પ્રશંસા પર અવિશ્વાસ

પ્રસિદ્ધ યહૂદી સંત શેલ્મકેની યોગ્યતા જોઈને રાજાએ એમને સમગ્ર રાજ્યનો કારભાર સોંપવાનું વિચાર્યું. એમની યોગ્યતાનું આ સન્માન હતું. સંત શેલ્મકેએ રાજાને કહ્યું, ‘આપ રાજ્યની આટલી મોટી જવાબદારી સોંપીને મારું સન્માન કરો છો તે હું સ્વીકારું છું, પરંતુ આ જવાબદારી હું કાલે નહીં, પરંતુ પરમ દિવસે સંભાળીશ. આવતીકાલે મારે એકાંતમાં રહીને આરાધના કરવી છે.’

રાજાએ શેલ્મકેની વાતનો સ્વીકાર કર્યો, પરંતુ શેલ્મકેના શિષ્યને થયું કે એવી તો કઈ આરાધના છે કે જે આ કાર્યભાર સંભાળતાં પૂર્વે ગુરુજી કરવા માગે છે ? વળી એ આરાધના સહુની વચ્ચે કરવાને બદલે શા માટે એકાંતમાં કરવા ઇચ્છે છે ?’

બીજે દિવસે શિષ્ય ગુરુની પાછળ ને પાછળ ફરવા લાગ્યો. એણે જોયું તો સંત શેલ્મકે એક ખંડમાં બેસીને એકલા પ્રાર્થના કરી રહ્યા હતા અને ઈશ્વરને કહેતા હતા, ‘હે પરમપિતા ઈશ્વર ! તમારા જેટલી જ પવિત્રતા મારામાં છે, સાચે જ હું તમારું પ્રતિબિંબ છું. હે ઈશ્વર, હું તમારા જેવો જ છું. તમારાથી કોઈ પણ રીતે ઊતરતો નથી. હું આ રાજ્યનો મહાન રક્ષણહાર છું, સમર્થ ન્યાયાધીશ છું અને પરમ તારણહાર છું.’

છુપાઈને સંત શેલ્મકેની પ્રાર્થના સાંભળતા એમના શિષ્યે આ શબ્દો સાંભળ્યા અને એકાએક સંત તરફ ધસી આવ્યો. એણે કહ્યું, ‘બસ, બસ, હવે બહુ થયું. તમે પોતે જ તમારી જાતની પ્રશંસા કરવા માંડશો, તો બીજાઓનું શું થશે ?’ શિષ્યનો અવાજ સાંભળીને સંતે આંખો ખોલી અને સ્નેહપૂર્વક હસીને કહ્યું, ‘હું કંઈ સ્વયં પ્રશંસા કરતો નથી, હું તો માત્ર કાચા કાનનો સાબિત ન થાઉં, માટે મારા કાનને પાકા કરી રહ્યો છું.’

શિષ્ય આ સમજી શક્યો નહીં એટલે સંતે કહ્યું, ‘હવે મને આ રાજ્યની સંભાળ લેવાની જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારે પ્રતિક્ષણ મારી અતિ પ્રશંસા થતી રહેશે. ચારેબાજુ ખુશામતિયાઓની ભીડ જામશે એટલે હું આ શબ્દો બોલીને મારી જાતને બરાબર મજબૂત કરું છું કે જેથી હું અન્ય કોઈ પાસેથી આવા શબ્દો સાંભળું, તો એના પર વિશ્વાસ મૂકું નહીં અને ઉચિત રીતે મારું કાર્ય કરું.’

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑