વિશ્વવિખ્યાત હાસ્ય અભિનેતા બૉંબ હૉપ (1903-2003) પોતાનાં માતાપિતા સાથે દેશાંતર કરીને અમેરિકા આવીને રહેવા લાગ્યા. એમના પિતા સંગીત-સમારોહમાં ગાયક તરીકે કામ કરતા હતા. એમણે થોડાં વર્ષો રંગભૂમિ પર નૃત્યકાર અને હાસ્યકાર તરીકે પણ કામ કર્યું હતું.
બૉંબ હૉપ કશુંક કરવા ચાહતા હતા. એમણે દસ વર્ષની વયે ‘ચાર્લી ચૅપ્લિન અનુકરણ સ્પર્ધા’માં વિજય મેળવ્યો અને એ પછી સ્ટેજ પર ગીત સાથે અભિનય કરવા લાગ્યા.
આમાં એમણે ઘણાં વર્ષો વિતાવ્યાં, પરંતુ ચાર્લી ચૅપ્લિનની શૈલીમાં અનુકરણને કારણે એમની કોઈ આગવી છાપ ઉપસાવી શક્યા નહીં.
વિલ રોગર્સ સર્કસમાં કામ કરતા હતા, ત્યારે કંઈ જ બોલ્યા વગર દોરડાં ઘુમાવવામાં માહેર હતા. એક વાર અચાનક બૉંબ હૉપને પોતાનામાં છુપાયેલી આગવી રમૂજવૃત્તિનો ખ્યાલ આવ્યો.
એણે દોરડાં ઘુમાવતી વખતે પોતાની આ રમૂજી શૈલી દ્વારા દર્શકોને ખૂબ હસાવ્યા અને એને પરિણામે એની આગવી પ્રતિભા ઊભી થઈ. આ મૌલિકતાએ બૉબ હૉપ તરફ સહુનું ધ્યાન ખેંચ્યું.
બૉંબ હૉપે પોતાની ‘ડાહ્યા-ગાંડા’ જેવી જુદી જ ઇમેજ ઊભી કરી. એને કારણે જ લોકચાહના પામીને એ બૉંબ હૉપ બની રહ્યો. રમૂજની એમની નિજી શૈલીએ દર્શકોનાં હૃદય જીતી લીધાં. જો એમણે માત્ર ચાર્લી ચૅપ્લિનના અભિનયનું અનુકરણ કરવાનું ચાલુ રાખ્યું હોત, તો રેડિયો, ટેલિવિઝન અને ફિલ્મમાં એ એની આગવી શૈલીથી અપાર લોકપ્રિયતા હાંસલ કરી શક્યા, તે પામી શક્યા ન હોત.