મધુર વાણી, હસતો ચહેરો અને ગહન જ્ઞાનને કારણે આખું ગામ એ સંત ક્યારે પોતાને ઘેર ભિક્ષા લેવા પધારે, એની પ્રતીક્ષા કરતું હતું. સંત ભિક્ષા લેવા આવે અને જે કંઈ મળે, તેનો સહજભાવે સ્વીકાર કરીને આશીર્વાદ આપતા. ગ્રામજનો એમને ભિક્ષા આપીને પોતાની જાતને ધન્ય માનતા હતા. પરંતુ આ ગામમાં એક વ્યક્તિ સ્વભાવે અતિ વિચિત્ર હતી. એને સંતો પ્રત્યે લેશમાત્ર આદર નહોતો. વળી કોઈને કશું આપવાની વૃત્તિ નહોતી. સહુ કોઈ પ્રત્યે એનામાં ભારોભાર ક્રોધ અને ફરિયાદ ભરેલાં હતાં, આથી સંત પ્રતિદિન એને ત્યાં જાય, પણ ક્યારેય ભિક્ષા મળે નહીં.
આમ છતાં, સંત તો રોજ એને ઘેર જતા, બારણે ઊભા રહીને ભિક્ષા માટે યાચના કરતા. ક્યારેક બારણું ખૂલે, પણ કોઈ બહાર આવે નહીં. ક્યારેક બારણું ખુલ્લું હોય, છતાં કોઈ બહાર નીકળે નહીં. આમ છતાં સંત રોજ થોડો સમય એના બારણે ઊભા રહે. ભિક્ષાની રાહ જુએ અને જો ઘરમાં કોઈ વ્યક્તિ દેખાય, તો એને આશીર્વાદ આપીને વિદાય લે.
નિત્યક્રમ મુજબ એક દિવસ આ સંત ભિક્ષાર્થે આવ્યા અને સંજોગવશાત્ એ ઘરની ગૃહિણી બહારથી આવીને ઘરમાં પ્રવેશતી હતી. એણે સંતને ઊભેલા જોયા અને બોલી, ‘ક્ષમા કરો મહારાજ, આપને અહીંથી કોઈ ભિક્ષા મળે તેમ નથી.’
ફરી બીજે દિવસે સંત આવ્યા. અને એમ એમનો ક્રમ ચાલુ રહ્યો. આથી એ ઘરના લોકોને પણ લાગ્યું કે આ સંત કોઈ અજબ પ્રકારના છે, ક્યારેય ભિક્ષા મળતી નથી, છતાં કેમ નિયમિત રીતે આવે છે ? ઘરના માલિકે સંતને કહ્યું, ‘અરે, તમને એક વાર તો કહ્યું કે અહીંથી ક્યારેય તમને ભિક્ષા મળશે નહીં, છતાં તમે શું કામ ભિક્ષાની આશાએ મારા ઘરના બારણે આવો છો ?’
સંતે હસીને કહ્યું, ‘અરે, તમે તો મારા પરમ ઉપકારી છે. આટલા પ્રેમથી મને કોઈ કહેતું નથી કે ‘અહીં તમને કશું મળશે નહીં.’ એક ભિક્ષુને માટે બારણાં સુધી આવવું અને એવું સાંભળવા મળે કે ‘તમને કંઈ મળશે નહીં’, એ કંઈ ઓછું છે ! તમે તો મને સાધનાનો એક અવસર આપ્યો છે. તમારે કારણે તો મારો અહંકાર લુપ્ત થયો અને સહનશીલતા કેળવાઈ. તમારે ત્યાંથી ભિક્ષા મળે કે ન મળે તેથી શું, મારે માટે તો તમારું ઘર આશ્રમ સમાન છે, જ્યાંથી મને જીવનના પાઠ શીખવા મળે છે.’
સંતની વાત સાંભળીને ઘરનો માલિક પારાવાર લજ્જા પામ્યો અને એણે પોતાના દુઃવર્તન બદલ સંતની ક્ષમા માંગી.