ચીનના સમ્રાટના મંત્રી શાહ ચાંગ એમની મહેનત અને ઉદારતા માટે સમગ્ર દેશમાં પ્રસિદ્ધ હતા. સહુ કોઈ એમને આદર આપતા હતા અને આ મંત્રી રાતદિવસ પ્રજાકલ્યાણનાં કાર્યોમાં ડૂબેલા રહેતા હતા. એક વખત સમ્રાટે એમને એક મહત્ત્વની ઘટના વિશે બીજે દિવસે સવારે અહેવાલ લખીને આપવાનું કહ્યું. મંત્રી શાહ ચાંગ અને એમના સહાયક કર્મચારી એની વિગતો તૈયાર કરવા લાગ્યા. આખો દિવસ મહેનત કરી, તેમ છતાં અહેવાલ તૈયાર થયો નહીં, એટલે રાત્રે પણ બંને કામ કરવા લાગી ગયા અને મોડી રાત્રે અતિ પરિશ્રમપૂર્વક આ અહેવાલ તૈયાર કર્યો.
મંત્રી અને એમના સહાયકને એની પ્રસન્નતા હતી કે અંતે મોડી રાત્રેય એ એમનું કામ પૂરું કરી શક્યા. શાહ ચાંગ સૂવા માટે ચાલ્યા ગયા અને પછી કાગળો બરાબર ગોઠવીને એમનો સહાયક પણ ઊઠીને જવા લાગ્યો, પરંતુ એવામાં મેજ પર મૂકેલા ફાનસને એનો હાથ લાગી ગયો અને એમાંનું કેરોસીન બહાર ઢોળાઈ ગયું. એ મેજ પર રાખેલા અહેવાલના કાગળો પર કેરોસીન ફેલાઈ ગયું અને અધૂરામાં પૂરું ફાનસની જ્યોતને કારણે એ કાગળો પર આગ લાગી. થોડીક ક્ષણોમાં તો ઘણી મહેનતે તૈયાર કરેલો અહેવાલ રાખ બની ગયો.
સહાયક ધ્રૂજવા લાગ્યો. હવે કરવું શું ? મનમાં વિચાર્યું કે આત્મહત્યા કરી નાખું ! કારણ કે એને ખ્યાલ હતો કે આવી મોટી ભૂલની એને કેવી સખત સજા મળશે.
મંત્રી શાહ ચાંગને આની જાણ થઈ એટલે તેઓ દોડતા આવ્યા અને પેલા સળગીને રાખ થઈ ગયેલા કાગળોની પરવા કર્યા વિના સહાયકના ખભા પર હાથ રાખીને કહ્યું, ‘અરે, અહેવાલ જ બળી ગયો છે ને, કોઈ જાનમાલનું તો નુકસાન થયું નથીને ! એમાં આટલા બધા ગભરાવાની શી જરૂર છે ? ફરી વાર બેસીને હમણાં અહેવાલ તૈયાર કરી લઈશું.’
અને શાહ ચાંગ સહાયકની સાથે બેસીને ફરી અહેવાલ તૈયાર કરવા લાગ્યા. સવાર સુધીમાં એ તૈયાર થઈ ગયો. સમ્રાટને સમયસર આપી દીધો. સહાયક તો ઘટનાથી ભારે શરમિંદો હતો, પરંતુ શાહ ચાંગે એને એક શબ્દ પણ ન કહ્યો, બલ્કે કામ પૂરું કરી શક્યા તે માટે એને ધન્યવાદ આપ્યા.