીકાર કર્યો. બ્રહ્મચર્યના પાલન માટે બંનેની પરસ્પરની સંમતિથી લગ્નજીવન પર પૂર્ણવિરામ મૂક્યું હોય, એવી ઘટનાઓ હિંદુ અને જૈન ધર્મગ્રંથોમાં મળે છે, પણ વર્તમાનયુગમાં આવી ઘટના વિરલ જ ગણાય.
ચિંગ હાઈની જાગૃતિ માટેની ખોજ શરૂ થઈ. જુદા જુદા દેશોના જ્ઞાની અને ધ્યાનીની ખોજ કરવા માંડી. ભિન્ન ભિન્ન પ્રકારનાં ધ્યાનનો સ્વયં અનુભવ કર્યો. આધ્યાત્મિક શિસ્તપાલન માટે ગુરુઓનું માર્ગદર્શન મેળવ્યું. એણે વિચાર્યું કે મનુષ્યજાતિને કોઈ એક વ્યક્તિ ઉગારી શકે ખરી ? જગતની અપાર પીડાનો નાશ કોઈ એકાદ મહાપુરુષ કરી શકે ખરા ? વળી એણે જોયું કે, ‘આ પૃથ્વી પર તો એક એકથી ચડિયાતા મહાપુરુષો થયા છે, છતાં માનવી હજી પીડાગ્રસ્ત છે.’ આને માટે એણે કેટલાય દેશોની મુસાફરી કરી. સ્વયં કેટલીય આધ્યાત્મિક અગ્નિપરીક્ષામાંથી પસાર થઈ. અપાર કષ્ટો સહ્યાં. એને લાગ્યું કે બૌદ્ધ ધર્મના ‘સુરંગમ સૂત્ર’માં સાક્યમુનિ બુદ્ધે ધ્યાનની સર્વોત્કૃષ્ટતા સમી ક્વાન યિન પદ્ધતિનું આલેખન કરીને સર્વ ધ્યાનપ્રણાલીઓમાં એને શ્રેષ્ઠ તરીકે વર્ણવી છે, પરંતુ કાળના પ્રવાહમાં એ ધ્યાનપદ્ધતિ લુપ્ત થઈ ગઈ. માત્ર સૂત્રવર્ણનમાં જ એ ધ્યાનપ્રણાલીની વાત મળે છે.
ચિંગ હાઈ આ ધ્યાનપ્રણાલીની ખોજ કરવા માટે કેટલાંય મઠો અને મંદિરો ઘૂમી વળી. આખરે હિમાલયનો આશરો લીધો. અહીં એક યોગીનો મેળાપ થયો અને એમની પાસેથી ક્વાન યિન ધ્યાનપદ્ધતિ પ્રાપ્ત થઈ. ચિંગ હાઈએ એના દ્વારા સાધનામાર્ગે આગળ ધપવાનું નક્કી કર્યું અને એક દિવસ એવો આવ્યો કે જે આંતરપરિવર્તનની ખોજ હતી, એની એને પ્રાપ્તિ થઈ ! આ ધ્યાનપ્રણાલી દ્વારા ધીરે ધીરે પૂર્ણ આંતરજાગૃતિ સધાઈ અને વિશ્વનાં ગુપ્ત રહસ્યો નજર સામે સાક્ષાત્ થયાં. હિમાલયના પહાડોમાં એ થોડો સમય રહી અને રોજેરોજની એ ધ્યાનપ્રણાલીએ ચિંગ હાઈને નવજાગૃતિ આપી. એ સમયે આ ધ્યાનપ્રણાલી અને જીવનવિચારને પ્રગટ કરીને એ દ્વારા માનવકલ્યાણની ઝંખના ચિંગ હાઈને સાદ પાડવા લાગી.
આ ક્વાન યિન પદ્ધતિને દૈવી પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે. જેનો અર્થ થાય છે ‘માનવીમાં રહેલા દૈવી ગુણો ખીલવીને એનું પરિવર્તન સાધવું’. આવા જ્ઞાનના સાક્ષાત્કાર પછી માસ્ટર ચિંગ હાઈ શાંત અને નિરભિમાની બૌદ્ધ સાધ્વી તરીકે જીવન વ્યતીત કરતી હતી. એની સાદાઈ અને સ્વસ્થતાની પાછળ રહેલી વિરાટ આધ્યાત્મિક અનુભૂતિનો પ્રારંભમાં કોઈને ખ્યાલ ન આવ્યો. વળી ચિંગ હાઈ સ્વભાવે શરમાળ હોવાથી એમણે પોતાનો આત્મભંડાર ગુપ્ત રાખ્યો. સાચી આધ્યાત્મિક ભૂખ જાગે નહીં, ત્યાં સુધી તેઓ આ જ્ઞાન પ્રગટ કરતાં નહીં. દીક્ષાની સાચી ભાવના જુએ પછી જ તેઓ જ્ઞાન આપીને વ્યક્તિને દીક્ષિત કરતાં.
એમનો મુખ્ય સિદ્ધાંત એ કે પીડિત માનવને મદદ કરવા માટેનું સૌથી પહેલું સોપાન આત્મસાક્ષાત્કાર છે. આ આત્મસાક્ષાત્કારની જડીબુટ્ટી માનવીને આપી દઈએ તો એના જીવનની સઘળી પીડા, વ્યથા અને વેદનાનો અંત આવે અને એની અધ્યાત્મ-યાત્રા આસાન બની જાય. તાઈવાનમાં અને અમેરિકામાં અનુયાયીઓ ધરાવતી માસ્ટર ચિંગ હાઈને બીજા દેશોએ પોતાને ત્યાં આવવા માટે વિનંતી કરી. એમણે દુનિયાના અનેક દેશોમાં પ્રવચનો આપ્યાં. આમાં જિજ્ઞાસુઓને તેઓ પોતે ‘ક્વાન યિન’ એટલે અવાજના કંપનનું ધ્યાન કે મનન. ધ્યાનની આ પદ્ધતિમાં આંતરપ્રકાશ અને આંતરધ્વનિનો સમાવેશ થયેલો છે. પ્રાચીન સમયથી દુનિયાના ઘણા ધર્મોમાં આ પ્રકારના આંતરિક અનુભવોનું વર્ણન મળે છે. ‘બાઇબલ’માં નોંધ્યું છે, ‘શરૂઆતમાં શબ્દ હતો અને શબ્દ જ ઈશ્વર હતો.’ (જ્હોન 1:1) આ શબ્દ એટલે આંતરિક ધ્વનિ. આને જ શબ્દ, તાઓ, લાગોસ, નામ, ધ્વનિપ્રવાહ અથવા તો દિવ્ય સંગીત તરીકે ઓળખવામાં આવે છે.
માસ્ટર ચિંગ હાઈના કહેવા પ્રમાણે આ દિવ્ય સંગીત બધા જ સજીવોમાં ગુંજ્યા કરે છે અને એ જ સમગ્ર બ્રહ્માંડનો ભાર વહન કરે છે. આ ભીતરમાં વહેતી કરુણ ધૂન જીવનના બધા જ ઘાને રૂઝવનાર છે. બધી જ ઝંખનાઓને પૂર્ણ કરનારી અને દુન્યવી પ્રાપ્તિની તમામ ઇચ્છાઓને છિપાવનારી છે. એ સર્વશક્તિમાન અને પૂર્ણ પ્રેમમય છે. આપણે એ ‘ધ્વનિ’થી સર્જાયા છીએ અને તેની સાથેનો સંપર્ક આપણા હૃદયમાં શાંતિ અને સંતોષ આણે છે. આ ‘ધ્વનિ’ સાંભળ્યા પછી આપણું સમગ્ર અસ્તિત્વ પરિવર્તન પામે છે. જીવન પ્રત્યેનો આપણો દૃષ્ટિકોણ બદલાઈને બધું અધ્યાત્મ-મુખી બને છે.
આ ઈશ્વરીય પ્રકાશ એને જ આપણે ‘જ્ઞાન’ કે ‘બોધ’ કહીએ છીએ. એની તીવ્રતા સૂક્ષ્મ ઉષ્માથી માંડીને લાખ્ખો સૂર્યના પ્રકાશ જેટલી હોય છે. માસ્ટર ચિંગ હાઈના કહેવા પ્રમાણે ભીતરના આ પ્રકાશ અને ધ્વનિથી આપણે ઈશ્વરને જાણી શકીએ છીએ.
સુપ્રીમ માસ્ટર ચિંગ હાઈની ‘ધ ક્વાન યિન’ પદ્ધતિની દીક્ષામાં કોઈ ગૂઢ વિધિ નથી. એ દ્વારા તમે કોઈ નવીન ધર્મમાં પ્રવેશ પામતા નથી. આ પ્રકારે દીક્ષિત થનારને આંતરપ્રકાશ અને આંતરધ્વનિના ધ્યાનની સમજણ અપાય છે. માસ્ટર ચિંગ હાઈ એને ‘આધ્યાત્મિક પ્રસારણ’ પૂરું પાડે છે. આ દિવ્ય અસ્તિત્વનો પ્રથમ અનુભવ શાંતિ દ્વારા કરાવાય છે. આ માટેનું ‘દ્વાર’ ખોલવા માટે માસ્ટર ચિંગ હાઈ પ્રત્યક્ષ ઉપસ્થિત હોય તેય જરૂરી નથી, કારણ કે ‘પ્રસારણ’ એ જ આ પદ્ધતિની અગત્યની બાબત છે અને તેથી માસ્ટરના સાંનિધ્ય વિના પણ આ પદ્ધતિના પ્રયોગથી વ્યક્તિ થોડો લાભ પ્રાપ્ત કરી શકે છે. આનું કારણ એ છે કે આમાં તમારે આંતરધ્વનિ સાંભળવાનો અને આંતરપ્રકાશ મેળવવાનો છે. આ પદ્ધતિમાં દીક્ષિત થયા પછી આપોઆપ અને એકાએક ‘તત્કાલ જ્ઞાન’ની પ્રાપ્તિ થાય છે.
માસ્ટર ચિંગ હાઈની વિશેષતા એ છે કે એમની પાસે દીક્ષિત થનારને સ્વધર્મ છોડવાનો હોતો નથી. માન્યતા કે પરંપરાનો ત્યાગ પણ કરવાની જરૂર હોતી નથી. આને માટે અમુક સંગઠન કે સંસ્થામાં જોડાવું પડતું નથી. જીવનશૈલી જાળવીને કોઈ પણ પ્રકારની ફી લીધા વિના અપાતી આ દીક્ષા તમામ પ્રકારના લોકો લઈ શકે છે. માસ્ટર ચિંગ હાઈનું ધ્યેય વ્યક્તિને સ્વનિર્ભર બનાવવાનું છે. કશાય યાંત્રિક ઉપકરણ વિના પ્રત્યેક વ્યક્તિ પોતાના જીવનમાં આચરણ કરી શકે તેવી જીવનપદ્ધતિ શીખવવાનું છે. કોઈ ગુરુના સતત માર્ગદર્શનની પણ જરૂર નથી.
વિશ્વમાં જાગરણ જગાવનારી આ યુવાન સાધ્વી સ્પષ્ટપણે કહે છે કે તે અનુયાયીઓ, ભક્તો, શિષ્યો કે સંગઠન માટે ઝંખના સેવતી નથી. તે તમારી, પાસેથી ધન, ભેટ કે દાનની સહેજે આશા રાખતી નથી. તેથી એવી કોઈ વસ્તુ એમની સમક્ષ ધરવાની હોતી નથી. માસ્ટર ચિંગ હાઈ એક જ માગણી કરે છે અને તે ઊર્ધ્વગામી થવા માટેના ધ્યાનની નિયમિત નિષ્ઠાપૂર્વકની પ્રૅક્ટિસ.
આ ધ્યાનમાર્ગના પ્રવેશનું પ્રથમ અને મહત્ત્વનું સોપાન છે, આજીવન શાકાહારી વ્રત. તાઈવાન, ચીન અને અમેરિકામાં બહોળી સંખ્યામાં અનુયાયીઓ ધરાવતી આ બૌદ્ધ ભિક્ષુણીના આ આગ્રહે તો ચમત્કાર સર્જ્યો અને શાકાહાર વિશેની નવીન, રોમાંચક સૃષ્ટિનો અનુભવ થયો.