જીવનવિકાસ માટે જ નહીં, કિંતુ જીવનની પ્રત્યેક પ્રવૃત્તિ માટે સૌથી મહત્ત્વની બાબત હોય તો તે વિચારનું યોગ્ય ‘આયોજન’ છે. કેટલીક વ્યક્તિ સતત વિચાર કર્યા કરતી હોય છે. એના મનમાં એક વાત પેસી જાય, પછી એ વાતને એ ક્ષણમાત્ર પણ ભૂલી શકતો નથી. એ વાત કે એ ઘટના એના મનનો સતત પીછો કરે છે, જ્યારે કેટલીક વ્યક્તિ એકસાથે અનેક બાબતો પર વિચાર કરતી હોય છે. એને એક ક્ષણમાં નોકરીએ ટાઇમસર પહોંચવાનો વિચાર આવે, તો બીજી ક્ષણમાં બાકી રહેલા કામની ચિંતા જાગે, તો વળી તરત જ ત્રીજી ક્ષણે કોઈને મળવા જવાનો વિચાર ઊભો થાય અને ચોથી ક્ષણે મહિના પછી આવનારા લગ્નપ્રસંગને માટે રજા મળશે કે નહીં તેની ફિકર જાગે ! વ્યક્તિ ક્ષણે ક્ષણે સતત એક વિચાર પરથી બીજા વિચાર પર ઊંચો કૂદકો લગાવતી હોય છે. હજી એક વિચાર પર મન ઠરે, તે પહેલાં એ બીજા વિચાર પર જવા માટે કૂદકો લગાવે છે. પરિણામે એનું મન ચંચળતા કે દુર્બળતાનો શિકાર બને છે. વિચાર માનવીની પ્રબળ શક્તિ છે, એ જ માણસના જીવનની સૌથી મોટી અશક્તિ કે નિર્બળતા બની જાય છે. જમીનમાંથી પાણી કાઢવા માટે કોઈ એકસો ફૂટ સુધી ખોદે અને પાણી ન મળે એટલે બાજુની જમીન પર ખાડો ખોદવાનું શરૂ કરે, ત્યાં પણ એકસો ફૂટ ઊંડે પાણી ન મળે એટલે ત્રીજો ખાડો ખોદે અને એમ પાંચ-સાત ખાડાઓ ખોદી નાખે. જો એણે એક જ જગાએ ત્રણસો ફૂટ ઊંડો ખાડો ખોદ્યો હોત, તો નિરાંતે પાણી મળ્યું હોત ! આમ એક વિચારને ચિત્તમાં રાખીને એને વિશે એકાગ્રતાથી ઊંડું ચિંતન કરવામાં આવે, તો વ્યક્તિ સફળ થાય છે. આમ મનમાં વિચાર તો આવવાના પણ, એમાં સૌથી મહત્ત્વની બાબત તો એ વિચારના યોગ્ય આયોજનની છે.