શિક્ષકના ચિત્તમાં જ્યારે સમસ્યા પેદા થાય છે, ત્યારે એની વિટંબણાનો પાર હોતો નથી. અત્યાર સુધી અન્યના પ્રશ્નોનો ઉકેલ આપનારને પોતાનો પ્રશ્ન અન્ય સમક્ષ પ્રગટ કરતાં પારાવાર સંકોચ થાય છે. શિક્ષક બૅન જૉનની આવી કફોડી પરિસ્થિતિ હતી અને એ સતત એ વિચારથી પરેશાન હતો કે આખરે જીવનમાં પ્રસન્નતા કઈ રીતે પ્રાપ્ત થઈ શકે ?
આ માટે એણે અનેક ગ્રંથોનો અભ્યાસ કર્યો. અનુભવીઓ સાથે વિચારવિમર્શ કર્યો, પરંતુ પ્રસન્નતા પ્રાપ્ત કરવાની કોઈ પગદંડી લાધી નહીં.
આ વિચાર એને એટલો બધો પજવવા લાગ્યો કે સતત એની ચિંતા અને ચિંતનમાં જ ડૂબેલો રહેતો. એક વાર એ આવી વિચારમગ્ન દશામાં બજારમાંથી પસાર થતો હતો, ત્યારે એક મીઠાઈ વેચતા દુકાનદાર અને ગ્રાહક વચ્ચેનો સંવાદ સાંભળ્યો. ગ્રાહકે દુકાનદારને પૂછ્યું, ‘ભાઈ, તારી દુકાનની સૌથી સારી મીઠાઈ કઈ છે ? મારે એ મીઠાઈ ખરીદવી છે.’
દુકાનદારે કહ્યું, ‘મારી દુકાનની બધી જ મીઠાઈ શ્રેષ્ઠ છે અહીં એવી કોઈ મીઠાઈ નથી કે જે બીજી મીઠાઈ કરતાં વધુ સારી હોય. જ્યાં બધું જ શ્રેષ્ઠ હોય, ત્યાં ચડિયાતી કે ઊતરતી અથવા તો આ સારું કે તે નરસું ક્યાંથી હોય ! હવે તમારે જ નક્કી કરવાનું છે કે તમારે આમાંથી કઈ મીઠાઈ ખરીદવી છે ?’
દુકાનદાર અને ગ્રાહકનો સંવાદ તો અતિ સામાન્ય હતો, પરંતુ શિક્ષક બૅન જોનને આ સંવાદ સ્પર્શી ગયો. શિક્ષક હોવાથી દરેક વાતનું રહસ્ય શોધવાની એને આદત હતી, તેથી ઊંડો વિચાર કર્યા બાદ એ દુકાનદાર પાસે પહોંચ્યો અને બોલ્યો, ‘ભાઈ, આજ સુધી જે ગુરુમંત્ર શોધવાનો હું પ્રયત્ન કરતો હતો, તે ગુરુમંત્ર મને તારી પાસેથી મળ્યો. તારા ગ્રાહક સાથેના સંવાદમાંથી મળ્યો.’
દુકાનદારને પારાવાર આશ્ચર્ય થયું. એ વિચારવા લાગ્યો કે આ ગુરુમંત્ર તે વળી કઈ બલા હશે ? બેન જૉને કહ્યું, ‘તેં હમણાં ગ્રાહકને એમ કહ્યું કે મારી બધી જ મીઠાઈ સર્વશ્રેષ્ઠ છે. એના પરથી મને વિચાર આવ્યો કે ઈશ્વરે સર્જેલી આ સૃષ્ટિમાં બધું જ સર્વશ્રેષ્ઠ છે એમ માનવું. જો એની પ્રત્યેક વસ્તુને સર્વશ્રેષ્ઠ માનીએ તો આપણી ઘણી સમસ્યાઓ ઉકેલાઈ જાય. સારું અને ખોટુંના ભેદ ભૂંસાઈ જાય, ગમતું અને અણગમતુંની ઝંઝટ રહે નહીં, કારણ એટલું જ કે પ્રકૃતિએ બધી જ વસ્તુઓ સુંદર અને શ્રેષ્ઠ બનાવી છે. એની પ્રત્યેક ચીજમાં વસતી શ્રેષ્ઠતામાંથી આપણે પ્રસન્નતા પ્રાપ્ત કરવી જોઈએ. આવી પ્રસન્નતા પામવાને બદલે હંમેશાં ફરિયાદ કરીએ છીએ. કામમાં નિષ્ફળતા મળે તો ઈશ્વર કે વિરોધીને કડવાં વેણ કહીએ છીએ અને કોઈ પ્રતિકૂળ બાબત બને તો હેરાન-પરેશાન થઈ જઈએ છીએ. પણ જો જીવનમાં આવતી સઘળી બાબતોને સર્વશ્રેષ્ઠ માનીએ, તો ક્યારેય ચિત્તની પ્રસન્નતા ઓછી થશે નહીં.