માણસને જાતે હાર પહેરવાની ભારે બૂરી આદત વળગેલી છે. એ જીવનમાં સફળતા હાંસલ કરે એટલે પોતાની જાતે જ ‘પોતે અત્યંત હોશિયાર છે, બીજાઓ કરતાં ઘણો કુશળ છે અને એની કાબેલિયતનો કોઈ પાર નથી’ એમ માનીને પોતાની પીઠ સતત થાબડતો રહે છે, પરંતુ જો એને નિષ્ફળતા મળે તો એ તરત જ બીજાનો દોષ કાઢવા દોડી જશે. પહેલા દોષ કાઢશે પોતાના વિરોધીઓનો કે જેને કારણે એની બાજી ઊંધી વળી ગઈ. જો એવો દોષ બીજાને આપી શકાય તેમ ન હોય, તો તે તરત જ પોતાની પરિસ્થિતિ અને આસપાસના જડ, રૂઢ સમાજનો દોષ કાઢશે અને પોતાની જાતને એમ ઠસાવશે કે આવી પરિસ્થિતિમાં અને આવા શૂદ્ર સમાજમાં સફળતા ન મળે, તે તદ્દન સ્વાભાવિક છે. જો આ બંને દોષ કાઢી શકવાની શક્યતા નહીં હોય તો એ ત્રીજો દોષ પોતાના તકદીરનો કાઢશે અને માનશે કે એનું નસીબ જ વાંકું હતું એટલે પારાવાર શક્તિ હોવા છતાં એને નિષ્ફળતા મળી. આથી જ પોતે આટલો બધો કાબેલ હોવા છતાં ફાવ્યો નહીં.
સૌથી મહત્ત્વની બાબત એ છે કે વ્યક્તિએ પોતાના જીવનમાં પોતાનાં કાર્યોની જવાબદારી સ્વીકારવાની ખેલદિલી રાખવી જોઈએ. વિરોધીના દાવપેચ કે નસીબની આડાઈને દોષ આપવાને બદલે તમારી સફળતાની સાથોસાથ તમારી નિષ્ફળતાને માટેય તમારી જાતને જ જવાબદાર માનો. તમારી જવાબદારીનો ટોપલો બીજાને માથે નાખવાને બદલે તમે પોતે જ સ્વીકારી લો અને બીજાના દોષ કે દાવપેચનો વિચાર કરવાને બદલે તમારા દોષ અને પોતાની મર્યાદાને ઓળખો. આમ કરવાથી વ્યક્તિ પોતાના કાર્યને યોગ્ય સંદર્ભમાં જોઈ શકે છે અને એની ધ્યેયપ્રાપ્તિનો માર્ગ અવરોધરહિત બને છે. પોતાનાં તમામ કાર્યોની જવાબદારી પોતે સ્વીકારી લે, તો વ્યક્તિની સામે એક નવું વિશ્વ ખૂલશે અને નવી શક્યતાઓની અનેક ક્ષિતિજો ઊઘડવા લાગશે.