રામગઢમાં અત્યંત બુદ્ધિશાળી વ્યક્તિ તરીકે રૂપલની ચતુરાઈની વાતો વહેતી હતી. આ સાંભળીને રામગઢના રાજાએ મંત્રીની ખાલી જગા પર રૂપલની નિયુક્તિ કરી. રૂપલ પૂરી નિષ્ઠાથી મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળતો હતો, પરંતુ એક દિવસ રાજાને મનોમન શંકા જાગી કે રૂપલને ઉતાવળે મંત્રીપદ આપીને કોઈ ભૂલ તો કરી નથી ને ! એ બુદ્ધિશાળી છે એવી વહેતી વાતો પરથી તારવેલો નિર્ણય ભૂલભરેલો નથી ને ! આથી એની બુદ્ધિમત્તાની પરીક્ષા કરવાનો રાજાએ નિર્ણય કર્યો.
રાજા અને મંત્રી રૂપલ નગર બહાર ભ્રમણ કરવા નીકળ્યા અને ત્યાં રાજાએ એને એક રાજઉદ્યાન બતાવ્યો. અહીં રથમાંથી ઊતરીને બંને બગીચામાં ફરવા લાગ્યા, ત્યારે રાજાએ એક વ્યક્તિ તરફ સંકેત કરીને પૂછ્યું,
‘રૂપલ, તમે આ વ્યક્તિનું નામ અને ધંધો શું છે તે બતાવી શકો તેમ છો ? જો તમે સાચો જવાબ આપશો તો મારા ખરા મંત્રી !’ થોડીક ક્ષણો વિચારીને રૂપલે કહ્યું, ‘મહારાજ, આ વ્યક્તિનું નામ રૂપલ છે અને એ સુતારનો ધંધો કરે છે.’
રાજાને આશ્ચર્ય થયું. મંત્રીને કઈ રીતે એના નામની અને કામની ખબર પડી ?
એમણે રૂપલને પૂછ્યું, તો એણે ઉત્તર આપ્યો, ‘મહારાજ, જ્યારે આપે મને નામ લઈને બોલાવ્યો ત્યારે એ માણસ ચમકી ગયો હતો. આથી મને ખ્યાલ આવી ગયો કે એનું નામ મારા જેવું જ છે. પછી મેં એના તરફ જોયું તો એની નજર આ રાજમાર્ગનાં સુંદર પુષ્પો ૫૨ કે વૃક્ષ પર લટકતાં સરસ મજાનાં ફળો પર નહોતી, પરંતુ ઝાડના થડ પર હતી. દરેક વ્યક્તિનું ધ્યાન પોતાના ધંધા સાથે જોડાયેલી વસ્તુ પર હોય છે એથી હું સમજી ગયો કે આ સુતાર છે.’
રાજાને રૂપલના ચાતુર્યનો ખ્યાલ આવ્યો અને પોતાની પસંદગી યોગ્ય લાગી.