કેટલીક વ્યક્તિઓ એવા ભય હેઠળ જીવતી હોય છે કે એ તમને કહેશે કે પાછલી જિંદગીમાં હૃદયરોગનો હુમલો થાય તો સારો, પણ પૅરાલિસિસ ન થાય. પૅરાલિસિસ થશે તો કેવી લાચારીથી જીવવું પડશે! કોઈને માથે એ ભય સતાવતો હોય છે કે આ નોકરી ચાલી જશે તો શું થશે ? નવી નોકરી અને નવા વાતાવરણમાં કામ કરવાની હવે ત્રેવડ રહી નથી. કોઈને એ ભય સતત સતાવે છે કે ઘરના મોવડીનું જો અણધાર્યું અવસાન થશે, તો એને માથે આકાશ તૂટી પડશે, કારણ કે કુટુંબનો કારોબાર ચલાવવાનું એનું ગજું નથી. કોઈને એ ભય સતાવે છે કે ભલે આજે સત્તાની લીલાલહેર હોય, પણ જો આ બધા વિરોધીઓ એકજૂથ બનીને એને સત્તાસ્થાનેથી ખસેડી કાઢશે તો શું ? કોઈ કીર્તિવંત વ્યક્તિને માથે એવો ભય રહે છે કે પોતાના મૃત્યુ બાદ સંતાનો ઘરનો માન-મરતબો જાળવી નહીં શકે તો શું થશે ?
દરેક માણસ કોઈ ને કોઈ ભયને હંમેશાં પંપાળતો રહે છે. એના મન પર કોઈ એકાદ નહીં, બલ્કે અનેક ભય સવાર થયેલા હોય છે. પરંતુ આમાંના કેટલાક ભય એવા હોય છે કે જેને વર્તમાન સાથે સ્નાન-સૂતકનો સંબંધ હોતો નથી. માત્ર અટકળ, ધારણા કે કલ્પનાએ એના આવા ભયને પોષ્યા હોય છે. વાસ્તવિક ભય કરતાં પણ આ કાલ્પનિક ભય વધુ ડરામણો છે, કારણ કે એ વ્યક્તિ ભયના એ વિચાર-વિહારને અટકાવી શકતો નથી. ભવિષ્યમાં સર્જાનારી આપત્તિનો ભય વ્યક્તિને એવો ભાંગી નાખે છે કે એનું વર્તમાન જીવન ક્ષુબ્ધ બની જાય છે. આ ભયનો એક જ રીતે સામનો થઈ શકે અને તે એવા સંકલ્પથી કે આવતીકાલે જિંદગીમાં કોઈ પણ ભય આવશે, તો એનો હું મક્કમ રીતે સામનો કરીશ.