થોડા સમયની ભરતી

સાપેક્ષતા (રિલેટિવિટી) સિદ્ધાંતના સ્થાપક, નોબેલ પારિતોષિક વિજેતા આલ્બર્ટ આઇન્સ્ટાઇન (1879થી 1955)ને ઘેર એક પૅકેટ આવ્યું અને એમનાં પત્ની ઇસ્લાએ એ ખોલ્યું તો એમાં બ્રાઝિલ અને આફ્રિકામાં વૈજ્ઞાનિક ટુકડીઓએ લીધેલી સૂર્યગ્રહણની છબી હતી. ઇસ્લાએ આ તસવીરો પતિ આઇન્સ્ટાઇનને આપી, ત્યારે એ જોઈને આઇન્સ્ટાઇનના મુખમાંથી ‘અતિસુંદર’ એવા શબ્દો સરી પડ્યા. આ સાંભળી એમની પત્નીએ કહ્યું, ‘હા, હવે તમને તમારા રિલેટિવિટીના સિદ્ધાંતની સાબિતી મળી ગઈ.’

આઇન્સ્ટાઇને આત્મવિશ્વાસભેર કહ્યું, ‘મારે વળી ક્યાં મારા સિદ્ધાંતની આવી સાબિતીની જરૂર હતી ? મને તો એ દીવા જેવું સ્પષ્ટ દેખાતું હતું. એમ કહો કે એમને જે સાબિતી જોઈતી હતી, તે આનાથી મળી.’

એ પછી વિશ્વભરમાં આઇન્સ્ટાઇનનું નામ ગાજવા લાગ્યું. માન-સન્માનોની વર્ષા થવા લાગી. દુનિયાના ખૂણેખૂણેથી વ્યાખ્યાનો માટે નિમંત્રણો આવવા લાગ્યાં. એના હસ્તાક્ષર મેળવવા માટે પડાપડી થવા લાગી. વેપારીઓ પોતાની પેદાશને ‘આઇન્સ્ટાઇન’ કે ‘રિલેટિવિટી’ નામ આપવા લાગ્યા. એને ઘેર ટપાલોનો ઢગલો થવા લાગ્યો. આઇન્સ્ટાઇનની આ નવી શોધથી વિજ્ઞાનની તત્ત્વપ્રણાલીમાં ઊથલપાથલ થઈ. આઇન્સ્ટાઇને પ્રાથમિક અવલોકનોની મદદ વિના શુદ્ધ ચિંતનથી ગાણિતિક મૉડલ તૈયાર કરીને તેના ગુણધર્મો તારવ્યા પછી તેને અવલોકનો દ્વારા તપાસવાની નવી પ્રણાલી સ્થાપી.

આ બધું જોઈને આઇન્સ્ટાઇને એની પત્નીને કહ્યું, ‘આ બધાથી સહેજે ગભરાતી નહીં. આ બધું તો ભરતી જેવું છે. ત્રણ માસમાં તો લોકો બધું ભૂલી જશે અને આપણે શાંતિથી કામ કરી શકીશું.’

જોકે એ પછી આઇન્સ્ટાઇનની વિશ્વભરમાં પ્રસિદ્ધિ થઈ અને એ વિશ્વવિભૂતિ બન્યો, પણ આવી લોકપ્રિયતાથી એ સહેજ પણ લેપાયો નહીં.

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑