વિશાળ રાજ્યમાં અતિ સન્માનિત રાજપુરોહિતના મનમાં એક વાર એવો વિચાર જાગ્યો કે સહુ કોઈ એમને ક્યા કારણે આટલું બધું સન્માન આપે છે? રાજ્યમાં મુખ્ય પુરોહિતનું ગૌરવપૂર્ણ પદ ધરાવતા હોવાથી સ્વયં રાજા એમનાં ચરણસ્પર્શ કરે છે, તેથી એમને સર્વત્ર સન્માન પ્રાપ્ત થાય છે ? કે પછી એમનાં જેવાં શાસ્ત્રોના પ્રકાંડ પંડિત સમગ્ર દેશમાં અન્ય કોઈ નથી, તેથી અપૂર્વ આદર મળે છે? અથવા તો એમનું જીવન અને વર્તન સજ્જનોને માટે દૃષ્ટાંતરૂપ છે, માટે લોકો એમને સન્માન આપે છે. ?
રાજપુરોહિતે મનોમન નક્કી કર્યું કે પદની પ્રતિષ્ઠા, અગાધ વિદ્વત્તા અને ઉમદા સદાચરણ- એ ત્રણમાંથી કઈ બાબતને કારણે લોકો વિશેષ સન્માન આપે છે, તેની તપાસ કરવી. એનો તાગ મેળવવા માટે એમણે સ્વયં એક યોજના બનાવી અને રાજદરબારમાંથી પાછા વળતી વખતે રાજભંડારના અધિકારીને બોલાવ્યા અને રાજભંડારમાંથી ચૂપચાપ એક સોનામહોર લઈને ખિસ્સામાં મૂકીને ચાલવા લાગ્યા.
અધિકારીને આશ્ચર્ય થયું, પણ એમણે વિચાર્યું કે આવા સમર્થ રાજપુરુષ રાજભંડારમાંથી રાજાની અનુમતિ વિના એકાદ સોનામહોર લઈ લે, તેથી શું થયું ? એમાં કંઈ આકાશ તૂટી પડતું નથી, પરંતુ બીજે દિવસે ફરી આ ઘટનાનું પુનરાવર્તન થયું અને આ સમયે રાજપુરોહિતે એકને બદલે બે સોનામહોર રાજભંડારમાંથી લઈને પોતાના ખિસ્સામાં સેરવી દીધી.
રાજકોશના અધિકારીએ એમ વિચારીને મન વાળી લીધું કે જરૂ૨ કોઈ પ્રયોજન હોવું જોઈએ, કે જેને કારણે રાજપુરોહિતે આવું કર્યું હશે. પણ ત્રીજે દિવસે રાજપુરોહિતે મુઠ્ઠી ભરીને સુવર્ણમુદ્રાઓ ખિસ્સામાં સેરવી દીધી, આથી રાજકોશના અધિકારીથી રહેવાયું નહીં. એમને લાગ્યું કે હવે તો રાજપુરોહિતે હદ વટાવી દીધી. આથી એમણે રાજપુરોહિતને પકડીને સૈનિકોને હવાલે કર્યા. વાત છેક રાજા સુધી પહોંચી.
રાજાએ ન્યાય આપતાં કહ્યું, ‘રાજભંડારમાંથી ત્રણ વાર સ્વયં રાજપુરોહિતે સુવર્ણમુદ્રાની ચોરી કરી છે. એમના આ દુરાચરણ માટે એમને ત્રણ મહિનાની કેદ ફરમાવવામાં આવે છે, જેથી ફરી તેમના જેવી પ્રતિષ્ઠિત વ્યક્તિ આવો ગુનો કરે નહીં.’
રાજાની સજા સાંભળતાં રાજપુરોહિતને પોતાના મનના સવાલનો ઉત્તર મળી ગયો. એમણે રાજાને કહ્યું, ‘રાજન્ ! હું ચોર નથી, ચોરી કરવાનો કોઈ ઇરાદોય નહોતો. સ્વયં મારી પાસે સારી એવી સંપત્તિ છે, પરંતુ હું જાણવા માગતો હતો કે લોકો મને સન્માન આપે છે, એનું કારણ રાજપુરોહિતપદની પ્રતિષ્ઠા છે, મારું પ્રકાંડ પાંડિત્ય છે કે પછી સદાચરણ છે ? હવે મને સમજાયું કે આ ત્રણેય બાબતમાં સૌથી મહત્ત્વની બાબત એ સદાચરણ છે. સદાચરણ છોડતાં જ હું સજાનો અધિકારી બન્યો. આમ મને ખ્યાલ આવ્યો કે રાજા અને પ્રજાના સન્માનનું મૂળ કારણ આ સદાચરણ છે. મારા દુરાચરણ માટે તમે આપેલી સજાનો હું સ્વીકાર કરું છું.’
રાજપુરોહિતે હસતે મુખે, કાયદા મુજબ ત્રણ મહિનાની જેલ સ્વીકારી, પણ સાથે સમજાયું કે પદ અને પ્રતિષ્ઠા કરતાં સદાચરણ ચડિયાતું અને મહાન છે.