નિસબતનું આકાશ (મારો અસબાબ-16)

વ્યક્તિ મૂલ્યોને પોતાના વ્યવસાયના દાયરામાં બાંધી રાખે છે અને વ્યવસાય પ્રત્યેની કર્તવ્યનિષ્ઠાને જ મૂલ્ય રૂપે જોઈને પોતાની જાતને નાણે છે, પરંતુ પારખવામાં એની સમગ્ર જીવનરીતિમાં મૂલ્ય પ્રગટવું જોઈએ. આવું મૂલ્યપ્રાગટ્ય એને જીવનપડકાર ઝીલવાની શક્તિની સાથોસાથ આંતરિક પ્રસન્નતા અર્પે છે. એના જીવનના પ્રત્યેક કાર્યમાં એ મૂલ્ય જુદું જુદું રૂપ ધારણ કરીને પ્રગટતું હોય છે.

મને પહેલેથી જ આખું આકાશ આંખમાં ભરી લેવાની ઝંખના રહેતી. આકાશમાં એકાદ વાદળને અહીંતહીં ભ્રમણ કરતું નીરખતો, પરંતુ એનાથી ક્યારેય ધરવ થતો નહીં. મનમાં એક જ ઇચ્છા રહેતી અને તે આકાશનું ઊંડાણ અને એનો વ્યાપ પામવાની. પ્રકૃતિમાં જે પસંદ એ જ પ્રવૃત્તિમાં પસંદ. એક ક્ષેત્રની સીમાઓમાં બંધાઈ રહેવાને બદલે ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં ઘૂમવાનું ગમે અને એ રીતે ‘વ્યાપ’નો મનભર, વિચારસમૃદ્ધ અનુભવ થાય. સદ્ભાગ્યે આકાશસમગ્રને આંખમાં ભરી લેવા માટે એક દૃષ્ટિ મળી અને તે છે મૂલ્ય સાથેની નિસબત. સંકીર્ણતાનો ત્યાગ કરીને વ્યાપક ભૂમિકા પર વિચાર કરવાની વૃત્તિ જાગી અને એની સાથે મૂલ્યને કેન્દ્રમાં રાખીને જીવનના આચાર-વિચાર ઘડાય એવી પ્રતીતિ થઈ.

મૂલ્ય સાથેની નિસબત સાહિત્ય, પત્રકારત્વ, શિક્ષણ, ધર્મદર્શન અને રમતગમતમાં નોખી નોખી રીતે પ્રગટ થઈ. એક અર્થમાં કહું તો મૂલ્ય સાથેની નિસબતે જ જીવનપંથની રચના કરી. જીવનની નિસબત એ જ સાહિત્યની નિસબત બની. આ મૂલ્યદૃષ્ટિએ જીવનના આકાશમાં કેટલાંય મેઘધનુષ્યો રચ્યાં અને પ્રવૃત્તિના કેટલાય આનંદરંગો રેલાવ્યા.

એમાં પ્રથમ વિચાર એ કર્યો કે પિતાના નામના સહારે આગળ આવવું નથી. નાની વયથી જ મનમાં થતું કે હું કંઈક લખું. એ સમયે બાળસાપ્તાહિક ‘ઝગમગ’ની જાહોજલાલી હતી. ‘ગુજરાત સમાચાર’ કરતાં પણ એની વધુ નકલ પ્રકાશિત થતી. એમાં વાર્તા મોકલી. ‘જયભિખ્ખુ’ના પુત્ર હોવાને કારણે એ પ્રકાશિત થાય તે તો ગમે નહીં. ‘જયભિખ્ખુ’નું મૂળ નામ બાલાભાઈ હતું. કદાચ બાલાભાઈ નામ લખવાથી તંત્રીને ખ્યાલ આવી જાય તો ? તેથી કુ. બા. દેસાઈના નામે વાર્તા મોકલી. વાર્તા સ્વીકારાઈ અને આનંદ થયો.

વાસ્તવમાં આપબળે પ્રગતિ પ્રાપ્ત કરવાનું બળ પણ પિતા પાસેથી જ પ્રાપ્ત થયું હતું. ‘જયભિખ્ખુ’ના બે સિદ્ધાંતો હતા. એક જીવનમાં કદી નોકરી કરવી નહીં અને બીજું પૈતૃક સંપત્તિ લેવી નહીં અને પુત્રને સંપત્તિ આપવી નહીં. પરિણામે પ્રારંભથી જ સ્વબળે આગળ વધવાનો પુરુષાર્થ કરતો રહ્યો. આને કારણે જ સાહિત્યની સાથોસાથ ક્રિકેટ વિશે લખવાનું શરૂ કર્યું. ‘જયભિખ્ખુ’ પોતાની યુવાનીમાં હૉકીની રમત રમ્યા હતા, પરંતુ ક્રિકેટ તરફ ક્યારેય કોઈ રુચિ નહીં. આથી ક્રિકેટ અને અન્ય રમતો વિશે સમીક્ષા લખવાનું શરૂ કર્યું. જેથી કોઈ કહી ન શકે કે આ લખાણ પર પિતાની છાયા છે ! માત્ર જે કોઈ ક્ષેત્રમાં જવું ત્યાં કોઈની આંગળી પકડીને ચાલવાને બદલે આપબળે પ્રગતિ કરવી તેવો મક્કમ નિશ્ચય કર્યો અને તેથી શિક્ષણ હોય કે ધર્મદર્શન – પણ ક્યારેય કોઈની આંગળી પકડીને આગળ વધવાનો પ્રયાસ કર્યો નથી.

શિક્ષણમાં જોયું કે અધ્યાપક વિદ્યાર્થીઓ પાસે લાઇટબિલ ભરાવતા હોય, ઘરનાં શાકભાજી મંગાવતા હોય, સામયિકો પર સરનામાં કરાવતા હોય અથવા તો કોઈ બહાને કાર્યક્રમ રચીને વિદ્યાર્થીઓ પાસેથી રકમ પડાવતા હોય. પહેલેથી જ વિદ્યાર્થીઓ પાસે કોઈ પણ પ્રકારનું અંગત કામ કરાવવું નહીં તેવો દૃઢ આગ્રહ અને એને કારણે વિદ્યાર્થીઓનાં પ્રેમ અને આદર પુષ્કળ મળી રહ્યાં. ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિભાગમાંથી વિદાય લીધી ત્યારે વિદ્યાર્થીઓએ ઘણા સ્નેહથી વિદાય સમારંભનું આયોજન કરવાનો વિચાર કર્યો. મેં માત્ર એમને વિદાયની ભેટ રૂપે રક્તદાન કરવાનું કહ્યું અને એ દિવસે એકસો જેટલા વિદ્યાર્થીઓએ રક્તદાન કરીને વિદાય આપી. શિક્ષણના ક્ષેત્રમાં સામાન્ય રીતે અભ્યાસક્રમ માટે પુસ્તકો નિયત કરતી વખતે ઘણા અધ્યાપકો પોતાનાં કે પોતીકા પ્રકાશકનાં પુસ્તકો અભ્યાસક્રમમાં મૂકતા. પ્રકાશક પણ આવી મિટિંગ પૂર્વે પુસ્તકોનો ઢગલો ખડકી જતા. ગુજરાતીની અભ્યાસક્રમ સમિતિનો અધ્યક્ષ હતો, ત્યારે એક પ્રકાશક ‘નિયમ’ મુજબ પુસ્તકોનો ઢગલો લઈને આવ્યા, તેઓ પરિચિત હોવા છતાં ધમકાવીને કાઢી મૂક્યા. વળી કોઈ પણ પ્રકારના જૂથમાં રહ્યા વગર માત્ર શિક્ષણકાર્ય કર્યું અને તેને પરિણામે ગુજરાત યુનિવર્સિટીની આર્ટ્સ ફૅકલ્ટીના ડીન જેવો હોદ્દો મળ્યો, તે આજના રાજકારણ અને જૂથબંધીના સમયમાં કેટલી બધી પ્રસન્નતાની વાત કહેવાય !

રમતગમત ક્ષેત્રે લખવાનું શરૂ કર્યું, ત્યારે મનમાં એ સ્પષ્ટ ખ્યાલ કે કોઈ પણ રમતસંસ્થાનો કોઈ હોદ્દો સ્વીકારવો નહીં. રમત ઍસોસિયેશનનો કોઈ હોદ્દો હોય ત્યારે ઘણી વાર સ્વાભાવિક રીતે જ કલમ એની વિરુદ્ધ દિશામાં ચલાવી શકાતી નથી. ક્રિકેટથી માંડીને જૂડો સુધી ઘણાં ઍસોસિયેશનોએ એક યા બીજા હોદ્દા માટે આગ્રહ કર્યો, પણ કલમનું સ્વાતંત્ર્ય જળવાઈ રહે તે માટે આજ સુધીમાં કોઈ હોદ્દો સ્વીકાર્યો નથી, એ જ રીતે રમતગમતના પત્રકારત્વમાં હંમેશાં કોઈ ‘ગૉસિપ’ને આધારે લખ્યું નથી. એક સમયે અખબારોમાં ભારતીય ઑલરાઉન્ડર કપિલદેવ અને અભિનેત્રી સારિકાના સંબંધોની વાતો ઘણી ચગી હતી. એક સામયિકના તંત્રીએ આ વિશે લખવા કહ્યું. હું જાણતો હતો કે કપિલદેવને સારિકા સાથે સામાન્ય મૈત્રીથી કોઈ વિશેષ સંબંધ નથી. બંને નજીકનાં ગામવાસી હોવાથી પરિચય હતો. આથી આ પ્રકારનો ‘ગરમાગરમ’ લેખ લખવાની સ્પષ્ટ ના પાડી. એ જ રીતે સ્પોર્ટ્સમાં જે કંઈ લખ્યું તે નિર્ભયતાથી લખ્યું પણ ખરું. ભારતીય ક્રિકેટમાં એક સમયે સુકાની મન્સૂર અલી ખાન પટૌડી ટીમ પર પૂરતું ધ્યાન આપતો નહોતો. મૅચ વખતે પેવેલિયનમાં બેસીને રમત જોવાને બદલે એ ડ્રેસિંગ રૂમમાં બેસીને ટેલિવિઝન પર મૅચ જોતો હતો. એ સમયે પટૌડીનું નામ ચોતરફ જાણીતું હતું તેમ છતાં એની પાસેથી સુકાનીપદ લઈ લેવું જોઈએ એ પ્રકારનો લેખ લખ્યો હતો, જે માટે મારી નાખવા સુધીની ધમકીઓ મળી હતી.

સાહિત્યના ક્ષેત્રમાં પણ હંમેશાં મૂલ્યલક્ષી સાહિત્યની રચના કરી. સાહિત્યસર્જનમાં એવા વિષયો પસંદ કર્યા કે જેમાંથી કોઈ ને કોઈ મૂલ્ય ઊપસી આવતું હોય. કૉલેજના અભ્યાસકાળ સમયે ‘લાલ ગુલાબ’ નામે લાલબહાદુર શાસ્ત્રીનું જીવનચરિત્ર લખ્યું અને એની 60,000 જેટલી નકલો વેચાઈ ગઈ. એ પછી નવલિકા, ચરિત્ર, સંશોધન, વિવેચન, અનુવાદ, બાળસાહિત્ય અને પ્રૌઢસાહિત્યની રચના કરી. પંદર જેટલાં સંપાદનો કર્યાં, પણ આ બધાંની પાછળ કોઈ મૂલ્યને અનુલક્ષીને સર્જન કરવું એવો ભાવ સતત રહેતો. જીવનમાં મૂલ્યલક્ષિતા પસંદ હોવાથી ચરિત્રલેખનમાં વિશેષ આનંદ આવ્યો. 108 ગ્રંથોના રચયિતા બુદ્ધિસાગરસૂરિ કે વિરલ આત્મસાધના કરનાર કૈલાસસાગરસૂરિ જેવા સાધુઓનાં ચરિત્રો અથવા તો આફ્રિકામાં જઈને એક સૈકા પહેલાં આફ્રિકનોને વેપાર શીખવનાર પ્રેમચંદ વ્રજપાળ શાહના ચરિત્રની રચના કરી.

એક વાર મારે ત્યાં સર્જક ‘ધૂમકેતુ’ આવ્યા હતા. એમણે કહ્યું કે મીરાં હિંદુઓ પાસે હતી તો જગતની કવયિત્રી બની અને આનંદઘન જૈનો પાસે હતા તેથી સાવ ભુલાઈ ગયા. એમની આ ટકોરના પરિણામે આનંદઘનનાં પદો અને સ્તવનો વાંચવાનું બન્યું. એની આધ્યાત્મિક ઊંચાઈ સ્પર્શી ગઈ. ચારસો જેટલી હસ્તપ્રતોને આધારે ડૉ. ધીરુભાઈ ઠાકરના માર્ગદર્શન હેઠળ મહાનિબંધ તૈયાર કર્યો. પં. બેચરદાસ દોશી અને ભોગીલાલ સાંડેસરા જેવા સંશોધકોની ચકાસણીમાં એ મહાનિબંધ સફળ પુરવાર થયો. પછી તો લેખનયાત્રા સાથે સંશોધન-ખેપ ચાલતી રહી.

મહાયોગી આનંદઘનના આ અભ્યાસે એક નવી દિશા ખોલી આપી. તેને પરિણામે જૈનદર્શનનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. જૈનદર્શન જીવનધ્યેયને વધુ અનુરૂપ બની રહ્યું. રૂઢ ક્રિયાકાંડ કે પ્રચલિત માન્યતાને બદલે દર્શનના પ્રકાશમાં શાશ્વત મૂલ્યોને પામવાની મથામણ શરૂ થઈ. આને પરિણામે પ્રવચનો, લેખો, ગ્રંથો અને વિદેશપ્રવાસ શરૂ થયા. તત્ત્વજ્ઞાનના અભ્યાસે જીવન જોવાની નવી દૃષ્ટિ અને પ્રસન્ન રહેવાની ઘણી ખૂબીઓ આપી. અનેકાંતવાદના અભ્યાસે સંઘર્ષને બદલે સંવાદ રચવાની વિરલ સમજણ આપી. ભિન્ન ભિન્ન ક્ષેત્રના ઉત્કૃષ્ટ માનવીઓને જોયા પછી આપોઆપ પોતાના કાર્ય વિશે નમ્રતાનો ભાવ રહ્યો. ઇંગ્લૅન્ડના ડ્યૂક ઑવ્ એડિનબરો પ્રિન્સ ફિલિપ, વૅટિકનના પોપ જ્હૉન પૉલ (દ્વિતીય) અને દક્ષિણ આફ્રિકાના નેલ્સન મંડેલા જેવી વ્યક્તિઓને મળવાની અને તેમની સાથે ચર્ચા કરવાની તક મળી. બકિંગહામ પૅલેસમાં ડ્યૂક ઑફ એડિનબરોની મુલાકાત પૂર્વે બે દિવસ સુધી જુદી જુદી મિટિંગોમાં કયા પ્રવેશદ્વારેથી બકિંગહામ પૅલેસમાં પ્રવેશવું, ક્યાં ભેગા થવું, કેવો પોશાક પહેરવો, કઈ રીતે હસ્તધનૂન કરવું અને કયા નંબરની ખુરશી પર બેસવું એના માટે બેઠકો મળી. એ બકિંગહામ પૅલેસમાં પ્રવેશ્યો ત્યારે મહાત્મા ગાંધીજીનું સ્મરણ થયું કે માત્ર ટૂંકી પોતડી અને ચાદરના પહેરવેશમાં આવેલા મહાત્માજીનું આત્મબળ કેવું અદ્ભુત હશે ! ડ્યૂક ઑફ એડિનબરો પ્રિન્સ ફિલિપ મહેલમાં રહેલી કલાકૃતિઓ વિશે માહિતી આપે, થોડી હળવાશથી વાત કરે અને જ્યારે એમને ‘જૈન ધર્મમાં પર્યાવરણની ઘોષણા’ એ પુસ્તક આપ્યું ત્યારે એ પુસ્તક જોયા બાદ પ્રશ્ન કર્યા કે, તમારા ધર્મમાં પર્યાવરણનો આટલો ગહનતાથી વિચાર થયો છે પણ એ માટે કયા કયા કાર્યક્રમો હાલ અમલમાં છે ? ઊંચી ભાવનાઓ રાખવાથી કશું મળતું નથી. એનું અમલીકરણ મહત્ત્વનું છે એ વાત તે દિવસે સમજાઈ. નેલ્સન મંડેલાએ વિશ્વધર્મ પરિષદમાં વક્તવ્ય આપ્યું ત્યારે મંચ પર એક પણ અંગરક્ષક નહોતો. વળી વક્તવ્ય આપ્યા બાદ તેઓ સામે ચાલીને મળવા આવ્યા. એ જ રીતે પોપ જ્હૉન પૉલ (દ્વિતીય) એ જે સ્નેહથી મહાત્મા ગાંધીજીને સંભાર્યા અને જૈન ધર્મનાં પુસ્તકોનો સમાદરપૂર્વક સ્વીકાર કર્યો તે પણ હૃદયને સ્પર્શી ગયું. સમગ્ર વિશ્વમાં ઠેર ઠેર આવી નમ્ર વ્યક્તિઓ જોવા મળી. સાઠ લાખ ડૉલરના ખર્ચે દેરાસરનું નિર્માણ કરનાર વ્યક્તિ ન્યૂયૉર્કમાં સામાન્ય ઍપાર્ટમેન્ટમાં રહેતી હોય અને એ દેરાસરમાં પોતાનું ક્યાંય નામ ન રાખવું તેવી શરત કરતી હોય, આવી વ્યક્તિઓ પાસેથી જીવનનો એક જુદો રંગ જોવા મળ્યો. છેલ્લાં વીસ વર્ષમાં ત્રીસ જેટલી વિદેશયાત્રાઓમાં અમેરિકા, ઇંગ્લૅન્ડ, કૅનેડા, બેલ્જિયમ, કેનિયા, હૉંગકૉંગ, સિંગાપોર, દુબઈ, શારજાહ જેવા દેશોમાં જવાનું થયું અને માનવતાની વાતો કરી.

ધર્મમાં પ્રવર્તેલી અંધશ્રદ્ધા, ગતાનુગતિકતા કે ભ્રમણાઓની વાત થાય ત્યારે ક્યારેય કશી બાંધછોડ ન કરતાં તેનો સ્પષ્ટ વિરોધ કર્યો. પણ એની સાથોસાથ ધર્મના વ્યાપક સ્વરૂપ પર જીવનની ગતિ થાય તે માટે માનવકરુણાનાં કાર્યો કે ગ્રંથાલયોની રચનાને મહત્ત્વ આપ્યું. આનું પરિણામ એ આવ્યું કે ગુજરાતના ભૂકંપ વખતે માત્ર બે જ સંસ્થાઓને પત્ર લખ્યા અને પંદર લાખ જેટલી રકમ મળી. ન્યૂ ઑર્લિયન્સ સ્ટેટમાં કૅટરિના સ્ટૉર્મ વખતે હ્યુસ્ટનમાં સભામાં પાંચેક મિનિટના પ્રવચનને કારણે એ સંસ્થાને ઘણી મોટી રકમ પ્રાપ્ત થઈ. આમ ધર્મ એ આત્મપ્રગતિ અને માનવકલ્યાણ બંનેના સાયુજ્યથી ચાલે છે તે વાત પર સતત ભાર આપતો રહ્યો.

પત્રકારત્વમાં લેખનનો પ્રારંભ કર્યો, ત્યારે એવું નક્કી હતું કે વ્યક્તિના જીવનને ઊર્ધ્વગામી બનાવે તેવું પ્રેરક લખાણ લખવું. પછી તે ‘ઈંટ અને ઇમારત’, ‘પારિજાતનો પરિસંવાદ’, ‘આકાશની ઓળખ’ હોય કે ‘ઝાકળ બન્યું મોતી’ હોય. પત્રકારત્વમાં ઘણા પ્રવાહો પલટાઈ ગયા. હિંસા અને જાતીયતાનું પ્રાધાન્ય પણ આવ્યું, તેમ છતાં આ કૉલમ્સ એ જ જીવનઘડતરના ઝોક સાથે લખી રહ્યો છું. વળી ક્યારેય કોઈ વ્યક્તિ કે સંસ્થાને ખુશ કરવા માટે એક લખાણ પણ લખ્યું નથી. એ જ રીતે ‘ઈંટ અને ઇમારત’ કૉલમમાં આવતી ‘પ્રસંગકથા’ કે ‘ગુજરાત ટાઇમ્સ’માં આવતાં ‘પાંદડું અને પિરામિડ’માં મોટા મોટા રાજકારણીઓ વિશે લખતાં ક્યારેય અચકાયો નથી. પ્રજાનો અવાજ રજૂ કરવા નિર્ભીક પ્રયત્ન કર્યો છે અને આથી જ આવા ટીકાકારને સરકારે ‘પદ્મશ્રી’ આપ્યો, ત્યારે સાનંદ આશ્ચર્ય પણ થયું હતું. અખબારમાં છપાયેલાં લખાણોને સીધેસીધા પુસ્તક રૂપે પ્રગટ કરવામાં આવે તેવું ઘણી વાર જોવા મળે છે. હું કોઈ પણ પુસ્તક લખું ત્યારે અખબારમાં પ્રગટ થયેલાં જ લખાણો ફરીથી લખી, સુધારીને તૈયાર કરું છું. આથી આજે પરિસ્થિતિ એ છે કે છેલ્લાં 63 વર્ષથી પણ વધુ સમયથી ‘ઈંટ અને ઇમારત’ કૉલમ લખું છું, પરંતુ તેનો સંગ્રહ અદ્યાપિ પ્રગટ કરી શક્યો નથી. અખબારનાં પાનાં અને સાહિત્યના પુસ્તક વચ્ચેનાં પાનાંનો ભેદ પારખવામાં માનું છું.

મારા પિતા ‘જયભિખ્ખુ’ જે વિસ્તારમાં રહેતા એ વિસ્તારની સુખાકારીની હંમેશાં ચિંતા કરતા. એ સમયે અમદાવાદના અત્યંત દૂરના વિસ્તારમાં નગરપાલિકાની વીજળીના થાંભલા લાવવા માટે, રસ્તો બનાવવા માટે, મચ્છરોથી થતી પારાવાર હાલાકી દૂર કરવા માટે અને મ્યુનિસિપલ બસ દોડાવવા માટે એમણે અથાગ પ્રયત્નો કર્યા હતા. માતા જયાબહેનને ગરીબો પ્રત્યે અપાર હમદર્દી હતી. ઘરની પાસેથી કોઈ ચપટી લોટ લીધા વિના જાય તો એ એને ખૂંચતું હતું. કોઈ જરૂરિયાતવાળી વ્યક્તિ આવે તો પહેલાં પ્રેમથી બેસાડે. કુટુંબીજનની માફક ચા-નાસ્તો આપે. એના દુઃખની વાત સાંભળે. ક્યાંક સાચી સલાહ પણ આપે, પરંતુ જે મદદ કરવાની હોય તે કશુંય બોલ્યા વિના એના હાથમાં મૂકી દે. આ જ મૂલ્ય કે ભાવના સાથે જીવનમાં આગળ ધપાવવાનું નક્કી કર્યું. પરિણામે ઇન્ડિયન રેડક્રૉસ સોસાયટી(બોટાદ બ્રાન્ચ)ના પ્રમુખ તરીકે 30 વર્ષથી વધુ સમય આંખનાં વિનામૂલ્યે ઑપરેશન થાય તેમાં મદદ કરી. આઈ કૅર ફાઉન્ડેશનના ઇન્ટરનેશનલ ડાયરેક્ટર તરીકે પછાત વિસ્તારોની નિશાળોમાં આંખોની સંભાળ માટેની શિબિરો યોજી. સુલભ હાર્ટ ઍન્ડ હેલ્થ કૅર ફાઉન્ડેશન, અનુકંપા ટ્રસ્ટ જેવી જુદી જુદી સંસ્થાઓ દ્વારા માનવકલ્યાણનું કાર્ય ચાલુ રાખ્યું. શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટમાં લેખક સહાયક નિધિનું આયોજન કર્યું, જેમાં ગરીબ, અશક્ત કે વૃદ્ધ સર્જકને સહાય આપવામાં આવે છે. આમાં સર્જકે કોઈ અરજી કરવાની હોતી નથી. એને ત્યાં પહેલી તારીખનો ચેક પહેલી તારીખ પૂર્વે પહોંચી જાય છે. એ જ રીતે શ્રીમદ્ રાજચંદ્ર સેવા કેન્દ્ર દ્વારા મૂક-બધિર બાળકો માટે કાર્ય શરૂ કર્યું છે. આમ શબ્દમાં આલેખાયેલી માનવતા કાર્યમાં સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો.

જીવનમાં કયું મૂલ્ય અપનાવવા જેવું છે અને તેને માટે જીવનનો માર્ગ કેવો હોવો જોઈએ તે ઘણી વ્યક્તિઓ માટે શોધનો નિયમ છે, જ્યારે મને તે આસાનીથી પ્રાપ્ત થયો. ઈ. સ. 1969ની 24મી ડિસેમ્બરે પોતાની ડાયરીમાં સર્જક જયભિખ્ખુએ લખેલા વિદાય સંદેશમાં એમનાં અંતિમ વાક્યો હતાં : ‘પારેવાંને જાર નાખવી, બને તેટલું તીર્થાટન કરવું, ગરીબોની સેવા કરવી અને સહુએ અગરબત્તી જેવું જીવન જીવવું.’

પિતાનો અંતિમ સંદેશ મારો જીવનસંદેશ બની રહ્યો અને જીવનનું આવું આકાશ મળી જતાં આપોઆપ મૂલ્યદૃષ્ટિ પ્રાપ્ત થઈ ને માર્ગ જડી ગયો.

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑