જે પરસેવે ન્હાય

અમેરિકાના ન્યૂયૉર્ક રાજ્યના ગવર્નર તરીકે ચાર ચાર વખત પસંદગી પામનાર અલ સ્મિથનું બાળપણ એવી કારમી ગરીબીમાં વીત્યું હતું કે એમના પિતા અવસાન પામ્યા ત્યારે એની પાસે કૉફિનના પણ પૈસા નહોતા. એમની માતા છત્રીના કારખાનામાં રોજ દસ દસ કલાક કામ કરતી હતી અને એ પછી ઘેર આવ્યા બાદ પણ મોડી રાત સુધી બીજું પરચૂરણ કામ કર્યા કરતી.

અલ સ્મિથ પોતાની પ્રારંભની જિંદગીમાંથી એક જ પાઠ શીખ્યા કે જિંદગી એ ગરીબી કે સંઘર્ષ નથી, પરંતુ આકરી મહેનત છે.

સમય જતાં એ રાજકારણમાં પ્રવેશ્યા અને ન્યૂયૉર્ક સ્ટેટની ધારાસભાના સભ્ય બન્યા. રાજકીય બાબતો અંગે એમને કશું સમજાતું નહીં, પરંતુ ખૂબ લાંબાં અને મુશ્કેલ બિલોને એ ઘણો સમય કાઢીને વાંચ્યા કરતા.

એ સ્ટેટ બૅંક કમિશનના સભ્ય બન્યા, ત્યારે કોઈ બૅંકમાં એમનું ખાતું નહોતું ! પરંતુ મહેનત કરીને એમણે બેંકના કામકાજની સઘળી માહિતી મેળવી. એ દિવસના સોળ સોળ કલાક કામ કરતા હતા અને પોતાના એ વિષયના અજાણપણાને જાણપણામાં ફેરવી નાખતા હતા.

એમણે એવી મહેનત કરી કે દેશના રાજકારણમાં એ અતિ મહત્ત્વની વ્યક્તિ બની ગયા અને ન્યૂયૉર્ક ટાઇમ્સે ‘ન્યૂયૉર્કના સૌથી વધુ પ્યારા અને લાડીલા નેતા’ તરીકે એમની પ્રશંસા કરી.

1828માં અમેરિકાની ડેમોક્રેટિક પાર્ટીએ અલ સ્મિથને પોતાના પ્રમુખપદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા. જેને હાઈસ્કૂલમાં ભણવા મળ્યું નહોતું, એવા અલ સ્મિથને એમના અથાગ પરિશ્રમને પરિણામે મેળવેલી સિદ્ધિઓને કારણે અમેરિકાની કોલંબિયા અને હાર્વર્ડ જેવી મહત્ત્વની છ છ યુનિવર્સિટીઓએ માનદ પદવીઓ એનાયત કરી હતી.

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑