ઈર્ષા પરાજિત થઈ

સમગ્ર યુરોપમાં પ્રસિદ્ધ એવા માઇકલ ઍન્જેલોની ખ્યાતિ સાંભળીને એક ચિત્રકાર સતત બેચેન રહેતો હતો. ઍન્જેલોની લોકપ્રિયતા જેમ જેમ વધતી જતી, તેમ તેમ આ ચિત્રકારનો એના પ્રત્યેનો દ્વેષ વૃદ્ધિ પામતો. એ વિચારતો કે લોકો સમજ્યા વિના માઇકલ ઍન્જેલોની ચિત્રકલાનાં વખાણ કરે છે. જો એ સાચા કલાપારખુ હોય, તો એમને માઇકલ ઍન્જેલોનાં ચિત્રોમાં ઘણી ગંભીર ક્ષતિઓ જોવા મળે.

એક દિવસ આ ચિત્રકારે વિચાર્યું કે એક એવું ચિત્ર બનાવું કે જેથી લોકો માઇકલ ઍન્જેલોને ભૂલી જાય અને સમગ્ર યુરોપમાં કલાકાર તરીકે મારી નામના થાય. એણે સુંદર યુવતીનું ચિત્ર બનાવવાનું શરૂ કર્યું અને માઇકલ ઍન્જેલોને માત કરવાની ધૂન સાથે કામ કરવા લાગ્યો. ચિત્ર પૂર્ણ થયું. ચિત્રકારે એ જોયું, પણ એને એમ લાગ્યું કે આમાં કંઈક ખામી છે ! યુવતીના સૌંદર્યના અનુભવમાં કશુંક ખૂટે કે ખટકે છે. ઘણો વિચાર કર્યો, પરંતુ પોતાના ચિત્રની ક્ષતિ એ જાતે ખોળી શક્યો નહીં.

એવામાં એક કલાપ્રેમી આ બાજુથી પસાર થતો હતો. એ આ ચિત્રકાર પાસે આવ્યો. આ ચિત્રકારે માઇકલ ઍન્જેલોને અગાઉ ક્યારેય જોયો નહોતો, તેથી એણે વિચાર્યું કે આ કલાપ્રેમીની સલાહ લઉં, કદાચ પોતાની ભૂલની ભાળ મળે. એણે એ કલાપ્રેમીને વાત કરી, ત્યારે એણે હાથમાં પીંછી લીધી અને યુવતીની બંને આંખોમાં કાળું ટપકું કર્યું. આંખની કીકી લાગતાં જ ચિત્ર સજીવ થઈ ગયું. એટલે પેલા ચિત્રકારે ઍન્જેલોને કહ્યું, તમારો ખૂબ આભાર. તમે સોનામાં સુગંધ ભેળવી આપી. તમે છો કોણ ?’

એણે કહ્યું, ‘મારું નામ માઇકલ ઍન્જેલો છે.’

આ સાંભળી ચિત્રકાર હેરાન-પરેશાન થઈ ગયો. એ બોલ્યો, ‘ભાઈ, મને ક્ષમા કરો. તમારી કીર્તિ અને કલા પ્રત્યેની ઈર્ષ્યાથી તમને પરાજિત કરવા માટે હું આ ચિત્ર દોરતો હતો, પરંતુ આજે તમારી કલાદૃષ્ટિ અને સૌજન્ય જોઈને ખરેખર શરમિંદો બન્યો છું.’

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑