તમે રોજ બહાર ફરવા જાવ છો અને ચાલતા ચાલતા આસપાસની સૃષ્ટિ જુઓ છો. એમાં થતી ચહલપહલને ચકળવકળ આંખોથી નીરખો છો અને એના કોલાહલને કાને હાથ મૂકીને સાંભળો છો. પણ તમે ક્યારેય મૌનના મલકમાં લટાર લગાવી છે ખરી? મૌનના જગતમાં જેમ ચાલશો, તેમ તમારા ભીતરને તમે જોઈ શકશો અને તમારા હૃદયમાં રહેલી પ્રત્યેક વૃત્તિઓને પારખી શકશો. એમાં રહેલા અંધારાને હટાવવાની કોશિશ કરી શકશો અને પ્રકાશની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ બની શકશો. મનના માર્ગે ચાલો છો, ત્યારે તમે એકલા હો છો. તમારું સમગ્ર અસ્તિત્વ એમાં લીન બની જાય છે. અરે ! તમારો દેહાધ્યાસ પણ છૂટી જાય છે અને માત્ર આત્મા પર નજર ઠરે છે.
મૌનના માર્ગે ચાલવા માટે સંકલ્પ અને સાહસ જોઈએ. સંકલ્પ એ માટે કે વ્યક્તિ વારંવાર શાંતિ મેળવવાનો વિચાર કરે છે. મૌન રાખવાનો નિર્ણય લે છે, પરંતુ વ્યવહારજીવનના કોલાહલમાં એને એની ફુરસદ મળતી નથી. એની ઇચ્છા વણછીપી રહે છે અને તેથી એ એના આંતરજગતથી અજાણ્યો બની રહે છે. મૌનમાં ચાલતી વખતે સાહસ એ માટે જરૂરી હોય છે કે વ્યક્તિએ પરમાત્મ-પ્રાપ્તિનું ધ્યેય રાખ્યું હોય છે. એ ધ્યેય પર નજર રાખીને એણે પોતાના દોષોને દૂર કરવાના અને ગુણોને વિકસાવવાના હોય છે. એ પથભ્રષ્ટ થવાને બદલે ઊર્ધ્વપથનો યાત્રીક બને છે.