તમારી એક્સટ્રા ઊર્જા

તમે ચમત્કાર સર્જી શકો છો. એ ચમત્કાર સર્જવાની શક્તિ પણ તમારામાં નિહિત છે, કારણ કે વ્યક્તિની ભીતરમાં એની પ્રબળ ઊર્જાનો એક મહાન સ્રોત વહેતો હોય છે. આ એક એવી શક્તિ છે કે જે વ્યક્તિ પાસે એની શક્તિ કરતાં વધુ શક્તિશાળી કાર્ય સાકાર કરાવે છે. આ એક એવી શક્તિ છે કે જે કાર્ય કરવાની શક્યતા લાગતી ન હોય એવા અશક્યને શક્ય કરી આપે છે. કોઈ પરાક્રમ કે કોઈ અસંભવ કાર્ય તમે એ શક્તિના જોરે કરો છો. માંડ થોડું ચાલી શકતી વ્યક્તિ ઊંચા શિખર પર સફળ રીતે આરોહણ કરે છે. અત્યંત નિર્બળ એવી વ્યક્તિ ચોર-લૂંટારાઓનો હિંમતભેર સામનો કરીને એમને ભગાડે છે. એકાએક આફત આવે ત્યારે વ્યક્તિ અસાધારણ હિમ્મત બતાવે છે. આ બધું આવે છે ક્યાંથી ? જીવનની કટોકટીની ક્ષણે એક વિશેષ હિંમત કે સાહસ પ્રગટ થાય છે અને તમારામાં પડેલી એ શક્તિ ‘કેસરિયાં’ કરીને સિદ્ધિ મેળવે છે. આવી શક્તિ વર્ષોથી વ્યક્તિના ભીતરમાં પડેલી હોય છે, પરંતુ એ એની આ ‘એકસ્ટ્રા ઊર્જા’થી સાવ અજાણ હોય છે. જેમણે અસાધારણ સાહસો કર્યાં, અપૂર્વ સિદ્ધિઓ મેળવી, અસંભવને સંભવ કરી બતાવ્યું એ બધાએ એમની આ ‘એકસ્ટ્રા ઊર્જા’ના ઉપયોગથી સિદ્ધિ મેળવી છે. તમે ક્યારેય તમારી આ ‘એકસ્ટ્રા ઊર્જા’ વિશે વિચાર કર્યો છે ખરો ?

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑