રાજગૃહી નગરીમાં એક વિલાસી ધનવાને પ્રસિદ્ધિ મેળવવા માટે એક વિચિત્ર નુસખો અજમાવ્યો. એણે એક રત્નજડિત કીમતી પ્યાલામાં શરાબ ભરીને એક ઊંચા થાંભલા પર ટીંગાડી દીધો અને એની નીચે લખ્યું, ‘જે કોઈ સાધક, સિદ્ધ કે યોગી આ થાંભલા પર ઊંચે ટીંગાડેલા શરાબના રત્નજડિત પ્યાલાને સીડી કે અન્ય સહાય વગર પોતાની યોગશક્તિથી નીચે ઉતા૨શે, તો તેની સર્વ ઇચ્છાઓ હું પૂર્ણ કરીશ.’
કશ્યપ નામના એક બૌદ્ધ સાધુ વિહાર કરતા કરતા અહીં આવી ચડ્યા અને એમણે પેલા ધનિકની શરત સાંભળી. બૌદ્ધ સાધુએ આ પડકાર ઝીલી લીધો અને કહ્યું કે એ પોતાની યૌગિક શક્તિથી અશક્યને શક્ય કરી બતાવશે.
આ સમાચાર મળતાં જ રાજગૃહી નગરીમાં આ ચમત્કાર જોવા માટે વિશાળ જનમેદની એકત્રિત થઈ અને ભિખ્ખુ કશ્યપ પોતાની યૌગિક સાધનાના બળે ઊંચા થાંભલા પર મૂકેલો પ્યાલો નીચે લાવ્યા અને એ પોતાના હાથમાં રાખીને સહુને બતાવતા બોલ્યા, ‘જુઓ, આ મારી સિદ્ધિ, જુઓ ! ભગવાન બુદ્ધે આપેલી યોગસાધનાનો પ્રભાવ ! કેવો ચમત્કાર કરી શકીએ છીએ અમે !
એ સમયે ભગવાન બુદ્ધ રાજગૃહી નગરીમાં બિરાજતા હોવાથી કશ્યપના ચમત્કારથી પ્રભાવિત થયેલી જનમેદની એમના દર્શનાર્થે દોડી ગઈ અને એમણે ભગવાન બુદ્ધની પ્રશંસા કરતાં કહ્યું, ‘આપ નિઃસંદેહ મહાન વિભૂતિ છો. આપની પાસે અગાધ શક્તિ છે. આપના જ એક શિષ્યે માત્ર એક હાથ ઊંચો કરીને ઊંચા થાંભલા પર ટીંગાડેલો શરાબનો રત્નજડિત પ્યાલો નીચે ઉતારી દીધો હતો.
આ સાંભળતાં જ ભગવાન બુદ્ધ તરત ઊઠ્યા અને વિહારમાં પોતાના શિષ્ય કશ્યપની પાસે પહોંચ્યા. એની બાજુમાં પડેલો રત્નજડિત પ્યાલો તોડી નાખ્યો અને શિષ્યને કહ્યું, ‘હું તમને વારંવાર કહું છું કે આવા ચમત્કારોનું પ્રદર્શન કરો નહીં. જો તને આવા ચમત્કાર બતાવવાનો શોખ હોય, તો એનો અર્થ એ થયો કે તને ધર્મનું જ્ઞાન આપવું સર્વથા નિરર્થક છે. આવી યુક્તિ-પ્રયુક્તિઓ અને શક્તિઓથી તમે લોકોને આકર્ષિત કરી શકો છો, પરંતુ એમ કરવું એ ધર્મનો ઉદ્દેશ નથી.’
કશ્યપ કાંપવા લાગ્યો. એણે કહ્યું, ‘આપની પાસેથી ધર્મનું જ્ઞાન મેળવવા માટે તો હું ભિખ્ખુ બન્યો છું. મને તરછોડશો નહીં, મને સાચો ધર્મ સમજાવો.’
ભગવાન બુદ્ધે ઉત્તર આપ્યો, ‘કશ્યપ, ધર્મનો હેતુ મનુષ્યની સેવા છે. એને દુઃખમુક્ત કરીને એનું ઉત્થાન સાધવાનો છે. આવા મહાન લક્ષ્યને છોડીને તું ચમત્કાર-પ્રદર્શન જેવા સાવ સામાન્ય અને ક્ષુદ્ર લક્ષ્યની પાછળ દોડી રહ્યો છે, માટે જાગ્રત થા.’
ભગવાન બુદ્ધનાં વચનો સાંભળીને ભિખ્ખુ કશ્યપે પોતાની ભૂલ બદલ પસ્તાવો કર્યો અને એમની ક્ષમાયાચના કરી.