તમારી બૅંક જેવું છે તમારું મન. બૅંકમાં તમે ડિપૉઝિટ મૂકો છો, એ જ રીતે મનમાં હકારાત્મક અને નકારાત્મક વિચારોની ડિપૉઝિટ મૂકતા હો છો. બૅંકમાં જેમ રૂપિયા વધુ મૂકતા જાવ, તેમ સિલક વધતી જાય છે, એમ મનમાં પણ જો તમે હકારાત્મક વિચારો મૂકતા જાવ તો એની સિલક જમા થાય છે અને જો નકારાત્મક વિચારો ડિપૉઝિટ કરતા જાવ, તો એની સિલક ભેગી થાય છે. જો નકારાત્મક વિચારો એકઠા કર્યા હશે, તો સમય જતાં ચિંતા અને ઉશ્કેરાટ રહેવા માંડશે. હકારાત્મક વિચારોની ૨કમ તમારા ખાતામાં મૂકી હશે, તો તમને સારા અને રચનાત્મક વિચારો આવશે, જેને પરિણામે જીવનમાં પ્રગતિ સાધી શકશો.
આનો અર્થ જ એ કે તમે મનની બેંકમાં જે મૂકો છો, તેવું તમે મેળવો છો. મન વિચાર મૂકવાનું કામ કરે છે, મન એની પાસે સારા કે નરસા, ઊંચા કે નિમ્ન – એ બધા વિચારો બૅંકમાં ડિપૉઝિટ કરે છે અને પછી એ ડિપૉઝિટ થયેલા વિચારોની રકમ પાછી મેળવે છે. તમારી ડિપૉઝિટ એ તમારા જીવનની કમાણી છે અને એમાંથી તમે જીવનમાં આશા કે નિરાશા, કટુતા કે પ્રસન્નતા, વેદના કે સુખ મેળવી શકો છો. મનની બૅંકમાં તમારા વિચારોની ડિપૉઝિટ રહે છે. તમે એને ધારો ત્યારે પાછી મેળવી શકો છો, માત્ર તફાવત એટલો જ છે કે આ મનની બૅંકમાં ઓવરડ્રાફ્ટ મેળવવાની અનુકૂળતા કે ક્રૅડિટની કોઈ સગવડ હોતી નથી.