ક્રિયા અને પ્રતિક્રિયામાં જ સતત જીવતું મન ક્યારેય એ વિચારતું નથી કે એની તત્કાળ પ્રતિક્રિયાનો શું અર્થ થશે. ‘આ કામ મારાથી નહીં થઈ શકે’ અથવા તો ‘આજે હું ખૂબ થાકી ગયેલો છું’ કે ‘મારું મન ભયથી ઘેરાઈ ગયું છે’ એવાં વાક્યો ઉચ્ચારનાર વ્યક્તિને એ અંદાજ આવતો નથી કે એ પોતાની જાતને અને જીવનને કેવું બાંધી દે છે. એ જ્યારે એમ કહે છે કે ‘આ કામ મારાથી થઈ શકશે નહીં’ ત્યારે એ એની શક્તિની લક્ષ્મણરેખા દોરી લે છે અને પછી એ મર્યાદા ઓઢીને પોતાનાં કામોને સીમિત કરી નાખે છે. એને બદલે જો એ એવો ભાવ સેવે કે ‘હું આ કામ કરી શકું એમ છું’, તો એની સામે અનંત શક્યતાઓ ખૂલે છે. એ લક્ષ્ણમરેખાને વટાવી શકે છે અને પોતાની શક્તિને વધુ પ્રગટાવવા માટે પ્રયત્નશીલ બની શકે છે.
‘હું ખૂબ થાકી ગયો છું’ એમ કહેનાર થાકની રજાઈ ઓઢીને સૂઈ જાય છે. તદ્દન નિષ્ક્રિય બની જાય છે અથવા તો પોતાની જાતથી હારી જાય છે. એ જ વ્યક્તિ જો એમ વિચારે કે મેં મહેનત કરી, એટલે થોડો થાક લાગે તે સ્વાભાવિક છે. ત્યારે એનો થાક ઓછો થશે અને મહેનત કરવાનો ઉત્સાહ વધતો જશે. ‘મારું મન ભયથી ઘેરાઈ ગયું છે’ એમ બોલનાર મનમાં ભયને વધુ ને વધુ ઘૂંટતો રહેશે અને એ ભય થોડો વધુ સમય રહે તો તેના પર સવાર થઈ જશે. એના ચિત્તને ઘેરી વળશે, પણ જો એ વ્યક્તિ એમ વિચારે કે ભય છે તે હું જાણું છું, પરંતુ તેમાંથી હું માર્ગ કાઢીશ, તો એ એના જીવનમાં ભય પર વિજય મેળવી શકે છે. આ રીતે આપણા પ્રતિક્રિયા રૂપે બોલાતા શબ્દોમાં પ્રગટ થતી મનોવૃત્તિ જીવનને ઘાટ આપતી હોય છે અને તેથી જ આવાં નકારાત્મક વાક્યો બોલતા પૂર્વે સો વાર વિચાર કરવો જોઈએ.