મોતના કાસદ જેવા તૈમુર લંગની કિંમત કેટલી ?

મુઘલ-તુર્ક જાતિનો શાસક અને વિનાશક લશ્કરી આક્રમણો માટે જાણીતો તૈમુર લંગ એની ક્રૂરતાને કારણે ‘ઈશ્વરના શાપ’ તરીકે ઓળખાતો હતો. અનેક દેશો પર વિજય મેળવનારો તૈમુર લંગ રસ્તામાં આવતાં ગામો બાળતો, પાકનો નાશ કરતો અને લોકોની કતલ કરતો હતો. એ વિજય મેળવવાની સાથોસાથ પરાજિત લોકોને પકડીને એમને ગુલામ તરીકે વેચતો હતો. પરિણામે તૈમુર લંગ એના સૈનિકો સાથે બહાર નીકળતો, ત્યારે ભયનું વાતાવરણ સર્જાતું હતું. લોકો ચોતરફ નાસભાગ કરવા માંડતા અને સૈનિકોથી બચવા માટે ક્યાંક સંતાઈ-લપાઈ જતા.

એક વાર તૈમુર લંગ લોકોને પકડીને ગુલામ બનાવવા માટે નગરમાં નીકળ્યો. એને જોતાં જ ચોતરફ ભારે શોરબકોર થઈ રહ્યો. લોકો જીવ મુઠ્ઠીમાં લઈને નાસવા લાગ્યા. એના સૈનિકોએ ચોતરફ લૂંટ ચલાવીને કેટલાય નગરજનોને પકડી લીધા. આવા પકડાયેલા લોકોમાં તુર્કસ્તાનનો તત્ત્વજ્ઞાની અહમદી પણ હતો. તૈમુર લંગે એક વ્યક્તિને બતાવતાં આ વિચારશીલ અહમદીને પૂછ્યું, ‘બોલો, કરો વિચાર ! આ તમારી બાજુમાં ઊભેલા માનવીની ગુલામ તરીકે કેટલી કિંમત ગણાય ?’

તત્ત્વજ્ઞાની અહમદીએ નિર્ભયતાથી કહ્યું, ‘આ માનવી બુદ્ધિશાળી, શિક્ષિત અને દયાવાન લાગે છે એટલે એમની કિંમત ઓછામાં ઓછી ચાર હજાર અશર્ફીથી ઓછી થાય નહીં.’

એ પછી તૈમુર લંગ અહમદીને કેદ પકડેલા જુદા જુદા લોકો બતાવતો રહ્યો અને એમની કિંમત પૂછતો રહ્યો. આ ક્રૂર લશ્કરી શાસકને કોણ જાણે કેમ પણ એવું સૂઝ્યું કે એણે પૂછ્યું, ‘તમે બધાની કિંમત કહી બતાવી, તો હવે મારી કિંમત કેટલી તે કહો ?’

આવો પ્રશ્ન સાંભળી તૈમુર લંગના સૈનિકો આશ્ચર્યમાં પડી ગયા, ત્યારે અહેમદીએ કહ્યું, ‘ફક્ત બે અશર્ફી.’

આ સાંભળી તૈમુર લંગનો ક્રોધ ફાટી નીકળ્યો. માત્ર બે જ અશર્ફી ! એ ધૂંઆધૂંઆ થતા બોલ્યા, મારી સાથે આવી ગુસ્તાખી, આ બે અશર્ફીની તો મારી ચાદર છે, સમજ્યા !’

આ સાંભળી અહમદીએ કહ્યું, ‘મેં એની જ કિંમત કહી છે. તમારી કિંમત નથી કહી ! તમારા જેવા ક્રૂર, અત્યાચારી અને પ્રજાને પીડનારા શાસકને તો કોઈ એક રાતી પાઈ આપીને પણ ખરીદે નહીં.’

કાયો તોય લોહી નીકળે નહીં એવી તૈમુર લંગની સ્થિતિ હતી. એને સ્વસ્થ થતાં વાર લાગી, પણ અહમદીની નિર્ભયતા અને હિંમત એને સ્પર્શી ગયાં અને એ જ ક્ષણે એણે અહમદીને બંધનમુક્ત કર્યો.

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑