અડગ કાર્યનિષ્ઠા

નોબેલ પારિતોષિક વિજેતા, સાપેક્ષતા(રિલેટિવિટી)ના સિદ્ધાંતના સ્થાપક એવા ભૌતિકશાસ્ત્રી અને ગણિતજ્ઞ આલ્બર્ટ આઇન્સ્ટાઇન (1879-1955) પોતાના સાથી મદદનીશ સાથે એક સંશોધનપત્ર તૈયાર કરી રહ્યા હતા. એક પછી એક કાગળો લખતા ગયા અને અંતે સંશોધનલેખ પૂરો થયો ત્યારે એમણે એ કાગળોને એક સાથે રાખવા માટે મોટી યૂ-પિનની જરૂર પડી.

પુસ્તકો અને કાગળોના ઢગ વચ્ચે આ મહાન વિજ્ઞાનીએ મોટી યૂ-પિનની શોધ ચલાવી, પણ મળતી નહોતી. આખરે રૂમમાં બધું ફેંદી વળતાં એકમાત્ર યૂ-પિન મળી અને તે પણ સાવ વળી ગયેલી !

આઇન્સ્ટાઇને એ પિનને સીધી કરવાનું વિચાર્યું. એને બરાબર ટીપવા માટે કોઈ સાધન શોધતા હતા, ત્યાં તો યૂ-પિનનું આખું બૉક્સ મળી આવ્યું. મદદનીશે વિચાર્યું કે આખું બૉક્સ મળતાં આઇન્સ્ટાઇનને નિરાંત થઈ હશે પરંતુ આઇન્સ્ટાઇને તો એ યૂ-પિન સીધી કરવાનું કામ ચાલુ રાખ્યું.

એમનો મદદનીશ આ જોઈને બોલી ઊઠ્યો. ‘અરે, હવે નવી યૂ-પિનનું આખું બૉક્સ મળી ગયું છે, પછી આ વાંકી વળી ગયેલી પિનને સીધી કરવાની શી જરૂર ? એની પાછળ શાને સમય વેડફો છો?”

આઇન્સ્ટાઇને કહ્યું, ‘જુઓ, એક વાર હું જે કામ કરવાનું નક્કી કરું છું, એમાંથી ચલિત થવાનું ક્યારેય પસંદ કરતો નથી.’

અને આઇન્સ્ટાઇને વાંકી વળેલી પિન બરાબર કરીને એને કાગળોમાં બરાબર ભરાવી. પ્રિન્સ્ટન યુનિવર્સિટીના અધ્યાપક આઇન્સ્ટાઇનને એમની યુનિવર્સિટીના એક અધ્યાપકે એમના જીવનમંત્ર વિશે પૂછ્યું, ત્યારે આઇન્સ્ટાઇને આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો.

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑