એ બુદ્ધિમાન યુવકને જોઈને ગામમાં સહુ કોઈ આશ્ચર્યચકિત થઈ જતા. ગામડામાં વસતો એ યુવક રોજ નવું નવું શીખતો હતો. એણે ધનુષ્ય-બાણ બનાવનારા પાસેથી ધનુષ્ય-બાણ બનાવવાની કારીગરી શીખી લીધી. એણે નૌકા બનાવનાર પાસેથી નૌકા બનાવવાની કલા શીખી લીધી. શિલ્પી પાસેથી શિલ્પરચનાના કલા-કસબ જાણીને એમાં પારંગત બની ગયો. આ રીતે એ રોજ નવી નવી કળાઓ શીખતો જતો હતો.
ધીરે ધીરે એના મનમાં અહંકાર જાગ્યો કે એના જેટલી કલાઓનો કુશળ જાણકાર આખાય વિશ્વમાં અન્ય કોઈ નથી. એ જ્યાં જાય, ત્યાં ગર્વપૂર્વક કહેતો કે કલાપારંગત કે જ્ઞાનવાન તો ઘણા હશે, પરંતુ એ બધા એક કલાને જાણતા હતા. મારા જેવો અનેક કલાવિદોનો જોટો જગતમાં જડવો અશક્ય છે !
એક વાર ભગવાન બુદ્ધ વિહાર કરતા કરતા આ ગામડામાં પહોંચ્યા. અનેક કલાઓમાં નિપુણ યુવક વિશે એમને જાણકારી પ્રાપ્ત થતાં તેઓ ભિક્ષાપાત્ર લઈને એની પાસે પહોંચ્યા. એમને જોઈને એ યુવકે પૂછ્યું, ‘કોણ છો તમે ? શું છે તમારો પરિચય ?’
ભગવાન બુદ્ધે કહ્યું, ‘હું દેહસંયમનો કલાધારી માનવી છું.’
પેલા યુવકને કશું સમજાયું નહીં એટલે એણે પૂછ્યું, ‘હું આપની વાત સમજી શકતો નથી. આ દેહ પર સંયમ તે વળી કઈ કલા ? જરા મને વિસ્તારપૂર્વક સમજાવો.’
ભગવાન બુદ્ધે કહ્યું, ‘જુઓ, જે તીર ચલાવી જાણે છે, તે તીર ચલાવે છે. જે નૌકા બનાવી જાણે છે, તે નૌકા બનાવે છે. જે મૂર્તિ રચી શકે છે, તે મૂર્તિ રચે છે, પરંતુ આ બધા જ્ઞાન કરતાં ખરો જ્ઞાની તો એ છે કે જે પોતાના પર શાસન કરે છે. પોતાની જાત પર સંયમ ધરાવે છે.’
યુવકે પૂછ્યું, ‘હજી આપની વાત સમજાતી નથી. પોતાના પર શાસન કરવું એટલે શું ? એ કયા પ્રકારની કલા છે ?’
ભગવાન બુદ્ધે જવાબ આપ્યો, ‘આત્મશાસનની આ એવી કલા છે કે જેનાથી કોઈ તમારી પ્રશંસા કરે, તોપણ તમારું મન ચંચળ થતું નથી અને જો કોઈ તમારી નિંદા કરે, તોપણ તમારું મન શાંત રહે છે. આને કારણે માનવી હંમેશાં સુખી અને શાંત રહે છે. પોતાની જાત પર કાબૂ રાખી શકે છે. આ સૌથી મોટી કલા છે.’ યુવકને ભગવાન બુદ્ધની વાતનો મર્મ સમજાયો અને એણે વચન આપ્યું કે એ એની ભીતરમાં રહેલા અહંકારને એ દૂર કરશે અને જાત પર અંકુશ મેળવવાની કલા પામવા પ્રયાસ કરશે.