અઠ્ઠાવીસ વર્ષની વયના રાજકુમાર વર્ધમાન પિતા રાય સિદ્ધાર્થ અને માતા રાણી ત્રિશલાના અવસાન પછી દીક્ષા માટે તૈયારી કરવા લાગ્યા. માતા-પિતાના સ્નેહનું બંધન દૂર થયું હતું. સંસારમાં રહીને વિરાગની સાધના ચાલતી હતી. હવે સંસાર છોડીને વિરાગની ધૂણી ધખાવવી હતી. આને માટે પોતાના ભાઈ નંદિવર્ધન પાસે આવ્યા. રાજકાજમાં સહુથી ખરાબ વેર ભાઈ-ભાઈ વચ્ચે હોય ! એક મિલકતના બે ભાગીદાર ! એક માર્ગમાંથી હટી જાય તો બીજાને સિંહાસન વરે, પરંતુ અહીં નંદિવર્ધન અને વર્ધમાન વચ્ચે અપાર પ્રેમ હતો. નંદિવર્ધને જોયું કે નાનો ભાઈ હવે જુદી તૈયારી કરે છે ત્યારે કહ્યું કે, “આ રાજ તને આપવા માગું છું.”
વર્ધમાને કહ્યું, “રાજ-રાજ વચ્ચેના સાંકડા સીમાડા મને ગમતા નથી. મારું રાજ તો પ્રેમ અને દયાનું છે. એને માટે મારે સંસાર છોડીને જવું છે.” નંદિવર્ધને પૂછ્યું, “તમારા આવા રાજનો રાજધર્મ શો ?”
વર્ધમાને કહ્યું, “ક્ષમા અને ઉદારતાનો. દિલ આપીને દિલ જીતી લેવાનો એ રાજધર્મ છે.”
મોટા ભાઈ નંદિવર્ધને સવાલ કર્યો, “તો તમારી રાજ હકૂમત કઈ ?”
વર્ધમાને કહ્યું, “મારી રાજ હકૂમતમાં વિશ્વ સમગ્રનો સમાવેશ થાય છે. નાનકડા કીટ અને વિશાળ વૃક્ષનું જ નહીં, ધરતીની ધૂળ અને વેલીના ફૂલનું જ નહીં, પણ આંખે દેખાતા અને ન દેખાતા સર્વ જીવોની સંભાળ અને તેનું રક્ષણ છે.”
“ત્યારે તમારું શાસન-સૂત્ર કયું ?”
“શાસન-સૂત્ર એક જ : પારકાને માટે ત્યજવાનું અને પારકાના હિત કાજે અર્પણ થવાનું.”
નંદિવર્ધને પ્રશ્ન કર્યો, “આ માટે તમારી ભાવનાઓ કેટલી ?’ “મારી ભાવનાઓ ચાર : મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને મધ્યસ્થતા.”
નંદિવર્ધને પૂછ્યું, “તમારા પ્રેમ અને દયાના રાજમાં વસતા નગરજનોનું કર્તવ્ય શું ?”
વર્ધમાને કહ્યું, “જ્ઞાન મેળવવું, એ વિશે દર્શન (શ્રદ્ધા) મેળવવું. સંયમ સેવવો. તપ આદરવું. આધ્યાત્મિક પરાક્રમ કરવું. સદા પ્રત્યેક વસ્તુનો ઉપયોગ રાખવો. દરેક વૃત્તિમાં જાગૃતિ રાખવી.”
નાના ભાઈની વાત સાંભળીને નંદિવર્ધન વિચારમગ્ન બની ગયા. એમણે કહ્યું, “પ્રિય વર્ધમાન, તમારી ભાવના હું જાણું છું. એ પણ જાણું છું કે વિશ્વને અજવાળવા આવેલી જ્યોતિને આ મહેલમાં હું લાંબો સમય રાખી શકવાનો નથી, પરંતુ માતા-પિતાની વિદાયના વિયોગનો ઘા હજી તાજો જ છે. હવે મારાથી બંધુવિયોગ સહન થઈ શકે તેમ નથી. મારી વિનંતી છે કે થોડો સમય થોભી જાઓ.”
રાજકુમાર વર્ધમાન કહે : “મોટા ભાઈ, તમારી વિનંતી ન હોય. તમારા પ્રેમનો મારા પર અધિકાર છે. તમારી ઇચ્છા એ મારા માટે આજ્ઞા સમાન છે.”
વ્યાકુળ નંદિવર્ધને કહ્યું, “તો વધુ બે વર્ષ સંસારમાં રહી જાઓ.”
વર્ધમાને મોટા ભાઈ નંદિવર્ધનની ઇચ્છાને માન આપીને વધુ બે વર્ષ સંસારમાં રહેવાનું સ્વીકાર્યું. રાજમહેલમાં તપસ્વીના આશ્રમ જેવું વાતાવરણ પ્રસરી રહ્યું. વિશાળ મહેલના એકાંત ભાગમાં મોટા ભાગનો સમય ચિંતન અને શુભધ્યાનમાં ગાળવા લાગ્યા. પોતાના ચિત્તને સદા ઊર્ધ્વ ભાવમાં લીન રાખતા હતા. ભોગની વચ્ચે એમણે ત્યાગનો મહિમા જગાવ્યો. વૈભવની વચ્ચે એમણે વિરાગની આરાધના કરી બતાવી. નગરજનો વિચારે છે : વાહ ! કેવો બંધુપ્રેમ ! કેવો વિનય ! ભાઈ-ભાઈ વચ્ચે પ્રેમ હજો તો આવો !