સાધનાની નદીઓનો સંગમ સંવત્સરીરૂપી સાગરમાં કરીએ !

આત્મશુદ્ધિ અને આરાધનાના સાત દિવસનો સરવાળો આજની ક્ષમાયાચનામાં છે. ક્ષમા આપવાની છે, ક્ષમા માગવાની છે. દિવાળીની બોણી, હોળીનો હારડો, ગુરુપૂર્ણિમાની દક્ષિણા, ભાઈબીજની ભેટથી ય આ અધિકી ભેટ છે. અહમના પહાડને આજ ગાળી નાખવાનો છે. આત્માને ક્ષમાના તાપે તપાવવાનો છે, ને માત્ર મિત્ર સાથે, સ્નેહી સાથે સુવાણી ક્ષમાપના કરવાની નથી, આજે આપણા દ્વેષીની, પ્રખર વિરોધીની, અને ખરા શત્રુ પાસે જઈને ક્ષમા માગવાની છે. તો જ પર્યુષણ પર્વની આરાધના ફળે!

ઓછામાં ઓછા એકાદ શત્રુને તો આજે મિત્ર બનાવજો. ક્ષમા એ સત્યની સખી છે. અહિંસાની પુત્રી છે અને કરુણાની ભગિની છે. બીજા અર્થમાં કહીએ તો ક્ષમા એ પૃથ્વી અને સ્વર્ગ વચ્ચેની સીડી છે અને જૈન ધર્મમાં તો મોક્ષના ભવ્ય દરવાજા તરીકે ક્ષમાને ઓળખવામાં આવી છે. આવી ક્ષમા વગર કોઈ ધાર્મિક કે આધ્યાત્મિક પ્રવૃત્તિ શક્ય નથી. આરાધનાની ઇમારતનો પાયો ક્ષમા છે.

આપણે જાણીએ છીએ કે માણસ માટે પદે પદે ભૂલ થવાનો સંભવ છે. ધન માટે, સત્તા માટે, માન માટે કે કાંચન માટે, કલેશ અને કંકાસ થાય છે. ભલે માનવી ભૂલ કરે, કલેશ કરે, કલહ કરે, પણ જો તેનું હૈયું શ્રાવણી વાદળ જેવું હશે, એને તપની ગરમી લાગશે તો તે ક્ષમાની શીતલ જલવર્ષા ક૨શે. આથી દિલના કંકુથી અને દેહની કલમથી આત્મભાવનાના અક્ષરે ક્ષમાપના કરવી જોઈએ.

માત્ર શબ્દોચ્ચાર કરીને વ્યવહારમાં ક્ષમા માગવામાં આવે તે તો દ્રવ્યક્ષમા છે, પરંતુ એ ક્ષમા ભાવ થાય તો એ ભાવક્ષમા ગણાય. જે જે જીવો સાથે વેર બંધાયાં હોય તેની ક્ષમા માંગવી અને ફરી એવી ભૂલ ન થાય એવો ભાવ રાખવો તેને ભાવક્ષમા કહે છે. જૈનદર્શન કહે છે કે સમ્યક્દૃષ્ટિ આત્મા ભાવક્ષમાપના કરી શકે છે. અજ્ઞાની જીવ ભાવક્ષમાપના કરી શકતો નથી, આથી જ ખમવું અને ખમાવવું, ઉપશમવું ને ઉપશમાવવું એ ચારિત્રનો સાર ગણાય છે.

આજે કયા પ્રકારની ક્ષમા માણીશું ? શાસ્ત્રમાં દૈનિક, પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક એવા ક્ષમાપનાના ચાર મુખ્ય પ્રકાર બતાવ્યા છે. જો ત્રણ પ્રકારે ક્ષમા કરવાનું ચૂકી જવાય તો સાંવત્સરિક ક્ષમાપના દરેક વ્યક્તિએ અવશ્ય કરી લેવી જોઈએ, કારણ કે જો સાંવત્સરિક ક્ષમાપના ચૂકી જવાય તો કષાયો અનંતાનુબંધી બની જાય છે. વળી સમ્યક્ત્વ પણ લોપાય છે. આથી કપાયોની મંદતા માટે અને સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે ક્ષમાપના જીવનમાં જરૂરી છે.

જૈન ધર્મમાં ક્ષમા માત્ર માનવસંબંધો પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમસ્ત જગતને એ આવરી લે છે. વળી ક્ષમા માગનાર તે આરાધક છે. ક્ષમાપનાથી પાપમય વિચારો અને અશુદ્ધ આચારો નાશ પામે છે અને કર્મની પાટી ચોખ્ખી થાય છે, આથી જ ક્ષમાપના આત્મશુદ્ધિ દ્વારા આત્મસ્વરાજ્ય આપે છે. આજે મન, વચન અને કાયાથી કરતા, કરાવતા અને અનુમોદતા જાણે અજાણે થયેલા દોષોની માફી માંગવાની હોય છે. આ સમયે ભણેલો કે અભણ, ગરીબ કે તવંગર, ગુરુ કે શિષ્ય કશાનો ભેદ રહેતો નથી. એવા કશાય ભેદનો વિચાર કર્યા વિના વ્યક્તિએ પોતે જ સામેથી ક્ષમા માંગી લેવી જોઈએ. આજે વર્ષભરના જાણતાં-અજાણતાં થયેલા વેર-વિરોધને પરસ્પર મિથ્યા કરીએ. ભવિષ્ય માટે જાગ્રત થઈએ. થઈ તેવી ભૂલ થવા દઈએ નહિ ! ઉદારતાનો અમૃતપ્યાલો હરહંમેશ દિનરાત પીએ, પિવરાવીએ અને સપ્તદિનરૂપી સાધના નદીનો સંગમ સંવત્સરી રૂપી સાગરમાં કરીએ.

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑