મૂર્તિની પાસે ઊભા રહીને એક સાધુ બે હાથ લાંબા કરી વારંવાર યાચના કરતો હતો. એ પ્રભુપ્રતિમા પાસે ભિક્ષા માગતો હતો અને એને જોનારા સહુ કોઈના મનમાં એ સવાલ જાગતો હતો કે આ પ્રતિમા તે કઈ રીતે આ સાધુને ભિક્ષા આપવાની છે ?
સાધુના આ નિત્યકર્મને જોઈને ઘણાને આશ્ચર્ય થયું, પરંતુ કોઈ એમને પૂછવાની હિંમત કરી શકતા નહીં. જે પ્રતિમા પ્રત્યક્ષપણે કશું આપી શકે એમ નથી, એની પાસે રોજેરોજ વારંવાર આવી યાચના કરવાનો અર્થ શો ?
એક યુવાન સાધુ આ રોજિંદી ઘટના જોઈને અકળાઈ ગયો. એનાથી રહેવાયું નહીં, એથી એણે પૂછ્યું, ‘આપ મારા ગુરુ છો અને ગુરુ સમક્ષ શિષ્યએ નિઃસંકોચ પોતાનો સંશય પ્રગટ કરવો જોઈએ. આથી મારા મનમાં જાગેલા એક સંશયનો ઉત્તર મેળવવો છે.’
‘કહે, કઈ જિજ્ઞાસા છે તારી ?’
શિષ્યએ કહ્યું, ‘ગુરુદેવ, રોજ સવારે આપ આ પ્રભુપ્રતિમા સમક્ષ હાથ ફેલાવીને ભિક્ષાની યાચના કરો છો. આપ જાણો છો કે એ પ્રતિમા આપને કશી ભિક્ષા આપી શકે તેમ નથી. તો આપ આવો વ્યર્થ પ્રયત્ન કરો છો શા માટે અને તેય પ્રતિદિન ?’
આ સાંભળી સંતે કહ્યું, ‘તારી જિજ્ઞાસા સર્વથા યોગ્ય છે. હું જાણું છું કે આ પ્રતિમા મને કશું આપનારી નથી, એમ છતાં હું એની સમક્ષ ઊભો રહીને પ્રતિદિન યાચના કરતો રહું છું. પરંતુ કોઈ આશા સાથે એની પાસે હું કંઈ માગતો નથી. આ તો મારા નિત્ય અભ્યાસનું કર્મ છે. માગવાથી કશું મળતું નથી, એમ વિચારીને મારી અપેક્ષાઓનો અંત આણવા કોશિશ કરું છું. વળી આમ કરવાથી મારા હૃદયમાં ધૈર્ય પેદા થાય છે અને જ્યારે હું ભિક્ષા માટે કોઈને ઘેર જાઉં છું, ત્યારે કશું ન મળે તોપણ મને સહેજેય નિરાશા કે કટુતા થતી નથી. મારા મનની શાંતિનો ભંગ ન થાય તે માટે આ નિત્યકર્મ કરું છું.’
યુવાન સાધુએ કહ્યું, ‘અપેક્ષાઓનો અંત અને ધૈર્યની સાધનાની તમે મને એક નવી પદ્ધતિ બતાવી. હવે હું પણ મારા જીવનમાં આની સાધના કરીશ.’