ખરબચડા, આકારવિહોણા મોટા પથ્થર પર ટાંકણાં મારતાં શિલ્પીને તમે જોયો હશે ! એ સંપૂર્ણ એકાગ્રતાથી એ પથ્થર પર ટાંકણા મારીને શિલ્પ કંડારતો હોય છે. તમે સ્વયં તમારા જીવનશિલ્પના ઘડવૈયા છો અને જેમ સૌંદર્યનિષ્ઠ શિલ્પી પથ્થર પ્રત્યે લેશમાત્ર નફરત ધરાવતો નથી, બલ્કે એને ચાહે છે, તેમ વ્યક્તિએ એની જાત પ્રત્યે સહેજે નફરત ધરાવવી જોઈએ નહીં, બલ્કે પોતાની જાતને ખૂબ ચાહવી જોઈએ. શરીર, મન અને આત્માથી વ્યક્તિનું અસ્તિત્વ બને છે અને એ અસ્તિત્વનાં શિલ્પને કંડારવા માટે ત્રણે વચ્ચે પરસ્પરની સંવાદિતા મહત્ત્વની છે.
શરીરની ઘોર ઉપેક્ષા કરીને તમે આત્માને જાળવી શકશો નહીં. ભલે એ આત્મા જન્મોજન્મ તમારો સાથી હોય, પરંતુ આ જન્મમાંય એ મળ્યો છે એનું ઓછું મૂલ્ય નથી. તે જ રીતે મનને બેપરવા કે બેલગામ રાખીને તમે આત્મા સુધી પહોંચી શકશો નહીં. અનિયંત્રિત મન આસપાસ એટલું ભટકે છે કે એ આત્માના ઊંડાણમાં જઈ શકતું નથી. આ રીતે શરીરની ક્ષમતા, મનની લાગણી અને આત્માની શક્તિને વ્યક્તિએ ઓળખવા જોઈએ. એક શિલ્પી જેટલી કાળજી લે છે, તે રીતે વ્યક્તિએ પણ એ ત્રણેયની કાળજી લઈને જીવનશિલ્પ ઘડવું જોઈએ.
જ્યાં સુધી વ્યક્તિ પોતાની જાતનું શિલ્પ બરાબર ઘડતો નથી, ત્યાં સુધી એને કોઈ સફળતા હાથ લાગતી નથી, કારણ એ કે જો શરીર, મન અને આત્માનાં સંગીતના સૂર બીજા સૂર સાથે સંવાદ નહીં સાધે, તો શરીર વહેલું થાકી જશે, મન નિરંકુશ બનીને અવળે માર્ગે ચડી જશે અને આત્મા વ્યક્તિને માટે અદૃશ્ય બની રહેશે.