ભારતના સ્વાતંત્ર્યસંગ્રામના ઇતિહાસમાં જલિયાંવાલા બાગની ઘટનાએ દેશની પ્રજાને જગાડી અને એના વિરોધમાં પ્રચંડ રાષ્ટ્રીય ચેતના પ્રગટ થઈ. એ સમયે અમૃતસરની પાંચેક ફૂટ ઊંચી દીવાલની વચ્ચે આવેલી અને એક જ પ્રવેશદ્વાર ધરાવતી વિશાળ ખુલ્લી જગા ‘બાગ’ને નામે ઓળખાતી હતી. હકીકતમાં ત્યાં કોઈ બાગ નહોતો અને આ જગા ૫૨ એક સાંકડી ગલી મારફતે પ્રવેશી શકાતું હતું.
અહીં કશીય ચેતવણી વિના નિર્દોષ લોકો પર જનરલ ડાયરે ગોળીબાર કરવાનો હુકમ આપ્યો. ૧૯૫૦ રાઉન્ડમાં આશરે બારસો જેટલા લોકો મૃત્યુ પામ્યા અને આશરે છત્રીસસો ઘવાયા. આ ઘવાયેલાઓની સારવારની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહીં.
૧૯૧૯ની ૧૩મી એપ્રિલે બનેલી આ ઘટનાને પરિણામે પરાધીન ભારતમાં આક્રોશ જાગ્યો. હિંદના અંગ્રેજોએ ફંડ એકત્રિત કરીને જનરલ ડાયરને વીસ હજાર પાઉન્ડ અને તલવાર ભેટ આપ્યાં. ઇંગ્લૅન્ડની આમ સભાએ હળવો ઠપકો આપીને સક્રિય સરકારી સેવામાંથી મુક્ત કર્યા અને ઇંગ્લેન્ડની અમીર સભાએ આવાં પગલાં સામે નારાજગી વ્યક્ત કરી અને જનરલ ડાયરને બાર હજાર પાઉન્ડ અને તલવારની બક્ષિસ આપીને ભારતવાસીઓના જખમ પર નમક છાંટ્યું.
જલિયાંવાલા બાગમાં નિર્દોષ સ્ત્રી-પુરુષોની નિર્મમ હત્યા કરનાર જનરલ ડાયરને સબક શીખવવાનો ક્રાંતિકારીઓએ નિર્ણય કર્યો. ક્રાંતિકારીઓ એની બંદૂકની ગોળીનો જવાબ એને બંદૂકની ગોળીથી આપવા માગતા હતા. આ કામ બહાદુર ક્રાંતિકારી ઉદ્યમસિંહને સોંપવામાં આવ્યું. એણે અપ્રતિમ હિંમત દાખવીને જનરલ ડાયર ૫૨ ગોળી ચલાવી.
નીડર ઉદ્યમસિંહ ગોળી ચલાવીને ખંડની બહાર નીકળવા ગયા, એમને પકડવાની કોઈ હિંમત કરી શક્યું નહીં. માત્ર એક અંગ્રેજ મહિલા એ ખંડના દરવાજા પાસે હાથ ફેલાવીને ઊભી રહી. એણે ભાગી રહેલા ઉદ્યમસિંહનો રસ્તો રોકી રાખ્યો. ઉદ્યમસિંહ સહેજ અચકાયા અને એક અંગ્રેજ સાર્જન્ટે થોભેલા ઉધમસિંહને ગિરફતાર કરી લીધા,
ઉદ્યમસિંહ સામે ફાંસીનો ફંદો લટકતો હતો, પરંતુ ક્રાંતિકારીઓને માટે એ ફાંસીનો ફંદો રેશમની દોર જેવો હતો.
ઉદ્યમસિંહ જેલમાં હતા, ત્યારે પેલી અંગ્રેજ મહિલા એમને મળવા આવી. એણે ઉદ્યમસિંહને પૂછ્યું, ‘મને એક વાત સમજાતી નથી. જ્યારે હું રસ્તો રોકીને ઊભી હતી, ત્યારે તમે મારા પર ગોળી ચલાવવાને બદલે શા માટે રિવૉલ્વર ફેંકી દીધી.’
ઉદ્યમસિંહે હસતાં હસતાં જવાબ આપ્યો, ‘સ્ત્રીઓ, નિર્દોષ માનવીઓ, નિઃશસ્ત્ર લોકો, બાળક કે વૃદ્ધ પર અત્યાચારી અંગ્રેજો જ ગોળી ચલાવી શકે. હિંદુસ્તાનની સંસ્કૃતિ તો સ્ત્રીજાતિ પર આવો પ્રહાર કરવાનો પ્રતિબંધ ફરમાવે છે.’