નગરમાં પ્રભાવશાળી સંતનું આગમન થતાં એમના દર્શનાર્થે આખું નગર ટોળે વળ્યું. રાજા, મંત્રી, સેનાપતિ, શ્રેષ્ઠી અને સહુ કોઈ એમનાં દર્શન માટે આતુર બનીને આવ્યા હતા.
રાજાએ સંતને ભેટ આપવા માટે સુવર્ણમુદ્રાનો થાળ સાથે લીધો હતો, તો નગરશેઠે એમના ભોજન માટે ફળ-ફળાદિ લીધાં હતાં. રાજાએ સુવર્ણમુદ્રાથી ભરેલો થાળ સંતની સમક્ષ મૂક્યો, તો સંતે એના તરફ દૃષ્ટિ પણ ન કરી. નગરશેઠે ઋતુ ઋતુનાં સુંદર ફળોનો થાળ એમની સમક્ષ મૂક્યો, તો તેના તરફ પણ જોયું નહીં.
એકાએક સંતની ઉપદેશધારા વહેવા લાગી. નગરજનો સંતનો ઉપદેશ સાંભળતા મંત્રમુગ્ધ બની ગયા અને એમની વાણી થંભી, ત્યારે રાજાએ કહ્યું, ‘આપ મારા મહેલમાં પધારો અને ભોજન ગ્રહણ કરો, એવી મારી નમ્ર અરજ છે.’
સંતે કહ્યું, ‘રાજન્ ! ભોજનની બાબતમાં મારો નિયમ છે કે જે વ્યક્તિ સત્ય બોલતો હોય, એને ત્યાં જ ભોજન ગ્રહણ કરવું. તારા નગરમાં એવી કોઈ વ્યક્તિ હોય તો મને કહે. એને ત્યાં ભોજન કરતાં મને પરમાનંદ થશે.’
રાજા વિચારમાં પડ્યા. મંત્રીને બોલાવ્યા. દરેકે કહ્યું કે અમે ક્યારેક તો અસત્ય બોલ્યા છીએ. આખરે ગામના એક લોકસેવકનું નામ યાદ આવ્યું અને રાજાએ સંતને કહ્યું કે એ લોકસેવક ખરેખરા સત્યનિષ્ઠ છે. આપ એને ત્યાં ભોજન ગ્રહણ કરી શકશો.
સંત એ લોકસેવકને ત્યાં ગયા. સંતની સાથે વાતચીત શરૂ થઈ. સંતે પૂછ્યું, ‘તમારી ઉંમર કેટલી ?’
લોકસેવકે ઉત્તર આપ્યો, ‘વીસ વર્ષ.’
‘પણ તમારી ઉંમર તો સિત્તેર વર્ષની લાગે છે. લોકસેવકે કહ્યું, ‘આપનો અંદાજ સાચો છે. મારી ઉંમર સિત્તેર વર્ષની છે, અગાઉ હું જ્યારે વેપાર કરતો હતો, ત્યારે ઘણું અસત્ય બોલતો હતો. વેપારીઓ સાથેના સોદામાં ઘણી વાતો છુપાવતો હતો. ક્યારેક તો કશાય કારણ વિના જૂઠું બોલતો હતો, પરંતુ આજથી વીસ વર્ષ પહેલાં મેં સત્ય બોલવાનું વ્રત ધારણ કર્યું અને તેથી હું એને મારી વાસ્તવિક ઉંમર માનું છું.’ લોકસેવકની આ વાત સાંભળીને પ્રસન્ન થયેલા સંતે એના નિવાસસ્થાને આહાર ગ્રહણ કર્યો.