એકાએક અણધારી આફત ઊતરી આવી. પ્રવાસીઓને લઈને સમુદ્રમાં જતા જહાજમાં કાણું પડ્યું અને દરિયાનું પાણી એમાં ભરાવા લાગ્યું. મુસાફરો ગભરાઈ ગયા. બધા પોતાનો જરૂરી સામાન બાંધવા લાગ્યા અને જો જહાજમાં વધુ પાણી ભરાઈ જાય, તો સમુદ્રમાં કૂદી પડવાની તૈયારી
કરવા લાગ્યા.
કોઈએ પોતાની પાસેની સુવર્ણમહોરો બાંધી લીધી, તો કોઈએ કીમતી વસ્ત્રોનું પોટલું બાંધ્યું. જહાજના કપ્તાને પણ કહ્યું કે જહાજ પાણી ભરાવાથી ડૂબી જાય એવી પૂરી શક્યતા છે. માટે જેની પાસે જે કંઈ કીમતી વસ્તુ હોય તે સાથે લઈને, વખત આવે સમુદ્રમાં કૂદવાની તૈયારી રાખે.
આ પ્રવાસીઓમાં એક જ્ઞાનીપુરુષ પણ પ્રવાસ ખેડી રહ્યા હતા. એ શાંતિથી પોતાના સ્થાને બેસી રહ્યા. પોતાના સામાનમાંથી કશું કાઢીને બાંધતા નહોતા. એમને જોઈને એક મુસાફરે કહ્યું, ‘અરે ભાઈ, તમે તમારી જરૂરી વસ્તુ કેમ બાંધી લેતા નથી ? શા માટે આમ હાથપગ વાળીને બેઠા છો?’
આ સાંભળીને જ્ઞાનીએ કહ્યું, ‘ભાઈ, મારી આવશ્યક વસ્તુ મારી સાથે જ છે, આથી કોઈ પોટલું બાંધવાની જરૂર નથી.’
થોડા સમય બાદ જહાજ ડૂબવા માંડ્યું એટલે બધા મુસાફરો પોતાનો જરૂરી સામાન લઈને દરિયામાં કૂદી પડ્યા. એમણે દરિયામાં તરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સામાનના બોજને કારણે એક પછી એક બધા દરિયામાં ડૂબી ગયા. જ્ઞાનીપુરુષ તરવાનું જાણતો હતો અને વળી એણે કોઈ વસ્તુ પોતાની સાથે લીધી નહોતી, આથી એ નિરાંતે કિનારે પહોંચી ગયો.
આ જોઈને કોઈએ એને પૂછ્યું, ‘તમે હેમખેમ કિનારે આવ્યા અને બીજા બધા ડૂબી કેમ ગયા ?’
જ્ઞાનીપુરુષે કહ્યું, ભાઈ, દરેક પોતાની આવશ્યક વસ્તુઓ લઈને દરિયામાં પડ્યા હતા. એ વસ્તુઓના ભારથી એ ડૂબી ગયા.’
કોઈએ પૂછ્યું, ‘તો તમે શું કર્યું ? તમે પણ તમારી આવશ્યક વસ્તુઓ તો લીધી હશે ને !’ જ્ઞાનીપુરુષે કહ્યું, ‘હા, મેં પણ મારો આવશ્યક સામાન સાથે લીધો અને તે છે મારું ભીતર.’