પરમ જ્ઞાની અને એટલા જ ગર્વિષ્ટ આચાર્યશ્રી અહંકારકેસરી અતિ મિષ્ટ ભોજન લીધા બાદ વિશાળ ઉદ્યાનમાં ઘૂમી રહ્યા હતા. રાજાએ પોતાના રાજ્યના આ પરમ વિદ્વાનને સુંદર ઉદ્યાન ધરાવતો વિશાળ આવાસ નિવાસને માટે ભેટ આપ્યો હતો. આચાર્યશ્રી બગીચામાં ટહેલવા નીકળ્યા અને આસપાસની નયનરમ્ય સૃષ્ટિને જોવા લાગ્યા.
એમણે જોયું તો બાગમાં સુગંધી પુષ્પો હતાં, નાનકડી મજાની વેલો ૫૨ મોટાં મોટાં તરબૂચ હતાં. વિશાળ વૃક્ષ પર સફરજન અને કેરીઓ ઝૂમતી હતી અને ઊંચા તાડ પર નાળિયેર લટકતાં હતાં.
મહાજ્ઞાની આચાર્યશ્રી પ્રકૃતિની લીલા જોઈને પ્રસન્ન થઈ ગયા. ભારે ભોજન કર્યું હતું એથી થોડો વિશ્રામ લેવાની ઇચ્છાથી વડના ઘેઘૂર વૃક્ષની નીચે રાખેલા સુખાસન પર બેઠા. ઉદ્યાનમાં મંદ મંદ શીતલ સમીર વહેતો હતો. ભારે ભોજનની ચાડી ખાતા ઘેને આચાર્યની આંખોનો કબજો લીધો અને એવામાં વડ ઉપરના ટેટાને જોઈને આચાર્યશ્રી વિચારવા લાગ્યા,
‘અરે ઈશ્વર ! તું સૃષ્ટિનો રચયિતા અને નિયંતા છે. જગત આખું તારી વ્યવસ્થા પ્રમાણે ચાલે છે, પરંતુ મારે એટલું કહેવું જોઈએ કે ક્યારેક તારામાં સીધીસાદી સમજનો સદંતર અભાવ જોવા મળે છે. તું પણ કમાલ છે ને ! પાતળા ઊંચા ઝાડ પર મોટાં નાળિયેર ઉગાડ્યાં, ઘટાદાર વૃક્ષ પર સફરજન, નારંગી અને ચીકુ જેવાં નાનાં નાનાં ફળ ઉગાડ્યાં. અરે ! સાવ પાતળી વેલ પર કેવડું મોટું તરબૂચ ઉગાડ્યું ! પણ અનૌચિત્યની હદ તો ત્યાં થઈ કે આટલા વિશાળ, ચોતરફ ફેલાયેલા, અનેક વડવાઈઓ ધરાવતા વડના વૃક્ષ પર સાવ નાનકડા ટેટા ઉગાડ્યા. કંઈક તો વૃક્ષ પ્રમાણે ફળના આકારનો વિચાર કરવો હતો ને !’
ઈશ્વરની રચના સામે આચાર્યશ્રી આક્રોશ વ્યક્ત કરતા હતા, ત્યાં જ એમના મસ્તક પર વડ પરથી ટેટો પડ્યો. એ એકાએક સફાળા ઊભા થઈ ગયા. એમને થયું કે માથા પર પડ્યું શું ? જોયું તો વડ પરથી નાનકડો ટેટો એમના માથા પર વાગ્યો હતો.
આચાર્યશ્રી વળી વિચારમાં પડી ગયા. જો વડ ૫૨ ટેટાને બદલે તરબૂચ કે નાળિયેર ભગવાને ઉગાડ્યાં હોત તો મારું શું થાત ? એના પડવાથી મારું માથું ફાટી જાત. માટે સારું થયું કે આવા છાંયડો આપતા, વિશ્રામ કરવા યોગ્ય વૃક્ષ પર ભગવાને ટેટા ઉગાડ્યા. હવે સમજાઈ ઈશ્વર, તારી અનુપમ રચના.
આચાર્યશ્રીએ મનોનમ વિચાર્યું કે ઈશ્વરની સૃષ્ટિરચના બાબતમાં ઉતાવળે કોઈ નિર્ણય બાંધવો નહીં. એની રચના પાછળ ચોક્કસ પ્રયોજન હોય છે. એ પ્રયોજનને સમજવાનો પ્રયાસ કરીએ તો જ જગતનિયંતાની લીલાનો પાર પામી શકીએ.