તમારો એક્સટ્રા પાવર

તમને તમારા વ્યક્તિત્વનો પરિચય છે. તમારી આવડત વિશેની પૂરી જાણકારી છે. લોકો તમારા એ વ્યક્તિત્વને કઈ રીતે ઓળખે છે, એની પણ તમને પૂરી જાણ છે. એ વ્યક્તિત્વને આકર્ષક રીતે પ્રગટાવવા માટે કીમતી વસ્ત્રો અને મોંઘા અલંકારો પણ તમે ધારણ કરો છો. એ વ્યક્તિત્વમાં સતત ઉમેરો કરવાની તમારી તીવ્ર ઝંખના હોય છે અને તેથી જ કોઈ ચડિયાતી વ્યક્તિની ‘સ્ટાઇલ’ને અપનાવવા આતુર હો છો. મોટા ભાગની વ્યક્તિઓ પોતાના આવા જૂના અને જાણીતા વ્યક્તિત્વની સંભાળ લેવામાં ડૂબેલી હોય છે, પરંતુ આની સાથે દરેકમાં એક સુષુપ્ત વ્યક્તિત્વ પડેલું હોય છે.

એ સુષુપ્ત વ્યક્તિત્વને ઓળખવું, જગાડવું અને એમાંથી પ્રભાવ પેદા કરવાનું કામ કરવાનું હોય છે. એને ઓળખવા માટે વ્યક્તિએ પોતાની ભીતરમાં નજર કરવી પડે છે. એને જાગ્રત કરવા માટે પોતાની શક્તિઓનું વિશ્લેષણ કરવું પડે છે અને એનો પ્રભાવ પ્રગટાવવા માટે એ સુષુપ્ત વ્યક્તિત્વને સંકલ્પપૂર્વક યોગ્ય દિશામાં વાળવું પડે છે.

આ સુષુપ્ત વ્યક્તિત્વ એ મનનો ચડિયાતો ગુણ છે અથવા તો વ્યક્તિમાં રહેલો ‘એકસ્ટ્રા પાવર’ છે. આ શક્તિને બરાબર પ્રગટ કરવા માટે મનમાં આવતા વિચારોને યોગ્ય રૂપ આપવાનું અને વ્યવસ્થિત આયોજન કરવાનું જરૂરી બને છે. વ્યક્તિ માત્ર એના વ્યક્તિત્વની જ શિલ્પી નથી, બલ્કે એથીય વિશેષ તો એના સુષુપ્ત વ્યક્તિત્વને આકાર આપીને એના પ્રભાવને એની નિહિત સુષુપ્ત શક્તિને વધુ પ્રગટાવનારી પણ છે.

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑