વિચારોનું ઉત્પાદન કરતી ફેક્ટરી

મનની ફૅક્ટરીમાં વિચારોનું ઉત્પાદન થતું હોય છે અને આ વિચારો જ માનવીના જીવનને આકાર આપતા હોય છે. જોવાનું એ હોય છે કે આ મનની ફૅક્ટરી ક્યાં આવેલી છે ? મનની એ ફૅક્ટરી નિરાશાજનક, નકારાત્મક કે હિંસક સ્થળે આવેલી છે કે પછી આશાજનક, સકારાત્મક અને અહિંસક સ્થાને આવેલી છે. આ ફૅક્ટરી જેવી હશે, એવું એનું ઉત્પાદન કરશે.

મનની આ ફૅક્ટરીની યંત્રસામગ્રી અત્યંત ઝડપી હોય છે. એ જીવનની નિરાશાનો વિચાર કરવા બેસશે, તો છેક આત્મહત્યા કરવા સુધી દોડી જશે ! જો એ ફૅક્ટરી કોઈ આશાભર્યા ઉન્નત સ્થળે આવેલી હશે, તો એ જીવન પ્રત્યે ઉત્સાહભર્યા પૉઝિટિવ વિચારોનું ઉત્પાદન કરશે.

આમ માણસના વિચારોથી જ એનું ચરિત્ર ઘડાય છે. એ વિચારોથી પોતાની વાતને મનમાં સુગ્રથિત કરે છે અને પછી જ એના પર મજબૂત ગાંઠ લગાવે છે. આ વિચારો એને પ્રગતિશીલ જીવન પ્રતિ દોરી જાય છે અથવા તો એ જ વિચારો એનામાં અધોગતિ સર્જતા હોય છે. સામાન્ય રીતે એમ કહેવાય છે કે માણસ વિચારોનો માલિક છે, પરંતુ વાસ્તવમાં વિચારો જ માણસના જીવનને આકાર આપતા હોય છે. એ વિચારો એનાં વલણો નક્કી કરે છે, એના જીવનનો માર્ગ નિશ્ચિત કરે છે અને એ વિચારો જ એને જગતને કઈ દૃષ્ટિએ જોવું તે શીખવે છે.

આ વિચાર પાસે અપ્રતિમ શક્તિ છે. એ વિચાર વ્યક્તિનું રૂપાંતરણ કરી શકે છે. એ વિચાર એની સુષુપ્ત શક્તિને જગાડી શકે છે. એ વિચાર એને દાનવી કે દૈવી વૃત્તિઓ તરફ દોરી જાય છે અને પછી એના વિચાર પ્રમાણે જ એનું જીવન ઘડાય છે. પોતાના વિચાર પ્રમાણે જ એ બુદ્ધિ ચલાવતો હોય છે અથવા તો પ્રેમ કરતો હોય છે. આ રીતે માણસનું મુખ્ય કાર્ય છે કે મનમાં સકારાત્મક વિચારો લાવીને જીવનને સમૃદ્ધ કરવું.

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑