જિંદગીની રફતાર એવી છે કે દોડતો માનવી સહેજ બીમાર પડે અને ડૉક્ટર પાસે દોડી જાય છે. એના પેટમાં થોડો અપચો થાય કે તરત એ ડૉક્ટર પાસે જશે અને ડૉક્ટર પણ એને તત્કાળ દવા આપીને ડામવાનો ઉપાય કરશે.
માથામાં એકાએક સખત દુઃખાવો થાય, ત્યારે તો ક્વચિત્ ડૉક્ટર પાસે જવાને બદલે પોતે જ પર્સ કે પાકીટમાંથી કાઢીને માથાના દુઃખાવાની ગોળી પાણી સાથે વારંવાર ગટગટાવતો રહે છે.
ક્યારેક રાત્રે ઊંઘ આવે નહીં અને પછી એ અનિદ્રાના રોગની ગોળી પથારીના ઓશીકા પાસે રાખશે અને લાંબો સમય ટેલિવિઝન જોયા પછી ઊંઘ ન આવે કે મનમાં વિચારો ઘૂમરાયા કરે એટલે તરત જ એ નિદ્રા માટે ગોળી લેશે. પરંતુ આ બીમાર વ્યક્તિ પોતાના દર્દના મૂળનો વિચાર કરતી નથી અને આવી વ્યાધિઓ જન્માવતી જીવનશૈલી અંગે ગંભીર રીતે વિચારતી નથી.
વ્યક્તિની પોણા ભાગની શારીરિક વ્યાધિઓ એના માનસિક વલણને પરિણામે જાગેલી હોય છે. પેટનાં ચાંદાં, હૃદયનાં દર્દો વગેરેનું જન્મસ્થળ તો વ્યક્તિનો સ્વભાવ અને એની જીવનપદ્ધતિ સાથે છે. સ્ટ્રેસનો ભોગ બનેલી વ્યક્તિ માત્ર પેટના ચાંદાનો જ ભોગ બનતી નથી, પરંતુ સ્ટ્રેસને કારણે એ માનવી રોગગ્રસ્ત બનતો હોય છે અને અકાળે મરણને શરણ થતો હોય છે, આથી શરીરના વ્યાધિનો ઇલાજ કરતાં પૂર્વે એને સર્જતા મનના મૂળ કારણને જાણવું જોઈએ.