અમીરી અને ફકીરી વચ્ચેવર્ષો જૂની દુશ્મનાવટ છે !

સૂફી સંત મિયાં મીરની ખ્યાતિ સાંભળીને એક બાદશાહ એને મળવા માટે ગામ બહાર આવેલી એની ઝૂંપડી પાસે ગયા. આ ઝૂંપડીની બહાર એક ફકીર ઊભો હતો. એને જોઈને બાદશાહે કહ્યું, ‘મારે સંત મિયાં મીરને મળવું છે. હું આ રાજ્યનો શહેનશાહ છું. એમનાં દર્શન કરવા માટે અંદર જઈ શકું ?’

પેલા ફકીરે એમને થોડી વાર થોભવાનું કહ્યું. એ ફકીર સંત મિયાં મીરને પૂછવા ગયો. ત્યારે મિયાં મીરે એને વળતો પ્રશ્ન કર્યો, ‘બાદશાહ કઈ રીતે આવ્યો છે ?’

ફકીરે કહ્યું, ‘બાદશાહ તો શહેનશાહી ઠાઠમાઠ સાથે આવ્યો છે. એમની સાથે એમનું વિશાળ લશ્કર છે અને ઊંટ પર હીરા-ઝવેરાત લાદીને આવ્યો છે.’

સંત મિયાં મીરે કહ્યું, ‘બાદશાહને કહો કે હમણાં મળવું શક્ય નથી. ફરી ક્યારેક આવે.’

બાદશાહ પાછો ફરી ગયો, પરંતુ રાજધાનીમાં ગયો નહીં. એણે એના લાવ-લશ્કરને પાછું મોકલી દીધું. હીરા-ઝવેરાત પાછા મોકલાવ્યા અને સ્વયં ફકીર બનીને એ સંતની ઝૂંપડી નજીક વસવા લાગ્યો. થોડા સમય બાદ એ ફરી સંત મિયાં મી૨ને મળવા ગયો, પણ પુનઃ નિરાશા સાંપડી. સાથોસાથ સૂફી સંત મિયાં મીરે એને એટલો સંદેશો મોકલ્યો કે રાવિ નદીના કિનારે વસતા વૈરાગી સંતની એ સેવા કરે.

બાદશાહે બે વર્ષ સુધી એ વૈરાગી સંતની સેવા કરી. બાદશાહનો ચહેરો એકદમ કાળો પડી ગયો. એના પર કરચલીઓ દેખાવા લાગી. એક દિવસ વૈરાગી સંતે એને કહ્યું, તમે તો સંત મિયાં મીરને મળવા આવ્યા હતા ને ! જાઓ, એમનાં દર્શન કરી આવો.’

બાદશાહ દર્શન માટે ગયા અને સૂફી સંતે એમને અંદર બોલાવ્યા. એ સમયે બાદશાહે પૂછ્યું, ‘હું તમને મળવા માટે બે વાર આવ્યો અને બે વાર શા માટે નિરાશ કર્યો?’

સૂફી સંત મિયાં મીરે કહ્યું, ‘પહેલી વાર તમે બાદશાહી ઠાઠ સાથે આવ્યા હતા અને બીજી વાર બાદશાહી ઠાઠમાઠ બહારથી ઉતાર્યો હતો, પણ ભીતરમાંથી એનો અહંકાર ગયો નહોતો. જેમ અમીરી અને ગરીબી વચ્ચે વેર છે, એ જ રીતે અમીરી અને ફકીરી વચ્ચે પણ દુશ્મનાવટ છે, સમજ્યા !’ એ પછી બાદશાહ સદાને માટે સૂફી સંત મિયાં મીરનો પ્યારો ફકીર બની ગયો.

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑