જીવન એટલે જ અવિરત સંઘર્ષ ખેલીને પ્રગતિ સાધવાનો પુરુષાર્થ. જીવનમાં અમુક સમયગાળો સંઘર્ષનો હોય અને અમુક સમયગાળો સંઘર્ષ વિનાનો તેવું હું કદી માનતો નથી. એમાં અવિરત બાહ્ય-આંતરિક સંઘર્ષો ચાલતા જ રહે. 1969ની ચોવીસમી ડિસેમ્બરે પિતા ‘જયભિખ્ખુ’નું હૃદયરોગના ગંભીર હુમલાને પરિણામે પાંચેક મિનિટમાં જ અવસાન થયું અને તે પછી કુટુંબની જવાબદારી મારે શિરે આવી ત્યારે ચિત્તમાં તીવ્ર મંથન જાગ્યું. પિતાની છાયા એકદમ લુપ્ત થઈ જાય, તે કેવું કહેવાય ? સ્નેહ અને મૃત્યુ વિશેના ઘણા પ્રશ્નોએ મનમાં મથામણ જગાવી. વળી સૌરાષ્ટ્રના આતિથ્યપ્રેમી અને વ્યાવહારિક સંબંધોના મહિમાવાળા સમાજ વચ્ચે આ કપરી જવાબદારી બજાવવાની હતી, પરંતુ એને ખભા પર ઉપાડી લેવી એમાં જ પિતૃતર્પણ લાગ્યું.
એ સમયે પિતાશ્રીની આગવી ખ્યાતિ. 300 પુસ્તકના સર્જક તરીકે બહોળી નામના, જિંદાદિલ સ્વભાવને કારણે મિત્રવર્તુળ પણ વિશાળ, પરંતુ 300 પુસ્તકોના રચયિતા પાસે એ સમયે માત્ર 350 રૂપિયાની મૂડી હતી ! એ નોટો પણ પુસ્તકોની વચ્ચે અહીં-તહીં પડેલી. પણ આર્થિક અભાવનાં રોદણાં રડવાં વ્યર્થ છે તેમ પહેલેથી જ માનતો. ખંત અને ખમીરથી એનો સામનો કરવો એ જ સ્વભાવ. આથી આર્થિક સંકડામણનો વિચાર કરવાને બદલે પ્રગતિના નવા આયામો વિશે વિચારવા લાગ્યો. એ પરિસ્થિતિમાં પણ પૂરી લહેજતથી જીવવાનું રાખ્યું અને બહુ મોડેથી નિકટના સ્વજનોને ખ્યાલ આવ્યો કે એ સમયે આવી આર્થિક પરિસ્થિતિ હતી !
સંઘર્ષો તો ત્યારે પણ અનુભવ્યા કે જ્યારે ધર્મદર્શનક્ષેત્રે કામગીરી શરૂ કરી. સમાજમાં રૂઢિચુસ્તોની નાગચૂડ એવી કે તમે પ્રવર્તમાન સ્થિતિ સામે સહેજ પણ આક્રોશ કરો એટલે ‘પ્રગતિશીલ’નું લેબલ લાગી જાય. આ પ્રગતિશીલનું લેબલ લાગે એટલે કેટલાક તેમને અસ્પૃશ્ય ગણે તો કેટલાક નાસ્તિક માને ! ધર્મના ઉચ્ચ સ્થાને બેઠેલાઓ કે પછી પદાધિકારીઓ તમને છેટા રાખવાનું પસંદ કરે. બીજા લોકો નાસ્તિક ગણીને આંધળો વિરોધ કરે. આ સમયે મારા પિતાશ્રીએ એમની રોજનીશીમાં કરેલી એક નોંધનું પણ સ્મરણ થયું કે એમણે જૈન ધર્મ વિશે અત્યંત રસપ્રદ રીતે મૌલિક દૃષ્ટિથી પુસ્તકોનું સર્જન કર્યું, પણ જૈન સમાજે એક લેખક તરીકેની કોઈ ગરિમા એમને આપી નહીં. ક્યારેક તો એવું બને કે જૈનો એમનાં પુસ્તકો વાંચે નહીં અને જૈનેતરો એમને ‘જૈન લેખક’નું લેબલ આપીને એમના સાહિત્યસર્જનથી દૂર રહે. આમેય સાહિત્યજગતમાં સર્જનને સમગ્રતયા વાંચવા-મૂલવવાને બદલે ‘લેબલ’નો જ મહિમા છે ને ! ‘જયભિખ્ખુ’ એ રજપૂત યુગ, મુસલમાન યુગ કે વૈષ્ણવ વિચારધારા આધારિત સુંદર નવલકથાઓની રચના કરી હતી. એનાથી મોટા ભાગના સાહિત્યપ્રકારો પણ અનભિજ્ઞ હતા.
ધર્મમાં એક તો સંકીર્ણ દૃષ્ટિવાળા લોકોનો સામનો કરવાનો આવે કે જેઓ એક કે બે ક્રિયાકાંડમાં જ ધર્મની ઇતિશ્રી માનતા હોય. બીજી બાજુ રૂઢિચુસ્તો તમારી નવી વિચારધારાનો સામનો કરવા અનેક ઉપાયો અજમાવે. તેઓ જાહેર વ્યાખ્યાનોમાં તમારી ટીકા કરે. વધુ આકરું લખ્યું હોય તો જુદા જુદા સ્થળેથી કેસ કરીને હેરાન-પરેશાન કરવાના પેંતરાઓ અજમાવે. નનામી પત્રિકાઓ બહાર પાડે. કંઈ-કેટલાય પ્રકારનાં દબાણો લાવે, પરંતુ શાસ્ત્રીય ગ્રંથોને આધારે મેં નવી દૃષ્ટિથી ધર્મને મૂલવવાનું કાર્ય દેશવિદેશમાં શરૂ કર્યું, જેને પરિણામે મારા પુરોગામીઓને જે મુશ્કેલીઓ પડી હતી એવી કોઈ મુશ્કેલી આવી નહીં.
ખરો સંઘર્ષ તો ત્યારે ખેલાય કે જ્યારે શૂન્યમાંથી સૃષ્ટિ ઊભી કરવી પડે અને આવો સંઘર્ષ ખેલ્યો હોય તો તે સ્પૉર્ટ્સ લેખક તરીકે, રમતગમત વિશે કૉલમ લખવાનો કેટલાક વિશિષ્ટ સંજોગોમાં પ્રારંભ થયો. એ પૂર્વે એશિયાડ જેવા મહત્ત્વના રમતોત્સવ ઑલિમ્પિક વિશે લખતો. વાત એવી બની હતી કે ઑસ્ટ્રેલિયાના સુકાની બિલ લૉરીએ એક પ્રવાસ-પુસ્તક લખ્યું હતું. એ પ્રવાસ-પુસ્તકમાં એણે ભારતની આકરી ટીકા કરી હતી. ભારતની ગરીબી, ગંદકી, રસ્તા પર રખડતી ગાયો અને વાહનવ્યવહારની અસુવિધાનું લંબાણથી આલેખન કર્યું હતું. ‘Run-Digger’ નામનું આ પુસ્તક વાંચતાં ખૂબ આઘાત લાગ્યો. એ સમયે એક એવી પ્રથા પડી ગઈ હતી કે ઑસ્ટ્રેલિયા કે ઇંગ્લૅન્ડનો ખેલાડી એની જીવનકથાનું પુસ્તક લખે તેમાં ભારત પર વધુ ને વધુ ફિટકાર વરસાવે. આની વિરુદ્ધમાં કૉલેજકાળમાં એક લેખ લખ્યો અને તે અખબારમાં પ્રગટ થયો. આમાંથી રમતગમતના કૉલમનો પ્રારંભ થયો. એ સમયે મનમાં પણ એક જ દ્વિધા ચાલતી હતી અને તે એ કે જીવનમાં કયા ક્ષેત્રમાં આગળ વધવું.
મનમાં એવી પાકી ગાંઠ વાળી હતી કે કોઈ એવા ક્ષેત્રમાં કાર્ય કરવું કે જેમાં પિતાશ્રીએ કશું મહત્ત્વનું યોગદાન કર્યું ન હોય. એમને ક્રિકેટ તરફ કોઈ રુચિ નહોતી. માત્ર ગ્વાલિયર પાસે આવેલા શિવપુરના ગુરુકુળમાં અભ્યાસ કરતી વખતે હૉકીની રમત થોડી રમ્યા હતા અને એ સમયે ગ્વાલિયરમાં જોયેલી હૉકીના જાદુગર ધ્યાનચંદની રમતનું સ્મરણ અવારનવાર કહેતા હતા ! આથી ક્રિકેટ વિશે લખવાનું વિચાર્યું. આમાં અનુકૂળતા એ હતી કે કૉલેજકાળમાં સારું એવું ક્રિકેટ રમ્યો હતો. ચીટકુ ઓપનિંગ બૅટ્સમૅન અને ડાબોડી સ્પિનર હતો. ગુજરાત કૉલેજના મેદાન પર કેટલીયે મૅચો જોઈ હતી, પણ એ જમાનામાં ક્રિકેટ વિશે લખવું અને કારકિર્દી સર્જવી એ સામે પૂરે તરવા જેવું હતું. અખબારોમાં સમાચારો ઓછા કરવા હોય તો પહેલી કાતર સ્પૉર્ટ્સ પર પડતી. આવે સમયે આ વિષયમાં આગળ વધવું એ કપરાં ચઢાણ જેવું હતું. કોઈક અખબારોમાં રમતગમતની કૉલમ આવતી, પરંતુ નિયમિતપણે નહીં. સહુથી મોટી મુશ્કેલી તો એ હતી કે ક્રિકેટ વિશે કોઈ અખબારી કચેરીમાં કશો માહિતીસંગ્રહ નહોતો. આથી એકસાથે અનેક મોરચે યુદ્ધ ખેલવાનું હતું.
વળી સૌથી મોટી વાત તો એ કે હૉકી કે ફૂટબૉલ જેવી મૅચો તમારો બહુ સમય ન લે. જ્યારે ક્રિકેટની મૅચ આખેઆખો દિવસ ગળી જાય ! એમાં પણ મૅચનું કવરેજ કરવા જઈએ, ત્યારે તો જાત નિચોવીને પસીનો કાઢવો પડે. કારણ એટલું જ કે 10-30 વાગે મૅચ શરૂ થવાની હોય તો ટ્રાફિક વગેરેને અનુલક્ષીને નવ વાગે નીકળવું પડે. સવારે ઊઠી અખબારો પર નજર ફેરવી લેવી પડે. કારણ કે કયા અખબારે કઈ રીતે કવરેજ આપ્યું છે અથવા તો કોઈ નવી સ્ટોરી લાવ્યું છે કે નહીં તે જોવું પડે. મૅચમાં થનારા વિક્રમોની નોંધ લખવી પડે. વળી મૅચ અગાઉ અડધો કલાક વહેલા પહોંચવું પડે, કારણ કે તો જ આસપાસના માહોલનો ખ્યાલ આવે. પિચની તરફદારી જોઈ શકાય. સારી બેઠક મળે. મિત્રો સાથે થોડી ચર્ચા થાય. ગઈ કાલની મૅચમાં ઓવરની ગણતરીમાં કે આઉટ થવાના નિર્ણયમાં અમ્પાયરની કે પછી અમુક બાબતમાં સુકાનીની ભૂલ થઈ હોય તો એની પણ અલપઝલપ વાત થાય.
મૅચ શરૂ થાય અને જેમ જેમ ખેલાતી જાય તેમ તેમ લખવું પડે. આથી લંચ ટાઇમ કે ટી ટાઇમ વખતે પહેલું કામ સ્કોરર પાસે પ્રમાણભૂત આંકડાઓ મેળવવાનું હોય, પછી રમાયેલી રમતની નોંધ લખવાની હોય. ત્યારબાદ જ જો ભોજન કે નાસ્તાયોગ હોય તો કશુંક મળે. ક્યારેક ફૂડ-પૅકેટથી કે સાથેના નાસ્તાથી ઇતિશ્રી માનવી પડે. સાંજે પાંચ-સાડાપાંચ વાગ્યે મૅચ પૂરી થાય એટલે તરત જ આંકડાઓની ચકાસણી થાય. કોઈ પ્રેસ કૉન્ફરન્સ રાખી હોય તો તેમાં જવું પડે. કોઈ વિવાદપૂર્ણ વિગત હોય તો એની ખાતરી કરવી પડે અને આ બધું તૈયાર થાય પછી અખબારની કચેરીમાં જવાનું.
એક બાજુ ખેલાયેલી રમતનો અહેવાલ લખવાનો હોય, બીજી બાજુ મેદાન પર બનેલી ચિત્રવિચિત્ર ઘટનાઓ લખવાની હોય અને એની સાથોસાથ રમાયેલી મૅચ પર સમીક્ષા કરવાની હોય. હજી માંડ થોડો શ્વાસ હેઠો બેસે ત્યાં તો મૅચની તસવીરો આવે અને તસવીર પર આકર્ષક શૈલીમાં કૅપ્શન લખવાનાં હોય. આવે સમયે એવું પણ બને કે આમાંથી પરવાર્યા પછી કોઈ ખેલાડીની મુલાકાત માટે જવાનું હોય. આમ મૅચના એ દિવસો ભારે વ્યસ્તતાના દિવસો, પણ આનંદ એટલો કે મૅચની સર્વગ્રાહી માહિતી વાચકને પ્રાપ્ત થતી. કશું બાકી ન રહે.
રમતગમત વિશે કૉલમ લખતાં મનમાં એવો વિચાર જાગે કે વાચકને માહિતી પહોંચાડીએ છીએ, પણ ખરેખર પ્રમાણભૂત માહિતી પહોંચાડીએ છીએ ખરા ? લાઇબ્રેરીના અભાવે મોટા ભાગના લેખકો એમ લખતા કે, ‘અમને યાદ આવે છે કે મન્સૂરઅલી ખાન પટૌડીને ઇંગ્લૅન્ડમાં અકસ્માત થયો હતો.’
હું વિચારતો કે અમને યાદ આવે છે એનો અર્થ એટલો કે અમારી પાસે એ અકસ્માત ક્યાં અને ક્યારે થયો એની કોઈ નિશ્ચિત માહિતી નથી. વાચક તરફની વફાદારી મને વારંવાર એમ કહેતી હતી કે વાચકને પૂરેપૂરી પાકી માહિતી આપવી જ રહી. આને પરિણામે જાતે જ માહિતીસંગ્રહ કરવાનું નક્કી કર્યું. એવાં પાંચ હજાર કવર્સ તૈયાર કર્યાં કે જેમાં વિશ્વની તમામ રમતોની મહત્ત્વની મૅચોની, યાદગાર ઘટનાઓની અને જાણીતા ખેલાડીઓની પૂરેપૂરી માહિતી હોય. વળી મૅચ રમાય અને એ મૅચમાં ખેલાડી જે સિદ્ધિ મેળવે એનું કટિંગ પણ એ કવર્સમાં હોય. ક્રિકેટનાં સામયિકોમાં પ્રગટ થયેલા લેખો હોય. જુદા જુદા ફોટોગ્રાફ હોય અને એ ખેલાડી વિશે લખતી વખતે ‘અમને યાદ આવે છે’ એ લખવાને બદલે ‘1961ની પહેલી જુલાઈની સાંજે મન્સૂરઅલી ખાન પટૌડી ચીની ભોજન લઈને બ્રાઇટન તરફ જતો હતો અને ઑક્સફર્ડ યુનિવર્સિટીની વિકેટકીપર રોબિન વૉટર્સ મોટર ચલાવતો હતો, ત્યારે અકસ્માત થયો’ એમ લખવું જોઈએ. આ રીતે વાચકને માહિતી આપવા માટે આવાં કવર્સ તૈયાર કર્યાં.
એ જમાનામાં મુદ્રણમાં બ્લૉકનો ઉપયોગ થતો એટલે અખબારમાં છપાયા પછી એ બ્લૉક બરાબર ગોઠવીને રાખવા પડતા. પરિણામે જ્યારે જોઈએ ત્યારે લાલા અમરનાથ, ગારફિલ્ડ સૉબર્સ કે ટેડ ડેક્સ્ટરના બ્લૉક્સ તરત મળી જાય. એની સાથોસાથ રમતગમત વિશેનાં પુસ્તકોની ખરીદી પણ શરૂ કરી. ક્યારેક એવું પણ થતું કે આ તો ટકાની ડોશી અને ઢબુ મૂંડામણ જેવું થાય છે. આ લેખમાંથી એટલો પુરસ્કાર નહોતો મળતો કે આટલું ખર્ચ કરવું પરવડે. મારી આ ધૂન કે દ્વિધા પત્રકારત્વના મારા ગુરુ વાસુદેવ મહેતા સમક્ષ રજૂ કરી, ત્યારે એમણે કહ્યું, ‘ગુજરાતી પત્રકારત્વની પ્રાપ્તિમાં બહુ ચિંતા ન કરવી. પોતાનો આનંદ એ મુખ્ય બાબત છે.’
ધીરે ધીરે ક્રિકેટની સમીક્ષાને અખબારમાં એક સ્થાન મળવા માંડ્યું અને વ્યાપક ચાહના સાંપડી. યુવાનોના અનેક પત્રો આવતા એટલે આ રમત વિશેની જિજ્ઞાસા સંતોષવા માટે પ્રવાસી ટીમ ભારતના પ્રવાસે આવે ત્યારે ‘ક્રિકેટજંગ’ના અંકો પ્રગટ કરવાનું નક્કી કર્યું. આ અંકની વિશેષતા એ કે એમાં પ્રવાસી ટીમના ખેલાડીઓની ઘણી અંગત અને અજાણી માહિતી રજૂ કરવામાં આવતી. મૅચ જોવામાં માર્ગદર્શક બને તેવી વિગતો આપવામાં આવતી. એના સંદર્ભમાં ભૂતકાળના રોમાંચક કિસ્સાઓનું આલેખન થતું અને સાથે સાથે એ અંગે થયેલા વિવાદોની સમીક્ષા પણ લખતો. સામાન્ય રીતે આવા અંકોમાં જુદા જુદા લેખકોના લેખ એકત્રિત કરીને મૂકવામાં આવતા, ત્યારે મેં વિદેશી ટીમના પ્રવાસ અને વાચકની જિજ્ઞાસાને અનુલક્ષીને આખો અંક જાતે લખવાનું નક્કી કર્યું. એનું સંપાદન અને પ્રકાશન પણ માથે લીધું. એ સમયે ક્રિકેટ જંગના અંકો ખૂબ લોકપ્રિય બન્યા અને પ્રકાશિત થતાં જ મોટી સંખ્યામાં વેચાવા લાગ્યા.
રમત તરફના મૂળભૂત રસને પોષવા માટે ‘ક્રિકેટ રમતાં શીખો ભાગ – 1, 2’ નામનાં પુસ્તકો ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને મરાઠીમાં પ્રગટ કર્યા અને એ સમયે એ પુસ્તકોની બે લાખથી વધુ નકલો વેચાઈ હતી.
આ રમતપ્રેમમાંથી એક વિશિષ્ટ સર્જન થયું અને તે છે ‘અપંગનાં ઓજસ’, જેમાં શારીરિક મર્યાદાઓ ઓળંગીને સિદ્ધિ મેળવનારા રમતવીરોની કથા આલેખાઈ છે. આ કથામાં દેશવિદેશના રમતવીરોની તો કથા મળી, પરંતુ ગુજરાતના રમતવીરની કથા એક ઝૂંપડાના વિસ્તારમાં વસતા જુવાન પાસેથી મળી. રમતગમત વિશે ઠેર ઠેર પ્રવચનો આપવાનું શરૂ કર્યું. જેથી આ રમત પ્રત્યે લોકોનો લગાવ વધે. ક્યારેક એવું પણ બનતું કે કૉલેજમાં સાહિત્યનું પ્રવચન આપવા ગયો હોઉં અને પ્રવચન પૂરું થાય અને આચાર્ય કહે કે હવે પ્રશ્નોત્તરી શરૂ કરીએ. એ પછી જે પ્રશ્નો આવે તે બધા જ ક્રિકેટના હોય.
કેટલીક અવિસ્મરણીય ઘટનાઓ પણ આ સંઘર્ષકાળ સાથે જોડાઈ છે. કૉલકાતામાં વસતા એક ક્રિકેટના ચાહકે વર્ષો પૂર્વે એક હજાર રૂપિયાની કિંમતનું પુસ્તક ભેટ મોકલ્યું અને અર્પણ પત્રિકામાં લખ્યું કે,
‘One who understand most and
One who writes great
such is Kumarpal Desai and
to whom I present this volume.’
ઇંગ્લૅન્ડમાં મૅચ ચાલતી ત્યારે ઘણી મહેનત પડતી. રાતના દશ કે અગિયાર વાગે મૅચ પૂરી થાય એ પછી મૅચની સમીક્ષા લખું. રાતના બાર વાગે ‘ગુજરાત સમાચાર’માંથી કર્મચારી મૅટર લેવા આવે અને સવારે તો એ સમીક્ષા અખબારમાં પ્રગટ થઈ ચૂકી હોય. એમાં સૌથી અનોખો દિવસ એ કપિલદેવની આગેવાની હેઠળ ભારતીય ટીમે 1983માં મેળવેલા વર્લ્ડ-કપનો બની રહ્યો. રાત્રે અગિયાર વાગે મૅચ પૂરી થઈ. બધે ફટાકડા ફૂટતા હોય ત્યારે સીધો અખબારની કચેરીએ પહોંચી ગયો અને તત્કાળ સમીક્ષા લખીને એ નોંધ પ્રગટ કરી. કપિલદેવનો ફોટોગ્રાફ પણ પ્રગટ કર્યો. જોકે આ બધા ઉત્સાહનું મુખ્ય કારણ તો ‘ગુજરાત સમાચાર’ના તંત્રી શ્રી શ્રેયાંસભાઈ શાહ અને શ્રી બાહુબલિભાઈ શાહ હતા. આવી કોઈ ઘટના બને કે તરત જ શ્રી બાહુબલિભાઈ શાહનો ફોન આવે. બીજા દિવસનું અખબાર નવી વિગતો સાથે પ્રગટ થાય.
એક વાર ભારતીય ટીમના સુકાની મન્સૂરઅલીખાન પટૌડી ખેલાતી મૅચ જોવાને બદલે ડ્રેસિંગ રૂમમાં બેસીને ટીવી પર મૅચ જોતા હતા. ક્રિકેટની રમત તરફની એમની એકાગ્રતા ઓછી થવા લાગી હતી. ટીમમાં બોરડે સાથેના વિવાદને કારણે વિઘટન થતું હતું. સુકાની તરીકેની એની વ્યૂહરચના પાંખી લાગી, આથી એની પાસેથી સુકાનીપદ લઈ લેવું જોઈએ એવું લખ્યું. ભારતીય ટીમને સંગઠિત રાખવા માટે એ આવશ્યક હતું. આ લેખ પછી અનેક ધમકીઓ મળી. મારી નાખવાની પણ વાત થઈ.
એક બીજો પ્રસંગ એ સરદાર વલ્લભભાઈ પટેલ પર કોમવાદી હોવાનો આક્ષેપ કરીને કેટલાક લોકોએ તેઓને કારણે ભારતીય ટીમનું સુકાનીપદ સ્વ. પટૌડીના નવાબને બદલે વિજય મર્ચન્ટને આપવાની ઘટનાને ચગાવી હતી. ખુદ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ એમને પત્ર લખ્યો હતો કે સ્વ. પટૌડીના નવાબ(ઇફ્તિખારખાન)ને સુકાની પદ નહીં સોંપવા પાછળ કોઈ પક્ષપાત થયો છે ખરો ? ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે પંડિત જવાહરલાલ નહેરુ પર લખેલો સ્પષ્ટ અને સચોટ પ્રત્યુત્તર પ્રગટ કર્યો, ત્યારે રમતવિશ્વમાં સનસનાટી સર્જાઈ હતી. પ્રથમ વર્લ્ડકપ સમયે સુનિલ ગાવસકર ઇરાદાપૂર્વક ધીમી રમત રમ્યો હતો તે બાબતની ક્રિકેટ બોર્ડે તપાસ શરૂ કરી હતી. આ સમયે સુનિલ ગાવસકરે પોતાની દેશભક્તિ પ્રગટ કરતો ક્રિકેટ બોર્ડને લખેલો પત્ર મેળવીને જ્યારે પ્રકાશિત કર્યો, ત્યારે ઘણાં ક્રિકેટવર્તુળોમાં એના પ્રત્યાઘાતો પડ્યા હતા. સાચી માહિતી આપવી અને ગોસિપથી દૂર રહેવું એવો ખ્યાલ હોવાથી કપિલદેવ અને ફિલ્મ અભિનેત્રી સારિકાના પ્રણયની કપોળકલ્પિત વાતોને કૉલમ દ્વારા ખુલ્લી પાડીને ક્રિકેટને આવી ચટપટી વાતોથી દૂર રાખવાની હિમાયત કરી. આને પરિણામે રમતગમતના પત્રકારત્વને એક ઊંચું સ્તર આપવામાં સાથી લેખકોના સહયોગથી સફળતા મળી.
ખેડા જિલ્લામાં આવેલ પિજ ગામમાં એક કિલોવૉટની શક્તિ ધરાવતું ટ્રાન્સમિટર મૂકવામાં આવ્યું. જેથી ખેડા જિલ્લાનાં ગામડાંઓમાં ટીવી પર ડિશ ઍન્ટેના વગર સાદા ઍન્ટેનાથી એ જોઈ શકાય. ઇસરોના જોધપુર ટેકરા પર આવેલા સ્પેસ ઍપ્લિકેશન સેન્ટરમાં એક સ્ટુડિયો તૈયાર કરવામાં આવ્યો અને ત્યાંથી ગામડાંઓ માટે શૈક્ષણિક કાર્યક્રમો પ્રસારિત થતા. એ સમયે દૂરદર્શન કેન્દ્રના નિયામક શ્રી અરુણભાઈ શ્રોફને ક્રિકેટની રમતોનું પ્રસારણ કરવાનો વિચાર આવ્યો. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતોની વીડિયો મંગાવીને પિજ ટ્રાન્સમિટર પરથી વહેતી મૂકવાનો નિર્ણય કર્યો. આ કૉમેન્ટરીનું બયાન અંગ્રેજીમાં હોય, તેથી પ્રેક્ષકોને સમજાય નહીં, તેથી ચિત્રાંકિત થઈ ગયેલી મૅચની ગુજરાતીમાં સમજ આપવી તેવું નક્કી કર્યું. આ કામ ઘણું કપરું હતું, કારણ કે ખેલાઈ ચૂકેલી મૅચને પહેલાં જોવી, પછી એની નોંધ તૈયાર કરવી અને ગુજરાતીમાં એને છટા અને માહિતી સાથે પ્રસ્તુત કરવી. ખૂબ મહેનતને પરિણામે એમાં સફળતા મળી. એ મૅચની રજૂઆત વિશે શ્રી અરુણભાઈ શ્રોફે નોંધ્યું છે, ‘મૅચ જાણે એમની સમક્ષ રમાતી હોય એટલી સ્વાભાવિકતાથી, સ્વસ્થતાથી અને મૅચની પરિસ્થિતિને અનુકૂળ એનું વર્ણન કરતા. જરૂર પડે નિષ્ણાત તરીકે બૉલિંગ અને બૅટિંગની ખૂબીઓ સમજાવતા અને પ્રેક્ષકોને રસતરબોળ કરતા. ક્રિકેટના કસબ વિશેનો એમનો અભ્યાસ અને એમના અવાજમાં રહેલી સ્ફૂર્તિ અને હકારાત્મક ભાવ સૌને સ્પર્શી ગયાં.’
સુરતમાં બેસ્ટ સ્પૉર્ટ્સ જર્નાલિસ્ટનો ઍવૉર્ડ મળ્યો, ત્યારે ભૂતપૂર્વ ટેસ્ટ ઓપનર અને ટેસ્ટ સિલેક્ટર અંશુમાન ગાયકવાડ મારતી મોટરે ઍવૉર્ડની અર્પણવિધિ કાજે આવ્યા અને એમણે કહ્યું, ‘આજે હું હિટ વિકેટ થયાનો અનુભવ કરું છું. છેક બાર વર્ષની વયથી જેમનાં લખાણો વાંચતો હતો એમને મારે હાથે ઍવૉર્ડ આપતાં જુદો જ ભાવ અનુભવું છું.’
આ સંઘર્ષની ફળશ્રુતિ શું ? એમાંથી એ સમજાયું કે રમતગમત પણ જીવન જેવી જ છે. જેમ જીવનમાં શિસ્ત, શ્રદ્ધા, એકાગ્રતા, ધ્યેયનિષ્ઠા મહત્ત્વનાં છે, તેવું જ રમતગમતમાં છે. જીવનમાં જેમ ચડતી અને પડતી આવે છે, તે રીતે એક ક્રિકેટરની આજે બોલબાલા હોય અને એ જ ક્રિકેટર બીજે દિવસે કોઈ મહત્ત્વનો કૅચ ચૂકે તો તેનો હુરિયો પણ બોલાવાય. સાક્ષર ગોવર્ધનરામ ત્રિપાઠીએ ‘સરસ્વતીચંદ્ર’માં લખેલા એક વાક્યનું સ્મરણ થાય છે કે કીર્તિ અને અપકીર્તિ એ તો જૂઠાં ત્રાજવાં છે.
જેમ કોઈ કાવ્ય વાંચતાં આનંદ આવે, કોઈ દાર્શનિક વિચારણાથી નવો પ્રકાશ મળે એવો જ એક આનંદ કુશળ બૅટ્સમૅનની રમતમાંથી પણ પ્રાપ્ત થાય. ચાળીસ વર્ષના અનુભવ બાદ રમતગમત વિશે ગ્રંથરચનાનો સુયોગ મળ્યો. મૃત્યુના ભયને બાજુએ મૂકીને રમતક્ષેત્રે ઝઝૂમનારાઓની ગાથા ‘મુઠ્ઠીમાં લીધું મોત’ કે પછી ક્રિકેટરની ટૅક્નિક વિશેનો સર્વગ્રાહી ગ્રંથ ‘ક્રિકેટ’ આજે લખાઈ રહ્યો છે. સંઘર્ષ તો હોય, પણ મજા તો એમાંથી મળતા સર્જન અને આનંદથી આવે. બાકી સુવર્ણને ટિપાવું તો પડે જ ને !