કૈસીય વંશના ગરીબ પરિવારમાં જન્મેલી બાળકી રાબિયાને બાળપણમાં જ કોઈ ઉઠાવી ગયું અને એને ગુલામ તરીકે વેચી નાખવામાં આવી. તે સમયે ગુલામો પ્રત્યે અત્યંત ક્રૂર વર્તાવ દાખવવામાં આવતો હતો. રાબિયાને વારંવાર એના માલિકનો ત્રાસ અને માર સહન કરવાં પડતાં.
આશ્ચર્યની વાત એ હતી કે રાબિયા બાળપણથી જ ધાર્મિક વૃત્તિની હતી અને અલ્લાહ પર એની અગાધ શ્રદ્ધા હતી. એ માનતી કે અલ્લાહ મારી પરિસ્થિતિથી પૂરેપૂરા વાકેફ છે, તો પછી મારે ચિંતા શેની કરવી ?
એક વાર અંધારી રાત્રે રાબિયાના ધનવાન માલિકે જોયું તો ચોપાસ આવેલી ગુલામોની વસ્તીમાં બધી જ ઝૂંપડીઓમાં અંધારું હતું. માત્ર એક ઝૂંપડીમાંથી દીવાનો પ્રકાશ બહાર પડતો હતો.
ગુલામોનો માલિક એની તપાસ કરવા ગયો, તો એણે જોયું કે ઝૂંપડીમાં બેસીને રાબિયા પ્રાર્થના કરતી હતી. એ પરવરદિગારને કહેતી કહી કે મારા માલિક પર રહેમ કરજો. એમણે સેંકડો ગુલામોને કામ આપ્યું છે, જેથી અમને સહુને રોજી-રોટી મળે છે. આવા મારા માલિકનો ખજાનો સતત વધતો રાખજો અને એનું ઘર ખુશાલીઓથી ભરેલું રાખજો.
રાબિયાના શબ્દો સાંભળીને એના માલિકના ચિત્તમાં ઝંઝાવાત જાગી ઊઠ્યો. એ જાણતો હતો કે રાબિયા પર એ કેટલો જુલમ વરસાવતો હતો અને એ ગુલામ રાબિયા માલિકના ભલા માટે અલ્લાહને પ્રાર્થના કરતી હતી ! એના માલિકને થયું કે આ કોઈ સાધારણ મહિલા નથી, એથી એની સાથે કરેલા દુર્વ્યવહારનો પશ્ચાત્તાપ કરવા લાગ્યો.
એણે રાબિયાને કહ્યું, ‘રાબિયા ! તું સાચે જ એક ચમત્કાર છે. મેં તારી સાથે અતિ નિષ્ઠુર વ્યવહાર કર્યો અને છતાં તું મારે માટે દુવા માગે છે. તું આ ધરતીનો ચમત્કાર છે.’ આમ કહીને માલિકે રાબિયાને થોડા દિનાર આપ્યા અને કહ્યું, ‘રાબિયા, આજથી તું આઝાદ છે.’
પ્રત્યુત્તરમાં રાબિયાએ કહ્યું, ‘હું એક શરતે જ આપે આપેલી આઝાદીનો સ્વીકાર કરીશ કે મને જ નહીં, પણ તમામ ગુલામોને આઝાદ કરી દો.’
માલિકે બધા ગુલામોને આઝાદ કર્યા. એ પછી રાબિયાનું જીવન એની ઈશ્વરનિષ્ઠાને કારણે અધ્યાત્મથી પરિપૂર્ણ બન્યું અને એ મહાન સૂફીવાદી સંત તરીકે જાણીતી થઈ.