પહેલાં પ્રજાના પેટની આગ બુઝાય, પછી જ રાજભંડાર ભરાય !

દક્ષિણ ભારતના વીરસેન નામના રાજાના રાજ્યમાં વસતો વિષ્ણુદેવ બ્રાહ્મણ ભિક્ષા માગીને જીવન પસાર કરતો હતો. વિષ્ણુદેવ અત્યંત નિર્ધન હતો. વળી પત્ની અને ચાર પુત્રોના પરિવારના ભરણપોષણની જવાબદારી એના માથે હતી.

એક વાર રાજ્યમાં કારમો દુષ્કાળ પડ્યો અને વિષ્ણુદેવને મળતી ભિક્ષા બંધ થઈ ગઈ. જ્યાં લોકોને પોતાને ખાવાના સાંસા હોય, ત્યાં વળી ભિક્ષા કોણ આપે ? વિષ્ણુદેવનાં બાળકો બે દિવસથી ભૂખ્યાં હતાં, પણ કરે શું ? ત્રીજે દિવસે પણ ભિક્ષા માગવા ગયેલા વિષ્ણુદેવ ખાલી હાથે પાછા ફર્યા. એમની પત્નીએ બાળકોની દયનીય હાલતની વાત કરીને કહ્યું, ‘હવે ભૂખનું દુઃખ સહ્યું જતું નથી. કોઈ માતા પોતાની નજર સામે પોતાનાં બાળકોને ભૂખે મરતાં જોઈ શકે નહીં. કંઈ પણ કરો, પણ આ બાળકોનાં પેટ ભરો.’

પત્નીની આ વાત સાંભળીને વિષ્ણુદેવ તમતમી ઊઠ્યા અને બોલ્યા, ‘શું કરું ? ક્યાંથી અન્ન લાવું ? શું ચોરી કરું ?’

એમની પત્નીએ કહ્યું, ‘હા, જરૂર પડે ચોરી કરો, ધાડ પાડો. ગમે તે થાય, પણ પેટની આગ ઠારો.’

વિષ્ણુદેવે પત્નીને સમજાવવા ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ એણે તો એક જ વાત કરી કે ‘ભૂખથી ટળવળતાં બાળકોને માટે કોઈ પણ ઉપાયે અન્ન લાવો’. રાત્રે વિષ્ણુદેવ ગુપચૂપ રાજમહેલના ભંડારમાં પહોંચ્યા. ભંડારમાં સોના, ચાંદીનાં આભૂષણો અને અનાજના ઊંચા ઊંચા ઢગ જોઈને એમની આંખો ચકિત થઈ ગઈ. પોતાની પાઘડી ઉતારી, એમાં અનાજનું પોટલું બાંધીને ઝડપથી બહાર નીકળી ગયા. ઘેર પાછા આવ્યા પણ એમને ઊંઘ આવી નહીં. એમનો અંતરાત્મા ડંખવા લાગ્યો. પોતે આવી ચોરી કરી ? મોટી ભૂલ કરી ! વહેલી સવારે વિષ્ણુદેવ સીધા રાજમહેલમાં પહોંચી ગયા અને રાજા પાસે અનાજની ચોરી કરવાના કરેલા અપરાધની વાત કરીને ઉચિત સજા ક૨વા કહ્યું.

વિષ્ણુદેવની વાત સાંભળીને રાજા ઊંડા વિચારમાં ડૂબી ગયા. થોડી વારે બોલ્યા, ‘સજા તો અવશ્ય કરીશ, પરંતુ આપને નહીં, પણ મારી જાતને. એ રાજ કેવું કહેવાય કે જ્યાં આપના જેવી વ્યક્તિ ભૂખને કારણે ચોરી કરવા મજબૂર થતી હોય. તમે જોયેલા સોના-ચાંદી અને અનાજના ઢગલા રાજભંડા૨માં શોભે નહીં, પહેલાં પ્રજાના પેટની આગ બુઝાય પછી જ રાજભંડાર ભરાય. હવે હું ગુપ્તવેશે પ્રજાનાં સુખ-દુઃખ જાણીશ, જેથી એને ચોરી કરવાનો વારો ન આવે. બરાબર ને !’

રાજાએ વિષ્ણુદેવને આમ કહ્યું એટલે વિષ્ણુદેવે કહ્યું, ‘મહારાજ, આખી રાત હું ઊંઘી શક્યો નહીં એનું શું ? આપ મને સજા કરો.’

રાજાએ કહ્યું, ‘હું તમારી ઈમાનદારીથી પ્રભાવિત થયો છું એટલે તમને દંડમુક્ત જાહેર કરું છું. હકીકતમાં તો તમે મને પ્રજાની સ્થિતિની સાચી ઓળખ આપી, તે માટે તમારો જેટલો આભાર માનું તેટલો ઓછો છે.’

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑