તમારી આંખનો તમે ક્યારેય વિચાર કર્યો છે ખરો ? જિંદગીની પ્રત્યેક જાગૃત પળ સાથે સંકળાયેલી આંખ આપણી કેવી અભિન્ન સાથી છે ! પરંતુ આંખના એ ભંડારને આપણે ક્યારેય, કદીય ખોલ્યો છે ખરો? એવી પણ આંખ મળે કે જેમાં અહર્નિશ વાસનાના તરંગો ઊછળતા હોય અને એવી પણ આંખ મળે કે જેમાંથી સતત ભાવના અને ભક્તિ ટપકતાં હોય. એવી પણ આંખ હોય છે કે જેમાં સદાય નવાં નવાં સ્વપ્નો ઊગતાં હોય અને એવી પણ આંખ મળે કે જ્યાં નિરાશા અને ઉદાસીના થર પર થર જામ્યા હોય ! એક વ્યક્તિની આંખ જગતનું અમૃત શોધતી હોય છે અને બીજી વ્યક્તિની આંખ જગતનાં ઝેરને ગમે ત્યાંથી શોધી કાઢતી હોય !
આ આંખની અનેરી દુનિયા છે. પગમાં કે માથામાં પીડા થાય અને આંખમાં આંસુ આવે ! પોતાના કે પારકાના જીવનની વેદના કાનથી સાંભળીએ, પરંતુ એનો પડઘો આંખ જ ઝીલે. એ આંખમાં ઝળઝળિયાં કે અશ્રુ ધસી આવે છે.
માનવીના હૃદયનો અરીસો છે આંખ અને એથી જ એના હૃદયમાં વસતા અહંકારને એની આંખથી ઓળખી શકાય. એના હૃદયમાં વસતી નમ્રતા એની આંખથી પામી શકાય. અહંકારીની આંખના ડોળા ઊંચા થઈ ગયા હોય છે અને વિનયીની આંખની કીકી શિષ્ટાચારથી નમી ગઈ હોય છે. બીજાની ફિકર છોડીને આપણે આપણી આંખનો ભંડાર ખોલીએ, તોય આપણી જાત વિશે ઘણું જાણવાનું મળે.