બદલી થતાં એ વ્યક્તિ બીજા ગામમાં વસવા આવ્યો. ગામલોકોએ આગંતુકનો ભાવભર્યો સત્કાર કર્યો. ગામમાં સ્નેહ અને ભાઈચારાનું વાતાવરણ જોઈને આ વ્યક્તિને ખૂબ ગમી ગયું. આવું સંતોના આશીર્વાદ અને સત્સંગથી સમૃદ્ધ એવું ગામ મળ્યું, તે માટે એ ઈશ્વરનો ઉપકાર માનવા લાગ્યો.
એક વાર એ આ ગામની સ્મશાનભૂમિમાંથી પસાર થતો હતો, ત્યારે એણે એક વિચિત્ર દૃશ્ય જોયું. આ ભૂમિમાં પથ્થરો પર અવસાન પામનારી વ્યક્તિનું નામ અને એનું આયુષ્ય લખવામાં આવ્યું હતું. કોઈ પથ્થર પર છ મહિના લખ્યા હતા, તો કોઈ પથ્થર પર બે વર્ષ લખ્યાં હતાં, તો કોઈ પથ્થર પર દસ વર્ષ લખ્યાં હતાં. આટલું અલ્પ આયુષ્ય જોઈને આ વ્યક્તિના મનમાં ભય જાગ્યો કે શું આ ગામમાં કોઈ વ્યક્તિ લાંબું આયુષ્ય ભોગવતી નહીં હોય ? શું મોટા ભાગની વ્યક્તિ પાંચ, સાત કે દશ વર્ષની બાળવયમાં જ મૃત્યુ પામતી હશે ! ગામ સારું હોવા છતાં એના મનમાં સતત એ ભય કોરી ખાવા લાગ્યો કે આ ગામમાં રહેવાથી એના આયુષ્યનો જલદી અંત આવી જશે ! કદાચ આ ગામ કોઈ શાપિત ગામ હોય !
એણે કમને આ ગામ છોડવાનો નિર્ણય કર્યો અને કોઈ અનુભવીએ એનું કારણ પૂછ્યું, તો એણે એના મનનો ભય પ્રગટ કર્યો. એનો આ ભય સાંભળીને અનુભવી ખડખડાટ હસી પડ્યા અને કહ્યું, ‘અરે, અમારા તરફ તો જુઓ. આ ગામમાં એંસી-સો વર્ષના કેટલા બધા લોકો છે, તો પછી તમે કેમ એમ માન્યું કે આ ગામના લોકો ટૂંકું આયુષ્ય ભોગવીને મૃત્યુ પામે છે.’
ત્યારે એ વ્યક્તિએ સ્મશાનભૂમિના પથ્થરો ૫૨ લખેલાં નામ અને વર્ષની વાત કરી.
અનુભવીએ કહ્યું, ‘ઓહ ! તો આને કારણે તમને ભય જાગ્યો છે. જુઓ, અમારા ગામમાં એક નિયમ છે. પ્રત્યેક ગામવાસી રાત્રે સૂવા જાય તે પૂર્વે હિસાબ કરે છે કે એણે દિવસનો કેટલો સમય સત્સંગમાં વિતાવ્યો, કેટલો સમય સત્કાર્યોમાં ગાળ્યો, કેટલો સમય ભક્તિ અને આરાધનામાં પસાર કર્યો. દિવસભર આવાં સદ્કાર્યોમાં ગાળેલા સમયને એ એની ડાયરીમાં નોંધી રાખે છે. એ વ્યક્તિનું અવસાન થાય પછી એ ડાયરી બહાર કાઢવામાં આવે છે અને એણે સપ્રવૃત્તિમાં કેટલા કલાકો ગાળ્યા, તેના સમયનો સરવાળો ક૨વામાં આવે છે. એના ઉપરથી એની ઉંમર નક્કી કરવામાં આવે છે અને એ ઉંમર સ્મશાનભૂમિના પથ્થર પર એના નામ નીચે લખવામાં આવે છે. વ્યક્તિ જેટલો સમય સત્સંગ, ભક્તિ અને સપ્રવૃત્તિમાં ગાળે, એ જ એનો સાર્થક સમય છે અને એ જ એની ઉંમર છે.’