મહેલ સમૃદ્ધ થયો અને પ્રજા કંગાળ બની !

પ્રાચીન સમયમાં અશ્વિની દત્ત નામનો રાજા રાજ્ય કરતો હતો. આ રાજાને એના મહેલ પ્રત્યે અતિ મોહ હતો. બસ, રાતદિવસ પોતાનો મહેલ વધુ ને વધુ ભવ્ય કેમ બને તેવો પ્રયાસ કરતો. કીમતી રાચરચીલા અને આભૂષણોથી મહેલને કઈ રીતે શણગારવો એની જ ચિંતા કરતો હતો.

કોઈ આગંતુક મહેલમાં આવે, તો પહેલાં એને પોતાનો ભવ્ય મહેલ બતાવતો અને એની પાસેથી પ્રશંસા સાંભળીને પોતાની મોહવૃદ્ધિ કરતો હતો. સઘળો રાજ્યભંડાર મહેલના વૈભવ પાછળ ખર્ચાવા લાગ્યો. રાજાનો મહેલ સમૃદ્ધ થતો ગયો અને પ્રજા વધુ ને વધુ કંગાળ બનતી ગઈ. ધીરે ધીરે રાજભંડાર લગભગ ખાલી થઈ ગયો. રાજ્યના મંત્રી કુશલ સિંહ આવી પરિસ્થિતિથી મૂંઝવણમાં મુકાયા હતા. એમણે એ સમયના સંત નાગાનંદ પાસે માર્ગદર્શન માગ્યું.

સંત નાગાનંદ મહેલમાં આવ્યા. રાજાએ એમનું ભવ્ય સ્વાગત કર્યું. રાજાએ સંતનાં ચરણોમાં સુવિકસિત કમળપુષ્પ ધર્યું. સંત રાજાની પાસે વાર્તાલાપ કરવા બેઠા અને પછી કમળની એક એક પાંદડી તોડીને નીચે નાખવા લાગ્યા.

રાજા આશ્ચર્યચકિત થઈને જોતા રહ્યા. એવામાં પાંદડીની અંદરથી એક મૃત ભમરો નીકળ્યો. આ જોઈ રાજાને પરમ આશ્ચર્ય થયું. એમને સમજાયું નહીં કે ભમરો તો સખતમાં સખત લાકડામાં પણ છેદ કરી શકે છે, તો પછી એ કેમ કમળની પાંખડીઓ છેદીને બહાર નહીં આવ્યો હોય ? કેમ અંદરને અંદર ગૂંગળાઈને મરી ગયો હશે.

રાજાએ સંતને પૂછ્યું, ‘આ તો પરમ આશ્ચર્ય કહેવાય ! ભમરો કમળની પાંદડીઓમાં પુરાઈને પોતે જ પોતાનો પ્રાણ ગુમાવે, તે કેવું કહેવાય ?’

સંતે કહ્યું, ‘કમળની પાંદડીઓ હોય કે રાજાનો મહેલ હોય, તેથી શું ? જીવ મોહગ્રસ્ત બનીને જાતે મૃત્યુને વહોરી લે છે. એ સમયે એને જીવનનો કોઈ વિવેક હોતો નથી. પ્રાણની કોઈ પરવા હોતી નથી. આ મોહ વ્યક્તિનો હોય કે વસ્તુનો, પરંતુ એ એના નાશનું કારણ બને છે.’

રાજા અશ્વિની દત્ત સંત નાગાનંદના મર્મને પામ્યા અને મહેલ માટેનો મોહ છોડીને પ્રજાના કલ્યાણનો વિચાર કરવા લાગ્યા.

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑