લોભી જમીનદારે ખોટા દસ્તાવેજો ઊભા કરીને એક વૃદ્ધાનું ખેતર પચાવી પાડ્યું. વૃદ્ધાને માથે આકાશ તૂટી પડ્યું. ખેતર એ એનો બુઢાપાનો સહારો હતું. એની આજીવિકાનો સવાલ ઊભો થયો. વૃદ્ધા સરપંચ પાસે ગઈ, પણ પ્રપંચમાં નિષ્ણાત સ૨પંચે એની વાત કાને ધરી નહીં. ગામના મહાજન પાસે ગઈ, પરંતુ મહાજન જમીનદારની સામે થવા માગતું ન હતું. કેટલાક સજ્જનોએ જમીનદારની વર્તણૂકની આકરી ટીકા કરી, પરંતુ કોઈએ જમીનદારને સાચું કહેવાની હિંમત દાખવી નહીં.
બધેથી નિરાશ થયેલી વૃદ્ધા હિંમત કરીને સ્વયં જમીનદાર પાસે પહોંચી ગઈ. જમીનદારે તો કલ્પના પણ નહોતી કરી કે આ વૃદ્ધા એની સામે અને એના ઘેર આવવાની હિંમત કરશે. વૃદ્ધાએ જમીનદારને કહ્યું, ‘જુઓ, તમે શક્તિશાળી છો. તમે મારું ખેતર ખોટા દસ્તાવેજો કરીને પડાવી લીધું છે તે હું જાણું છું, પરંતુ હું તે ખેતર પાછું માગવા આવી નથી, માત્ર એક વિનંતી કરવા આવી છું.’
વૃદ્ધાની વાત સાંભળીને જમીનદારને પારાવાર આશ્ચર્ય થયું. એણે તો ધાર્યું હતું કે વૃદ્ધા રોકકળ કરશે, છાતી કૂટશે, લોકોને ભેગા કરશે અને એને બદનામ ક૨વાનો પ્રયાસ ક૨શે. જમીનદારે કહ્યું, ‘કઈ વિનંતી છે તમારી ?’
વૃદ્ધાએ કહ્યું, ‘જુઓ, આ ખેતર સાથે માત્ર મારી આજીવિકા જોડાયેલી જ નહોતી, પરંતુ એની સાથે મારો હૃદયનો સબંધ જોડાયેલો છે. હવે જ્યારે તમે આ ખેતર પચાવી પાડ્યું છે, ત્યારે મારી માત્ર એટલી જ ઇચ્છા છે કે મને એક ટોપલામાં ખેતરની માટી લેવા દો. એનાથી મને અતિ સંતોષ થશે. મારા ખેતરની માટીનો ટોપલો સદા મારી પાસે રાખીશ.’
જમીનદારે વિચાર્યું કે આવું કરવામાં તો કશો વાંધો નથી, એટલે એણે ખેતરમાંથી માટી લેવાની અનુમતિ આપી, પરંતુ સાથોસાથ એમ થયું કે આમ કરીને આ વૃદ્ધા કોઈ પેંતરો તો અજમાવતી નથી ને ! આથી એ સ્વયં ખેતરમાં ગયો અને જોયું તો વૃદ્ધા અત્યંત રૂદન કરતી-કરતી માટી લઈને ટોપલામાં નાખતી હતી. ટોપલો ભરાઈ ગયા પછી વૃદ્ધાએ જમીનદારને કહ્યું કે આ ટોપલો માથે ચડાવવા હાથ આપે.
જમીનદારે કહ્યું, ‘અરે ! તું સાવ વૃદ્ધ છે. માટીના ટોપલાનો ભાર માથા પર ઊંચકીશ, તો મરી જઈશ.’
વૃદ્ધાએ કહ્યું, ‘જો હું માટીનો એક ટોપલો ઉઠાવીને મરી જાઉં તેમ હોય, તો તમે આખા ખેતરનો બોજ ઉઠાવીને કઈ રીતે જીવતા રહેશો ?
વૃદ્ધાનાં આ વાક્યોએ જમીનદારની આંખો ખોલી નાખી. એણે ક્ષમા માગી અને ખેતર વૃદ્ધાને પાછું આપ્યું.