‘જાણવું’ અને ‘પામવું’ એ બે વચ્ચે ઘણું મોટું અંતર હોય છે. આ બંને તદ્દન ભિન્ન ક્રિયા છે. જાણવું એ વ્યક્તિને માત્ર બાહ્ય રૂપ સુધી પહોંચાડે છે, જ્યારે પામવું એ વ્યક્તિના ભીતર સાથે એકરૂપ બને છે. ભક્તિના જુદા જુદા પ્રકારોનું ઊંડું જ્ઞાન માનવીને ભક્ત નહીં બનાવે. ઈશ્વરના સ્વરૂપ વિશેના ગહન સિદ્ધાંતોની જાણકારી એને ઈશ્વર નહીં બનાવે. ધર્મનાં પરમ તત્ત્વો અને ગૂઢ રહસ્યોનું જ્ઞાન તમને ધાર્મિક નહીં બનાવે. વ્યક્તિ જ્ઞાની બને. તત્ત્વજ્ઞાની બને અને છતાં એ તત્ત્વને આત્મસાત્ કરી શકતો નથી. આનું કારણ એ છે કે જ્ઞાન એને બાહરી રૂપ સુધી લઈ જાય છે, જ્યારે પ્રેમ એને એની આંતરચેતના પાસે લઈ જાય છે. જે જાણીએ છીએ, એને આત્મસાત્ કરવું હોય તો તેને માટે પ્રેમ જોઈએ.
જે પામવાનું છે અને જે જાણીએ છીએ તે વિશેના જ્ઞાનમાં એક અંતર હોય છે, દ્વૈત હોય છે. જ્યારે પામવા માટેના પ્રેમમાં અદ્વૈત હોય છે. ઈશ્વરને જાણવા માટે પંડિત કે શાસ્ત્રી બનવું પડે. ઈશ્વરને પામવા માટે અનોખી મસ્તીવાળા ભક્ત થવું પડે. જ્ઞાનીની સાથે જ્ઞાન હોવાનો અહંકાર પાછલે બારણે પ્રવેશી જતો હોય છે, જ્યારે ભક્તિ સાથે કોઈ અહંકાર આવતો નથી. માત્ર ઈશ્વર પ્રત્યેની એકરૂપતાની તીવ્ર લાલસા જ રહે છે.