છેલ્લાં સિત્તેર-એક વર્ષથી ‘ગુજરાત સમાચાર’ની રવિવારની પૂર્તિમાં ‘મુનીન્દ્ર’ના ઉપનામથી ‘જાણ્યું છતાં અજાણ્યું’ એ કૉલમ પ્રગટ થાય છે. 1969 સુધી સર્જક ‘જયભિખ્ખુ’ એ કૉલમ લખતા હતા અને એમના અવસાન બાદ હું એ કૉલમ લખું છું.
જગતમાં એવી ઘટનાઓ બનતી હોય છે કે જે આપણે નજરે જોઈએ છીએ, પરંતુ એ ઘટનાને સર્જનારાં કારણોને પારખી શકતા નથી. માત્ર પુસ્તકનાં પૃષ્ઠો પર હાથ ફેરવીને નવ પાનાંની લાંબી પ્રસ્તાવના પૂજ્યશ્રી મોટા લખી આપે કે પછી ભીતરમાં કૅન્સરના વ્યાધિની પારાવાર પીડા થતી હોય અને છતાં મુખ પર આનંદ અને પ્રસન્નતાનો ધોધ વરસતો હોય એવાં મા આનંદમયીનું સ્મરણ થાય અથવા તો પૂજ્ય આચાર્ય સુબોધસાગરસૂરીશ્વરજી પાસેથી આવનારી ઘટનાઓના આબાદ સંકેતો મળે. આવી ઘટનાઓના રહસ્યનો તાગ મેળવવો મુશ્કેલ છે. એવી જ એક ઘટના ટોરન્ટના ચૅરમૅન અને અગ્રણી ઉદ્યોગપતિ શ્રી યુ. એન. મહેતાના જીવનમાં સર્જાઈ.
એમને ‘એંજિયો ઇમ્યુનો બ્લાસ્ટિક લિમ્ફએડેનોપથી’ નામનો રોગ લાગુ પડ્યો. સમગ્ર દેશમાં આ પ્રકારના રોગનો આ સર્વપ્રથમ કેસ હતો. જીવનમાં સતત આવતી આર્થિક, શારીરિક અને માનસિક વિટંબણાઓનો તો ઉત્તમભાઈએ સહેજે ડગ્યા કે થાક્યા વિના સામનો કર્યો, પરંતુ આ પ્રકારનો રોગ થશે એવી મનમાં કલ્પના પણ નહીં. આ રોગમાં વ્યક્તિનું આયુષ્ય ત્રણથી છ મહિનાનું ગણાતું. વળી એ રોગ શરીરમાં કઈ રીતે પ્રસરે છે એની કોઈ વૈજ્ઞાનિક માહિતી નહોતી અને તેથી એની સારવારની પદ્ધતિ પણ વિવાદાસ્પદ હતી. તપાસ કરતાં જાણ થઈ કે લૉસ એન્જલિસમાં રૉબર્ટ લ્યૂક્સ અને હેન્રી રાપાપોર્ટ આ રોગના નિષ્ણાત છે. આથી એમણે સારવાર લેવા માટે અમેરિકા જવાનું નક્કી કર્યું. જ્યોતિષીઓને કુંડળી બતાવી હતી, પરંતુ એમનું આયુષ્ય કેટલું છે ? એ વિશે મૌન સેવતા.
આ સમયે એક એવી ઘટના બની જેને હું ‘જાણ્યું છતાં અજાણ્યું’ કહું છું. અમદાવાદના વિકાસગૃહના વિસ્તારમાં આવેલી ઓપેરા સોસાયટીમાં રહેતા શ્રી છબીલદાસ દેસાઈ ધાર્મિક કાર્યો માટે અવારનવાર ઉત્તમભાઈને મળવા આવતા હતા. ઉત્તમભાઈ સ્વાસ્થ્યને કારણે ક્યારેક જ ઉપાશ્રયમાં જતા હતા, પરંતુ છબીલભાઈ દેસાઈએ કહ્યું, ‘ઓપેરાના ઉપાશ્રય માટે થોડી રકમની જરૂર છે અને એમાં આપે સહાય કરવી પડશે.’
ઉત્તમભાઈએ કહ્યું, ‘સહાય કરવામાં કશો વાંધો નથી, પરંતુ મારા માથે ચિંતાનો મોટો બોજ છે. જીવન અનિશ્ચિતતાથી ઘેરાયેલું છે.’
ઉત્તમભાઈને અમેરિકામાં શું થશે એની ફિકર હતી અને જો ત્યાં ઑપરેશન થશે તો પોતે હેમખેમ પાછા આવશે કે કેમ, તે સવાલ એમના ચિત્તમાં સતત ઘૂમરાતો હતો. ટૂંકા આયુષ્યનો ભય માથા પર ઝળૂંબતો હતો.
શ્રી છબીલભાઈ દેસાઈ એક પરગજુ વ્યક્તિ હતા. તેઓનો સ્વભાવ માણસાઈના દીવા સમાન હતો. બીજાનું કામ કરી છૂટનારા એ પરગજુ માનવીએ કહ્યું, ‘આ ઉપાશ્રયમાં પૂજ્ય આચાર્ય કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજ બિરાજે છે, તેઓનું ચારિત્ર્યબળ અને તપ પ્રભાવક છે. ધ્યાનના ઊંડા સાધક છે. ચાલો, તેઓના આશીર્વાદ મેળવીએ.’
ઉત્તમભાઈ છબીલભાઈની સાથે પૂ. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજીનાં દર્શન કરવા માટે ગયા. એમણે આચાર્યશ્રીને વંદન કર્યા. અગાઉ ઉત્તમભાઈએ સંઘ કાઢવાનો આદેશ લીધો હતો આથી શ્રી છબીલભાઈએ કહ્યું, ‘સાહેબજી ! તેઓની સંઘ કાઢવાની ધર્મભાવના છે અને એ માટે મુહૂર્ત જોઈએ છે.’
આચાર્યશ્રીએ એક મુહૂર્ત કાઢી આપ્યું, પણ ઉત્તમભાઈએ કહ્યું, ‘સાહેબ ! આપ મુહૂર્ત આપો છો, પરંતુ મારે તો સારવાર માટે અમેરિકા જવાનું છે. પાછો આવીશ કે નહીં તેની કશી ખબર નથી. રોગ એવો થયો છે કે મારું આયુષ્ય અતિ અલ્પ છે. કદાચ કોઈ મોટું ઑપરેશન પણ કરાવવું પડે. આવા ગંભીર પ્રકારના ઑપરેશન બાદ જીવતો હોઈશ કે નહીં એ પણ સવાલ છે, કિંતુ જો પાછો આવીશ તો આપના મુહૂર્ત પ્રમાણે જરૂર સંઘ કાઢીશ.’
આચાર્યશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજીએ કહ્યું, ‘તમે જરૂર પાછા આવશો અને તમારી ધર્મભાવના મુજબ સંઘ કાઢશો. આ મુહૂર્ત રહેવાનું જ છે. માણસ જીવતો રહેવાનો હોય તો જ હું મુહૂર્ત કાઢી આપું છું.’
એ પછી આચાર્યશ્રીએ એમ પણ કહ્યું, ‘તમે અમેરિકા જશો, પણ તમારે ઑપરેશન નહીં કરાવવું પડે. તમારું કામ માત્ર પ્રીક(ઇંજેક્શન)થી પતી જશે.’
પંજાબમાં ગ્રૅજ્યુએટ થયેલા, અંગ્રેજીમાં કાવ્યરચના કરનારા આ વિરલ આચાર્યશ્રીએ અંગ્રેજીમાં કહ્યું, ‘ઍન્ડ યુ વિલ સી અમેરિકા.’
આચાર્યશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજીની સાધુતાની ગરિમાનો સહુને પરિચય હતો. મહેસાણામાં ભવ્ય તીર્થની રચના કરનાર આચાર્યશ્રીના જીવનમાં આત્મિક સંયમની આરાધના પ્રગટ થતી હતી. એમનાં સાધુવચનોએ ઉત્તમભાઈના નિરાશા અને વિષાદથી ઘેરાયેલા હૃદયમાં આશાનું એક સોનેરી કિરણ જગાવ્યું.
આવી વિભૂતિનાં સહજપણે ઉચ્ચારાયેલાં વચનોમાં એમને પૂર્ણ શ્રદ્ધા હતી, બીજી બાજુ પરિસ્થિતિ સાવ વિપરીત હતી.
ઉત્તમભાઈએ આચાર્યશ્રીને કહ્યું, ‘સાહેબજી, ડૉક્ટરોએ તો વધુમાં વધુ છ મહિનાનું આયુષ્ય કહ્યું છે. જ્યોતિષીઓ તો એટલુંય કહેતા નથી, પણ આપ આ બાબતમાં શું માનો છો ?’
આચાર્યશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજીએ ગંભીર અવાજે કહ્યું, ‘તમારું આયુષ્ય લાંબું છે, પણ હું કહું એટલાં કામ કરજો. પાંચેક દેરાસરનાં ખાતમુહૂર્ત કરાવજો.’
ઉત્તમભાઈએ કહ્યું, ‘સાહેબજી, આપ કહેશો તે કરીશ. જો હું જીવીશ તો જરૂર આવાં ધર્મકાર્યો કરીશ.’
એ સમયે ગાંઠોની તપાસ માટે આજની જેમ એમ.આર.આઈ. કે સ્કૅનિંગ જેવાં અદ્યતન સાધનો નહોતાં, આથી લિમ્ફ એંજિયોગ્રાફી કરવામાં આવતી હતી. આમાં પગની નસો કાપી નાખવામાં આવતી હતી. એ સમયે દર્દીને અત્યંત વેદના થતી હતી. છ મહિના સુધી તો પગમાં ચંપલ પણ પહેરી શકાતા નહીં. વેદના સાથે ઉત્તમભાઈનો ગાઢ નાતો હતો, પછી તે જીવનમાં આવતી આપત્તિની હોય કે કોઈ વિચિત્ર દર્દની !
ઉત્તમભાઈએ એક્સ-રે લેવડાવ્યો તો એમાં ગાંઠો આવતી હતી. ઉત્તમભાઈને એમ કે ઓછામાં ઓછું ગાંઠો દૂર કરવાની આ દારુણ યાતનામાંથી તો પસાર થવું પડશે.
અમેરિકા જવા માટે અમદાવાદના હવાઈ મથકેથી વિદાય લેતી વખતે ઉત્તમભાઈની આંખોમાં આંસુ હતાં. ડૉક્ટરોએ માત્ર ચાર મહિનાનું આયુષ્ય ભાખ્યું હતું, તેથી મનોમન એમ થતું હતું કે આ આખરી અલવિદા તો નહીં હોય ને ?
બીજી બાજુ મનમાં આચાર્યશ્રી કૈલાસસાગરસૂરીજીનાં પાવન વચનોનું સ્મરણ થતું હતું અને એ રીતે પરિસ્થિતિનો સામનો કરવા માટેનું એક બળ જાગૃત થતું હતું, પણ એ વાત સમજાતી નહોતી કે આટલે દૂર, આવા પ્રતિષ્ઠિત ડૉક્ટરો પાસે સારવાર લેવાની છે અને માત્ર ઇંજેક્શનથી જ પતી જશે. કોઈ ઑપરેશન કરાવવું નહીં પડે.
અને પછીનો સિલસિલો જોઈએ તો વિખ્યાત ડૉ. રૉબર્ટ લ્યુક્સે એમને કહ્યું કે, આ રોગમાં શરીરની પ્રતિકારક શક્તિ ઓછી થાય છે એટલે આવો રોગ થાય છે એમ કહેવાય છે, પરંતુ વિશ્વમાં આવા માત્ર ચૌદથી પંદર કેસ જાણવા મળ્યા છે. રોગના મૂળ કારણનો કોઈ તાગ મળ્યો નથી. એ પછીની ઘટના જોઈએ તો અમદાવાદના બ્લડ રિપોર્ટ અને એક્સ-રે રિપોર્ટને અમેરિકાના ડૉક્ટરોએ સ્વીકાર્યા. સામાન્ય રીતે અમદાવાદના એ મેડિકલ રિપોર્ટ મુંબઈમાં માન્ય રખાતા નથી.
બીજો ભય એવો હતો કે અગાઉ તાતા હૉસ્પિટલમાં લિમ્ફ એંજિયોગ્રાફી કરાવી હતી અને તેમાં નસ કાપીને ડાઈ મૂકવામાં આવતી હતી. પરિણામે છ મહિના સુધી ચંપલ પણ પહેરી શકાય નહીં. ઉત્તમભાઈને હતું કે અમેરિકાના ડૉક્ટરો આ ટેસ્ટ તો કરશે જ, પરંતુ આ ડૉક્ટરોએ કહ્યું કે આવું કશું કરવાની જરૂર નથી, માત્ર એક ટેસ્ટ કરાવવો પડશે અને એને માટે એક ઇંજેક્શન લેવું પડશે બાકી કોઈ ઑપરેશનની જરૂર નથી.
ઉત્તમભાઈને લાગ્યું કે સૂડીનો ઘા સોયથી ગયો. કેવી કેવી ધારણાઓ કરી હતી. ગંભીર ઑપરેશન, પીડાકારક સર્જરી, વેદનાજનક ટેસ્ટની રફતાર, મનની આ ભયજનક કલ્પનાઓ એકાએક આથમી ગઈ. પુનઃ મનોમન આચાર્યશ્રીનું સ્મરણ કર્યું અને ભાવભર્યાં વંદન કર્યાં.
ડૉક્ટરોએ માત્ર એટલું જ કહ્યું કે તમારે ઇન્ફેક્શનથી ધ્યાન રાખવું પડશે. જો ઇન્ફેક્શનથી ધ્યાન રાખશો તો કોઈ વાંધો નહીં આવે. આયુષ્યનો અંત એના પર આધારિત છે, કોઈ સમયમર્યાદા નહીં.
વળી ઉત્તમભાઈને અહીં ડૉ. મણિભાઈ મહેતા અને સવિતા મહેતા જેવા સ્વજનો મળી ગયા એટલે એમ લાગ્યું કે જીવનમાં જેમ આફત વરસતી હોય છે, એમ અનુકૂળતાઓ પણ સામે ચાલીને દોડીને આવતી હોય છે. અમેરિકાથી પાછા આવ્યા બાદ ઉત્તમભાઈ આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજીને મળવા ગયા.
પૂ. આચાર્યશ્રીએ અમેરિકાથી પાછા આવીને સંઘ કાઢવાનું કહ્યું હતું. વળી એમ પણ ભાખ્યું હતું કે અમેરિકામાં ઑપરેશન નહીં થાય. માત્ર એકાદ ઇન્જેક્શન જ લેવું પડશે. તેઓ નિરાંતે અમેરિકા જોઈ શકશે અને લાંબું આયુષ્ય ભોગવી શકશે. એ સમયે ઉત્તમભાઈ ખુદ માનતા હતા કે એમનું છ મહિનાથી વધુ લાંબું આયુષ્ય નથી. અમેરિકા ઑપરેશન કરાવવાના હેતુથી જ ગયા હતા અને એને બદલે માત્ર ઇન્જેક્શન જ લેવું પડ્યું. એટલું જ નહીં, પણ અમેરિકામાં ફરવાનું પણ બન્યું. આમ પૂજ્ય આચાર્યશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજીએ આશીર્વાદ આપતાં કહેલાં પ્રત્યેક વચનો સત્ય પુરવાર થયાં. એ પછી ઉત્તમભાઈએ એમને પૂછ્યું પણ ખરું કે, ‘સાહેબજી, આપ ભવિષ્યના જાણકાર છો ?’
પૂ. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજીએ હંમેશ મુજબ નીચી દૃષ્ટિ રાખીને કહ્યું, ‘ભાઈ, એવું કશુંય નથી.’
સામાન્ય રીતે કોઈ સ્પૃહાવાન સાધુ હોય, તો આવી ઘટનાની સ્વમુખે કે અન્ય દ્વારા પ્રસિદ્ધિ કરાવીને પોતાની ચમત્કારી શક્તિની બોલબાલામાં રાચવા માંડે, જ્યારે આ આખીય વાતને બાજુએ મૂકીને પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજીએ પોતાની સ્વાભાવિક નમ્રતાથી ઉત્તમભાઈને કહ્યું,
‘તમારે આવી વાતનો વિચાર કરવાને બદલે નવકાર મંત્ર ગણવો. એ સિવાય બીજું કાંઈ નથી. કોઈ કાળે વચન બોલાઈ જાય અને એ પ્રમાણે થાય એટલું જ માનવું.’
આચાર્યશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજીની આ મહાનતા જોઈને ઉત્તમભાઈનું મસ્તક ઝૂકી ગયું.
એ પછી આ ઘટનાની વાત આચાર્યશ્રી પાસેથી કોઈએ સાંભળી નથી. સામાન્ય સંજોગોમાં જે પ્રસિદ્ધિનું સાધન બને, તેને આચાર્યશ્રીએ વિસ્મૃતિનું માધ્યમ બનાવી દીધું.