પથ્થર વાગવાની પીડાને બદલે અનેરું આત્મસુખ અનુભવું છું.

ઉદ્યાનમાં ઊગેલા આંબાની દયા ખાતા આસોપાલવે કહ્યું, ‘અરે, તારી તો કેવી દુ:ખી હાલત છે ! મને થાય છે કે દુનિયામાં તારા જેવું બદનસીબ બીજું કોઈ વૃક્ષ નહીં હોય. તું માણસજાતને મિષ્ટ, મધુર કેરીનું ફળ આપે છે અને એ લેવા માટે માણસો તારા પર પથ્થરમારો કરે છે.’

વાત એવી હતી કે આંબાના વૃક્ષ ૫૨ કેરી આવતી હોય ત્યારે છોકરાઓ એની કાગડોળે રાહ જોતા. જતાં-આવતાં આતુરતાથી એના પર આંખો માંડતા અને કેરી ઊગે એટલે આંબાની ડાળી પર પથ્થર મારીને એને નીચે પાડતા.

આ જોઈને આસોપાલવને ભારે મજા પડતી હતી. મનમાં થતુંય ખરું કે આવું રસમધુર ફળ આપનારા બિચારા આંબાની કેવી વલે થાય છે ! એણે એક દિવસ આંબાની આગળ આનો વસવસો વ્યક્ત કર્યો અને એને કેટલી બધી પીડા થતી હશે એની ચિંતા દાખવી.

આંબાએ કહ્યું, ‘મિત્ર આસોપાલવ, મને તો એ વાતનો અતિ આનંદ છે કે મારી ડાળીઓ પર રસથી ભરેલી કેરીઓ ઊગે છે. જુઓ, આ કેરીને કારણે તો છોકરાઓ મારા પર કેવી આશાભરી મીટ માંડે છે ! કેરી ક્યારે ઊગે એની રાહ જુએ છે. જેવી ઊગે એવા મારી નિકટ આવે છે. આવો ભાવ કોને મળે ? મને તો આનો ભારે સંતોષ છે.’

આસોપાલવના હૃદયમાં ઈર્ષ્યાની આગ જાગી ઊઠી. એણે કહ્યું, ‘પણ આ બધામાં તને ફાયદો શું ? એક તો કેરી ઉગાડવાની અને હંમેશાં પથરા ખાવાના. જો, મને તો કોઈ પથ્થર તો શું, એક નાની કાંકરી પણ મારી શકતું નથી. હું કેટલો બધો નસીબદાર !’

આંબો ખડખડાટ હસી પડ્યો અને બોલ્યો, ‘નસીબદાર ? તારી ડાળી પર ફળ તો ઊગતાં નથી. ફળ ઊગે ત્યારે વૃક્ષને કેવો આનંદ થાય એની તને ક્યાંથી ખબર હોય ? બીજી વાત એ કે તું એમ માને છે કે મારે રોજ પથરા ખાવા પડે છે. પણ હું માનું છું કે જેની પાસે કશુંક હોય, એ જ બીજાને કશુંક આપી શકે. આ આપવાના આનંદની તને ઓળખ નહીં હોય. એ આનંદ એવો છે કે એમાં પથ્થર વાગવાની પીડા સાવ ભુલાઈ જાય છે. એનાથી અનેરું આત્મસુખ પ્રાપ્ત થાય છે.’

આંબાની વાતનો આસોપાલવ પાસે કોઈ ઉત્તર નહોતો.

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑